ગોધરા સિવિલથી વડોદરા SSG હોસ્પિટલમાં રીફર કર્યા બાદ મોત નિજપ્યું
કાલોલ:
મહેલોલ તળાવ નજીક એક દુઃખદ માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નિજપ્યું હતું. આ ઘટનાથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ મહેલોલ કઠોડીયા ભગત ફળીયામાં રહેતા દિલીપસિંહ કરણસિંહ રાઠોડ પોતાની મોટરસાયકલ નં. GJ-23-BG-5547 લઈને મહેલોલ ગામે સુથારી કામ માટે ગયા હતા. કામ પૂર્ણ કરીને સાંજના સમયે પરત ફરતા હતા ત્યારે મહેલોલથી રાયસીંગપુરા રોડ ઉપર મહેલોલ તળાવ નજીક આશરે સાંજના છથી સાત વાગ્યાના અરસામાં તેમની બાઈકનું સંતુલન ગુમાઈ જતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં દિલીપસિંહને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલત ગંભીર હોવાથી બીજા દિવસે વહેલી સવારે ડોક્ટરો દ્વારા વધુ સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપસિંહનું મોત નિજપ્યું હતું. આ બનાવ અંગે પરિવારજનોએ વેજલપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. વેજલપુર પોલીસે મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.