Business

મહુવાસ

વર્ષોથી વાંસ (બામ્બુ)માંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવી રોજગારી મેળવતો પરિવાર
મહુવાસ ગામે નીચલા ફળિયા ખાતે રહેતા કેટલાક આદિવાસી સમાજના પરિવારો વર્ષોથી વાંસમાંથી ટોપલાં, ટોપલી, સૂપડાં, કટવા, છાબડી વગેરે ચીજવસ્તુઓ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા રહી રોજગારી મેળવી રહ્યા છે, જેમાં મહુવાસ ગામે નીચલા ફળિયા ખાતે રહેતા ચંદુભાઈ શૈલેષભાઈ કોટવાળીયા પત્ની સાથે વર્ષોથી આ વાંસમાંથી અનેક વસ્તુઓ બનાવી આજના આધુનિક યુગમાં પણ આવક મેળવી વર્ષોના પારંપરિક વ્યવસાયને જીવંત રાખી સાથે પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે. ઉપરાંત મહુવાસ ગામના કેટલાક પરિવારો આશરે છેલ્લાં ૩૫થી ૪૦ વર્ષથી પણ વધુ સમયથી આ વાંસમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવના વ્યવસાય સાથે જોડાયેલો છે. આદિવાસી સમાજના લોકો આ વ્યવસાય થકી ગુજરાન તો ચલાવે છે, જે કામ ખૂબ જ મહેનત માંગી લે છે. પરંતુ તેઓની કુશળતાના કારણે તેમના માટે આ કાર્ય ખૂબ જ સરળ બની રહે છે, જેમાં પૂરા દિવસ દરમિયાન એક વ્યક્તિ આશરે 12થી 15 નાનાં-મોટાં ટોપલાં સરળતાથી બનાવી લેતા હોય છે. જે એક ટોપલો બજારમાં 130થી 150 રૂપિયા સુધીમાં વેચાય છે. આ ટોપલાની બનાવટમાં માત્ર વાંસનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ટકાવમાં પણ ખૂબ જ મજબૂત હોય છે. વાંસનો કોઈપણ વસ્તુ બનાવવા માટે તેનો ઉપયોગ કરતા પહેલા વાંસને ઊભી ફાડી કાઢી જરૂરિયાત પ્રમાણે તેમાંથી પટ્ટીઓ કાઢવામાં આવે છે અને તેને થોડી તડકામાં સૂકવ્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં વાંસ આ વિસ્તારનાં જંગલો અને આજુબાજુના વિસ્તારોમાંથી સહેલાઈથી મળી રહેતા હતા. પરંતુ હાલ આ પ્રકારના વાંસ મળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણે કારીગરોએ અન્ય ગામોમાંથી વાંસ લાવવા પડે છે.

નદી અને ચેકડેમ થકી સિંચાઈ
મહુવાસ અને સીતાપુર ગામના માધ્યમથી પસાર થતી કાવેરી નદી અને સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નાના-મોટા ચેકડેમો થકી ગામના ઘણા લોકોને ચેકડેમમાં સંગ્રહ થતા પાણીનો સિંચાઈ માટે ભરપૂર લાભ મળી રહે છે તેમજ ગામમાં ઘણા એવા લોકો રહે છે કે જેઓ ચોમાસામાં વરસાદી પાણી અને આવા ચેકડેમો થકી જ ખેતી કરી શકતા હોય છે તેવા ખેડૂતો માટે આ નદી અને ચેકડેમ ખૂબ જ લાભદાયી છે.

દર ગુરુવારે હાટ બજાર ભરાય છે


વાંસદાથી વઘઈ તરફ જતા સ્ટેટ હાઈવે પર મહુવાસ ગામના મુખ્ય ચાર રસ્તાની બાજુમાં સરા તરફ જતા રસ્તા પર અઠવાડિયાના દર ગુરુવારે હાટ બજાર ભરાય છે, જેમાં ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો પોતાની શાકભાજી તેમજ અન્ય વેપારીઓ પોતાની દુકાન અને સ્ટોલો લગાવી ધંધો કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ભરાતા આવા હાટ બજારો સાંજના સમયે ભરાતા હોય છે, જે રાત્રે આશરે 9થી 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ દરમિયાન ગ્રામજનોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ભારે ભીડ જોવા મળતી હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં ભરાતા બજારમાં શાકભાજી અને અન્ય કેટલીક વસ્તુઓ બજાર કરતા સસ્તા ભાવમાં મળી રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાટ બજાર થકી ગ્રામ પંચાયતને પણ સારી એવી આવક થતી હોય છે અને લોકોને નાની મોટી વસ્તુઓ ઘરઆંગણે જ મળી રહેતાં દૂર સુધી જવાની જરૂર નહીંવત રહે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો આવા હાટ બજારને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી માણતા હોય છે.

રાજ્યમાં શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ વિજેતા ડો.કમલેશ ઠાકોર


શ્રી સત્ય સાંઈ લક્ષ્મીમોહન વિદ્યાલય મહુવાસના આચાર્ય અને ટ્રસ્ટી ડો.કમલેશ ઠાકોર ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ વિજેતા થયા છે. ઉપરાંત નવસારી જિલ્લાના શાળા સંચાકલમંડળના અધ્યક્ષ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર, શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, વનબંધુ કલ્યાણ ટ્રસ્ટ વાંસદાના પ્રમુખ પણ રહ્યા છે. જેમણે ૨૦૧૦માં માત્ર ૩૦થી ૩૫ બાળકોના એડમિશનથી શ્રી સત્ય સાંઈ લક્ષ્મીમોહન વિદ્યાલયની શરૂઆત કરી હતી. બાદ બાળકોને અનેક રીતે પ્રોત્સાહન અને શિક્ષણ બાબતે માર્ગ દર્શન આપી આજે વિદ્યાલયમાં ૧૦૦૦થી પણ વધુ બાળકો અભ્યાસ અર્થે આવે છે. કમલેશ ઠાકોર સ્વભાવે ખૂબ જ શાંત, માયાળુ સ્વભાવના હોવાથી બાળકો સાથે તેમના વિચારોમાં ભળી જઈ તેમની શિક્ષણ પ્રત્યેની અનેક મુશ્કેલીઓ જાણી દૂર કરવાના પ્રયત્નો સાથે વિદ્યાર્થીઓએ કેવી રીતે વાંચન કરવું, પરીક્ષાઓની તૈયારીઓ કરવી એ બાબતે સરળ અને સચોટ માર્ગ દર્શન આપતા આવ્યા છે. સાથે રમતગમત ક્ષેત્રે પણ બાળકોને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે. આમ, હાલ આ વિદ્યાલયમાં આ વિસ્તારના અનેક આદિજાતિનાં બાળકો ખૂબ જ સારું શિક્ષણ મેળવી રહ્યા છે.

શ્રી સત્ય સાંઈ લક્ષ્મીમોહન વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ પહોંચ્યા અવ્વલ મુકામે


વાંસદા તાલુકાના મહુવાસ ગામે આવેલી શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ લક્ષ્મીમોહન વિદ્યાલયમાં ધો.૧થી ૧૨ સાયન્સ અને આર્ટસ પ્રવાહ સાથે ચાલે છે. એ શાળા ૨૦૧૦માં શરૂ કરી ત્યારે શાળાની કુલ વિદ્યાર્થીની સંખ્યા ૩૬ હતી. આજે શાળા કેમ્પસમાં ૧૦૨૬ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. શાળાનું બોર્ડનું પરિણામ દર વર્ષે ૧૦૦ % આવે છે. લગભગ તમામ બાળકો આદિજાતિના અભ્યાસ કરે છે. શાળા સંવલગ્ન-સરસ્વતી કન્યા છાત્રાલય છે, જેમાં ૨૦૩ કન્યાઓ રહી અભ્યાસ કરે છે. એ પૈકી ૩૨ કન્યા અનાથ છે. જેનો તમામ ખર્ચ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.કમલેશ ઠાકોર કરે છે. તેમજ મળતી માહિતી મુજબ નીલકંઠ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયના મળીને કુલ ૨૮૭ બાળકો છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે, જેમાં ધરમપુર-વ્યારા-કપરાડા-સોનગઢ-માંડવી-ડાંગ-ઉચ્છલ-સાગબારાથી અહીં અભ્યાસ અર્થે આવે છે. શાળામાંથી અભ્યાસ બાદ આજે અનેક જગ્યાએ પોતાનું યોગદાન આપી ડોક્ટર, ઈજનેર, શિક્ષકો, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. સંસ્થા આવા વિદ્યાર્થીઓ જોડે સતત સંપર્કમાં રહી સમાજને પોતાનું વળતર આપે તથા સંસ્કાર સાથે મૂલ્યલક્ષી શિક્ષણના આગ્રહી છે. શાળાના કેમ્પસમાં ૨૦૨૩થી G.N.M. અને A.N.M. નર્સિંગ કોલેજ પણ સરકાર દ્વારા મંજૂરીથી ચાલે છે, જેમાંથી પ્લેસમેન્ટ માટે સુરત, વલસાડ, નવસારીની મોટા ભાગની હોસ્પિટલ સાથે MOU કર્યા છે. ૧૦૦% નોકરી આપતી નર્સિંગ કોલેજ એટલે શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ, મહુવાસ. આ બાબતે સુંદર શાળા પરિવારની એકવાર મુલાકાત લેવા જેવી છે. આ શાળાના પ્રિન્સિપલ અને સંચાલક ડો.કમલેશ ઠાકોર પાસેથી મળતી માહિતી મુજબ તેમણે શરૂઆત આહવા-દીપ દર્શન શાળાથી મ.શિક્ષક તરીકે કરી હતી. ત્યાર બાદ ૨૦૦૧થી આંબાબારી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિમણૂક મેળવી શાળાનું અદ્યતન મકાન પોતાની મૂડીમાંથી બનાવી આપનાર અને ૧૧૨ વિદ્યાર્થીમાંથી ૧૦૪૯ વિદ્યાર્થીની સંખ્યા સુધી લઈ જનાર શાળાનું બોર્ડનું ૧૨% થી વધારીને ૧૦૦% સુધી લઈ ગયા હતા. સામાન્ય મકાનમાંથી અદ્યતન મકાન તૈયાર કરી શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ સરકારે આપ્યો છે. ત્યારબાદ ડો.કમલેશ ઠાકોર ૨૦૨૩માં નિવૃત્ત થયા હતા અને હાલ અત્રેની શાળામાં સમગ્ર સંચાલન કરે છે. પરિણામ સ્વરૂપે એક વર્ષમાં ચાર વર્ગ અને આ વર્ષે બે વર્ગ નવા શરૂ થયા છે. જેનો વિદ્યાર્થીઓને લાભ મળી રહેશે.

મહુવાસમાંથી પસાર થતી માઇનોર કેનાલ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક


મહુવાસ ગામમાંથી પસાર થતી માઈનોર કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ કેનાલ આંબાબારી, મહુવાસ, મોટી ભમતી જેવાં ગામોમાંથી પસાર થાય છે. આ માઇનોર કેનાલનું ૧૯૮૨માં નિર્માણ થયું હતું. મહુવાસ ગામમાં ઘણા એવા ખેડૂત ભાઇઓ છે, જેઓની જમીન આ કેનાલની બાજુમાં આવેલી છે. તેઓ માત્ર આ કેનાલ અને વરસાદી પાણી પર નિર્ભર રહી ખેતી કરતા હોય છે.

મહુવાસ-સરા-કેવડી ત્રણ રસ્તા પર આવેલી ફોરેસ્ટ ચેકપોસ્ટ
મહુવાસ ગામના મુખ્ય ચાર રસ્તાથી સરા-કેવડી ગામ તરફ જતા ત્રણ રસ્તા પાસે વનવિભાગ દ્વારા ચેકપોસ્ટ મૂકવામાં આવી છે. જ્યાં આ વિસ્તારનાં જંગલોમાંથી લાકડાંની ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એ માટે ચેકપોસ્ટ પર ૨૪ કલાક વનવિભાગ દ્વારા વોચ રાખવામાં આવે છે અને ત્યાંથી પસાર થતાં અનેક શંકાસ્પદ વાહનોને ચેક કરવામાં આવે છે.

પ્રકૃતિ પૂજાનું વિશેષ મહત્ત્વ
આદિવાસી વસતી ધરાવતું ગામ હોવાથી અહીંના લોકોમાં પ્રકૃતિ પ્રત્યે પૂજાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. ગામમાં દરેક ધર્મમાં લોકો વસવાટ કરે છે. પરંતુ ગામમાં વસતા આદિવાસી લોકોમાં વાઘ બારસનું કંઈક અલગ અને વિશેષ મહત્ત્વ રહે છે, જેમાં દર વર્ષે વાઘ બારસના દિવસે વડીલો, નાનાં બાળકોથી માંડી ગ્રામજનો ભેગાં થઈ વાઘદેવીની સ્થાપના કરેલ પ્રતિમા સુધી જઇ ત્યાં આદિવાસી પરંપરા મુજબની પૂજા-અર્ચના કરે છે. ખેડૂતો દ્વારા પ્રકૃતિને સારા વરસાદ થકી સારો પાક મેળવી શકાય તેવી અરજ કરવામાં આવે છે. આ વાઘદેવીનું મંદિર ગામના છેવાડે જંગલ વિસ્તારમાં રાખવામાં આવે છે, તેમજ આ સ્થાપિત કરેલી પ્રતિમાની છત રાખવામાં આવતી નથી. આદિવાસી ખેડૂતોમાં વાઘદેવી માતાની સ્થાપનામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહેતો હોય છે અને એવું પણ કહેવાય છે કે આ પ્રકૃતિની પૂજા-અર્ચના કરવાથી ખેડૂતો ઉપર આવતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. આમ, આ વિસ્તારના આદિવાસીઓમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહત્ત્વ અને આસ્થા જોડાયેલી જોવા મળે છે.

Most Popular

To Top