એક વર્ષ પહેલા વધુ ભાવ આપવાના બ્હાને નડિયાદના ખેડૂત પાસેથી ખરીદી હતી
(પ્રતિનિધિ) મહુધા તા.11
મહુધાના મંગળપુરમાં રહેતા શખ્સે નડિયાદના ખેડૂત પાસેથી એક વર્ષ પહેલા વધુ ભાવ આપવાના બહાને 1443 મણ તમાકુ કિંમત રૂ.33.34 લાખ ખરીદી હતી. જોકે, એક વર્ષનો ગાળો વિતિ ગયાં છતાં વેપારીએ નાણા ચુકવ્યાં નહતાં. આખરે છેતરપિંડી થયાનું જણાતાં ખેડૂતે મહુધા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ શહેરના વાણીયાવડમાં આવેલી સમરથ સોસાયટીમા રહેતા મેહુલ કનુભાઈ પટેલ ખેતી કરે છે. તેમના વડવાઓની જમીન મહુધા તાલુકાના મંગળપુર સીમ વિસ્તારમાં આવેલી છે. ગયા વર્ષે મેહુલે પોતાની જમીનમાં તમાકુનો પાક કર્યો હતો. જે તમાકુનો પાક વેચવાનો હોય તેમણે તેમના પરિચિત જયદીપ ટ્રેડર્સના દિનેશ ચીમનભાઈ પરમાર (રહે.તાડીયા વિસ્તાર, તળાવ પાસે, મંગળપુર)ને વાત કરી હતી. આ દિનેશભાઈ પોતે તમાકુની લેવેચનો ધંધો કરતા હોય તેમણે આ તમાકુની ખરીદી કરી હતી.
મેહુલને આશા હતી કે, તેના તમાકુના ભાવ ઉંચા ભાવ મળશે, જે આશાએ એક મણના રૂપિયા 2,311 નક્કી કરી 20મી મે 2023ના રોજ કુલ 1443 મણ તમાકુ કુલ રૂપિયા 33 લાખ 34 હજાર 773માં દિનેશભાઈને વેંચાણ આપી હતી. જે તે સમયે આ દિનેશભાઈએ વિશ્વાસમાં લઈ મેહુલભાઈ પાસેથી તમાકુનો જથ્થો મેળવી દીધો હતો અને નાણાં આગળથી આવે મોકલી આપીશું તેમ જણાવ્યું હતું.
જોકે, લાંબા સમય સુધી મેહુલભાઈને પોતાના તમાકુના વેચેલા પૈસા ન મળતા તેઓએ દિનેશભાઈ પરમારનો અવારનવાર સંપર્ક કર્યો હતો. પરંતુ દિનેશભાઈ ગલ્લા તલ્લા બતાવતા અને બહાના કાઢતા હતા. આ વાતને 11 માસ વિતવા છતાં પણ મેહુલભાઈને પોતાના તમાકુના વેચાણ આપેલા નાણાં ન મળતા તેઓએ આ મામલે મહુધા પોલીસ મથકે દિનેશ ચીમનભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.