મહુધા ધારાસભ્યએ ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ની પર્સનલ ઓફીસમાં બોલાવી સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ આપતા વિવાદ
સંજયસિંહ મહીડાના કાર્યાલય દ્વારા વી.સી.ઈ.ને 200 સભ્યો બનાવી રીપોર્ટ કરવા સૂચના આપી.
મહુધાના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડા ફરી વિવાદમાં આવ્યા છે. આ વખતે ધારાસભ્યના ખાનગી કાર્યાલયમાંથી ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ને આદેશ કરાયા હોવાની વિગતો સામે આવી છે. ધારાસભ્ય દ્વારા નાગરીકોના હિતાર્થે નહીં પરંતુ પક્ષના હિતમાં પક્ષની કામગીરી કરવા માટે સરકારી કામ સાથે જોડાયેલા વી.સી.ઈ.ને સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપતા વિવાદ છેડાયો છે. આ મામલે આજે કોંગ્રેસે પણ આવેદનપત્ર પાઠવ્યુ છે.
મળતી માહિતી મુજબ હાલ રાષ્ટ્રીય કક્ષાએથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાનમાં લોકોને સભ્યો બનાવવા માટે પક્ષના હોદ્દેદારોથી માંડી અને પદાધિકારીઓને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જે અંતર્ગતનો ટાર્ગેટ પૂરો ન થતા ભાજપ સાથે સંકળાયેલા હોદ્દેદારો અને પદાધિકારીઓએ નવા કિમીયા અપનાવ્યા છે. જો કે, આ વચ્ચે મહુધા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ તો હદ વટાવી દીધી છે. ધારાસભ્ય દ્વારા સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે સરકારી ગ્રાંટમાંથી પગાર લેતા ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ને સદસ્યો બનાવવાનો ટાર્ગેટ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. આ મામલે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને દબાણ કરીને વી.સી.ઈ.ને પોતાની ખાનગી ઓફીસ મોકલવા દબાણ કરાયુ હતુ. જ્યાં વી.સી.ઈ. ધારાસભ્યની ઓફીસે પહોંચતા તેમને 200 સદસ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વી.સી.ઈ.ની ખાનગી બેઠક પૂર્ણ કર્યા બાદ ધારાસભ્યના કાર્યાલય દ્વારા ચાલતા વોટ્સએપ થકી તમામ વી.સી.ઈ.ને સૂચના આપવામાં આવી હતી અને ધારાસભ્યનો નંબર દર્શાવી અને દરેક વી.સી.ઈ. 200 સભ્યો બનાવે તેમ આદેશ કરાયો હતો. ધારાસભ્યનો આ મેસેજ સામાન્યજનમાં પણ વાયરલ થઈ ગયો છે. આ વચ્ચે આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપાવમાં આવ્યુ હતુ. જો કે, આ તમામ બાબતો વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે લાખો મત લઈ આવનારા ધારાસભ્યને પક્ષના સદસ્યોનો ટાર્ગેટ પૂરો કરવામાં પડી ગયા છે.