સાવલીના લાંછનપુરા પાસે સર્ચ ઓપરેશન ચાલુ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ
સાવલી: સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં નાહવા પડેલા વડોદરાના એક યુવક પાણીમાં તણાઈ જવાના બનાવે ચકચાર મચી છે. બનાવની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં રહેતા સંતોષ ડોનડીવા કોકરે (ઉંમર આશરે 20 વર્ષ) પોતાના ચારથી પાંચ મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા આવ્યા હતા. દરમિયાન ન્હાતી વેળાએ યુવક ઊંડા પાણીના પ્રવાહમાં આવી જતા ગરકાવ થયો હતો.
બનાવ બનતા જ યુવકના સાથી મિત્રોએ બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા સાવલી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ લખાય છે ત્યાં સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. વધુમાં, યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું અને મિત્રો સાથે નવલખી મેદાન પર રમ્યા બાદ સાવલી ખાતે મહીસાગર નદીમાં નાહવા આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતક પરિવારમાં બે ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા પરિવારજનોમાં ભારે શોકનું માહોલ છવાઈ ગયો હતો, જ્યારે યુવક સાથે આવેલા મિત્રોમાં પણ ગમગીની જોવા મળી હતી. બનાવ અંગે સાવલી પોલીસે ફાયર વિભાગને જાણ કરી વધુ સઘન શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર : વિમલ પટેલ