Vadodara

મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે

વડોદરામાં 11 લાખ લોકોને માથે પાણી સંકટ!
રાયકા-ફાજલપુર ફ્રેન્ચવેલ પરથી સપ્લાય ઘટશે, નાગરિકોને પાણી સંગ્રહ કરવા સૂચના

વડોદરા: શહેરના રહેવાસીઓ માટે પાણીની સમસ્યા ફરી માથાનો દુખાવો બની શકે છે. મહીસાગર નદીમાં ભારે કાદવ જમા થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે કાદવ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે આગામી 15 થી 20 દિવસ સુધી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પુરવઠામાં મોટી અસર થવાની શક્યતા છે. આ કટોકટીને લીધે શહેરના અંદાજે 11 લાખ લોકોને ઓછા પ્રેશર અને ઓછા સમય માટે પાણી મળશે, જેના કારણે ફરી એકવાર પાણીનો કકળાટ સર્જાશે.
​જોકે, પાલિકા તંત્ર દ્વારા અસરની ચોક્કસ તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ નાગરિકોને અત્યારથી જ પાણીનો સંગ્રહ કરી લેવા અને સમજી-વિચારીને ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
પાણી પુરવઠા વિભાગના સૂત્રો અનુસાર, ગત ચોમાસાની ઋતુ દરમિયાન મહીસાગર નદીમાં ઉપરવાસમાંથી ખૂબ જ મોટી માત્રામાં પાણીની આવક થઈ હતી. આના પરિણામે મહીસાગર ખાતેના મુખ્ય સ્ત્રોત એવા રાયકા ફ્રેન્ચવેલની આસપાસ નદીના પટમાં મોટા પ્રમાણમાં સિલ્ટિંગ થયું છે. આ સિલ્ટિંગના કારણે ફ્રેન્ચ કુવામાંથી પાણીનો સપ્લાય નોંધપાત્ર રીતે ઓછો થયો છે.
​આ ગંભીર સમસ્યાના નિવારણ માટે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફ્રેન્ચવેલની પાસેથી ડીસિલ્ટિંગની મહત્ત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે. દેખીતી રીતે, આ કામગીરી દરમિયાન ફ્રેન્ચવેલ પરથી પાણીનો સપ્લાય વધુ ઓછો થવાની શક્યતા છે, જેને પગલે શહેરના મોટા વિસ્તારમાં પાણીની તંગી વર્તાશે.
​આ ડીસિલ્ટિંગ કામગીરીની સીધી અસર રાયકા અને ફાજલપુર ફ્રેન્ચવેલ પરથી પાણી મેળવતી શહેરની વિવિધ ટાંકીઓ અને બુસ્ટરના કમાન્ડ વિસ્તારમાં રહેતા અંદાજે 11 લાખ સ્થાનિક રહીશોને થશે.
​પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે કે, અસરગ્રસ્ત ટાંકીઓના કમાન્ડ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને આગામી 15 થી 20 દિવસ માટે પાણીનો ઉપયોગ અત્યંત સમજી-વિચારીને કરવા અને પાણીનો પૂરતો સંગ્રહ કરી લેવા માટે ખાસ નોંધ લેવા જણાવાયું છે.
​નોંધનીય છે કે, તાજેતરમાં જ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સળંગ ચાર ટાઈમ પાણીથી વંચિત રહેવાની ઘટના બની હતી, જેની અસર પાંચ લાખ સ્થાનિક રહીશોને થઈ હતી. હવે નવા સિલ્ટિંગના કારણે બમણાથી વધુ, એટલે કે 11 લાખ લોકોને અસર થવાની શક્યતા છે, જે પાલિકા તંત્ર માટે એક મોટો પડકાર છે. તંત્રે લોકોને સહકાર આપવા અને પાણીનો બગાડ ટાળવા વિનંતી કરી છે.

વારંવારની સમસ્યાનું મૂળ: ફ્રેન્ચવેલ અને સિલ્ટિંગ…
​વડોદરા શહેરની જળજરૂરિયાતનો મોટો હિસ્સો મહીસાગર નદી પર આધારિત છે. નદીના પટમાં ભૂગર્ભ સ્તરે બનાવેલા ‘ફ્રેન્ચવેલ’ મારફતે પાણી ખેંચવામાં આવે છે. જોકે, દર ચોમાસા પછી ઉપરવાસમાંથી આવતા ભારે પૂર અને પ્રવાહને કારણે ફ્રેન્ચવેલની આસપાસ કાદવ અને માટી જમા થઈ જાય છે. આ સિલ્ટિંગ પાણીના કુદરતી ગાળણને અટકાવે છે અને વેલમાં પાણીની આવક ઓછી કરી દે છે. આ સિલ્ટિંગ દૂર કરવું ડીસિલ્ટિંગ એક જટિલ પ્રક્રિયા છે, જે દરમિયાન પમ્પિંગ બંધ કરવું પડે છે અથવા ઘટાડવું પડે છે, જેના પરિણામે શહેરમાં પાણીની ખેંચ ઊભી થાય છે. વડોદરામાં જળસંકટનું આ એક પુનરાવર્તિત અને મુખ્ય કારણ છે.

નાગરિકો શું કરી શકે?
​આગામી 15 થી 20 દિવસ સુધી પાણીનો પૂરવઠો ખોરવાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વડોદરાના નાગરિકોએ પૂરતી સાવચેતી રાખવી અનિવાર્ય છે. પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકીઓ, ડ્રમ અને અન્ય પાત્રો ભરી લેવા જોઈએ. આ ઉપરાંત, દૈનિક વપરાશમાં પાણીનો બગાડ સંપૂર્ણપણે ટાળવો જોઈએ. દા.ત., બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, શાવરને બદલે ડોલ-મગનો ઉપયોગ કરવો અને ગાડી ધોવા જેવા બિનજરૂરી વપરાશને ટાળવો. પાલિકા તંત્રના પ્રયાસોને સહકાર આપીને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એ જ હાલના તબક્કે 11 લાખ અસરગ્રસ્ત લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

Most Popular

To Top