મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રના આજે પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યો તરીકે શપથ લીધા. દરમિયાન શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરે પણ પક્ષના કાર્યકરો સાથે વિધાન ભવન સંકુલમાં પહોંચ્યા. વિપક્ષે વિધાનસભા સત્રનો બહિષ્કાર કર્યો હતો. શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે અમે આજે શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો કારણ કે EVMના ઉપયોગથી લોકશાહીની હત્યા થઈ રહી છે. આ (મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો) લોકોનો આદેશ નથી.
આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે આજે આ શપથ ગ્રહણ સમારોહમાં કોઈ ઉત્સાહ નથી, ખબર નથી કે આ જનતાનો આદેશ છે કે ચૂંટણી પંચનો. સોલાપુરના માર્કડવાડીમાં લોકો બેલેટ પેપર પર વોટ કરવા માંગતા હતા પરંતુ પ્રશાસને વોટિંગ ન થવા દીધું.. હવે પ્રશાસન ત્યાં લોકોની ધરપકડ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેના વિરોધમાં મહાવિકાસ આઘાડીના ધારાસભ્યો આજે શપથ લેશે નહીં.
આના પર અજિત પવારે જવાબ આપ્યો કે આ EVM અને ભારતના ચૂંટણી પંચનો આદેશ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને NCP ચીફ અજિત પવારે કહ્યું કે અહીં આવા આરોપો લગાવવાનો કોઈ અર્થ નથી. તેમણે (વિપક્ષે) ચૂંટણી પંચમાં જવું જોઈએ અને જો ત્યાં તેમને ન્યાય ન મળે તો તેમણે કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.
શિવસેના યુબીટીના નિર્ણય પર કે તેમના વિજેતા ધારાસભ્યો શપથ લેશે નહીં, શિવસેનાના નેતા મનીષા કાયંદેએ કહ્યું કે તેઓ (મહા વિકાસ અઘાડી) ખૂબ જ બાલિશ વાત કરી રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી બેલેટ પેપર દ્વારા કરવામાં આવે તો પછી તેઓ ઈલેક્ટ્રોનિક મશીનોની માંગ કરશે. જો આમ જ ચાલશે તો દેશમાં ક્યાંય પણ સરકાર નહીં બને, જે રીતે ચૂંટણી થઈ છે તે લોકશાહી ઢબે થઈ છે. આજે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે.