ટ્રીમિંગ અને સાફ સફાઈના નામે આખા વૃક્ષ કાપી નાખતા વિવાદ
ગાર્ડન શાખાની લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી કાર્યવાહી




( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાફ-સફાઈ અને ડ્રીમિંગના નામે ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા આખા વૃક્ષ કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જોકે, સમગ્ર મામલે ગાર્ડન વિભાગે લાકડા ભરેલો ટેમ્પો સિઝ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અગાઉ વૃક્ષો પડવાની ઘટના બની હતી જે બાદ કેટલાક વિદ્યાર્થી સંગઠનો દ્વારા જોખમી રીતે ઉભા રહેલા વૃક્ષોને ટ્રીમિંગ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. જોકે વિવાદનો પર્યાય બનેલી યુનિવર્સિટીના સત્તાધીશો મોડે મોડે જાગ્યા હતા અને તેમાં વિવાદ સર્જાયો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વૃક્ષોના ટ્રીમિંગ માટેની પરમિશન લઈ આશરે 60 થી 70 ફૂટ ઊંચા બે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી વૃક્ષો કાપનાર વ્યક્તિ પાસે વૃક્ષો કાપવા માટેની પરમિશન માટેનો કાગળ માગતા તેઓ દ્વારા વૃક્ષોને ટ્રીમિંગ કરવા અંગેનો કાગળ બતાવી સંપૂર્ણ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. તેઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ અંગે ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ સ્થળ પરથી વૃક્ષોના કપાયેલા લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી ગાર્ડન શાખાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.