વડોદરામાં પ્રતિ વર્ષ કરોડોનો ખર્ચ છતાં શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત
અગાઉના વર્ષોમાં પ્રતિ વર્ષ 5 થી 7 હજાર કૂતરાનું ખસીકરણ પ્રતિ કૂતરાએ અંદાજિત રૂ. 1,600 જેટલો ખર્ચ મહાપાલિકાએ કર્યો
વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને સોસાયટીઓમાં, ઠેરઠેર કૂતરાઓના ટોળાં જોવા મળે છે. નાગરિકો માટે સવારે ચાલવા જવું, બાળકોને બહાર રમવા મોકલવા કે વાહન પર જવા-આવવામાં અસુરક્ષા અનુભવાય છે. માહિતી મુજબ, અગાઉના વર્ષોમાં પ્રતિ વર્ષ 5 થી 7 હજાર કૂતરાનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. તે સમયે પ્રતિ કૂતરાએ અંદાજિત રૂ. 1,600 જેટલો ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો હતો. આ રીતે વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને ત્રાસમાં ઘટાડો નોંધાયો નથી. તાજેતરના દિવસોમાં પણ કૂતરાના ખસીકરણને લઈને પાલિકા દ્વારા કોઈ ખાસ કાર્યવાહી પણ કરવામાં આવી નથી. નાગરિકોમાં આ બાબતે નારાજગી છે કે પાલિકાની ઢીલી નીતિઓ અને કાર્યમાં ગતિના અભાવે રખડતા કૂતરાની સમસ્યા યથાવત છે. કૂતરાઓના ખસીકરણ સાથે તેમનું રસીકરણ પણ જરૂરી છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં કેટલા કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ થયું અને તેના પાછળ કેટલો ખર્ચ થયો તેના ચોક્કસ આંકડા મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી.
ગુજરાત રાજ્યમાં કૂતરા કરડવાના કેસોમાં ચિંતાજનક સ્થિતિ છે. તાજેતરના આંકડા મુજબ, ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. વડોદરા શહેરમાં પણ દર વર્ષે હજારો નાગરિકો કૂતરા કરડવાના બનાવોમાં ઘાયલ થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકો તંત્ર પાસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. રખડતા કૂતરાઓ અંગે શહેરમાં અનેક વખત ફરિયાદો અને રજૂઆતો છતાં સમસ્યા ઉકેલાતી નથી. ઘણા વિસ્તારોમાં રાત્રે કે વહેલી સવારે કૂતરાઓના ટોળાં લોકોને પીછો કરે છે, વાહનો પાછળ દોડે છે અને ક્યારેક હુમલો પણ કરે છે. ખાસ કરીને બાળકો અને વડીલો માટે આ ગંભીર જોખમ બની રહ્યું છે. મહાપાલિકા દ્વારા જો કૂતરાઓના ખસીકરણ અને રસીકરણની કામગીરી નિયમિત ગતિએ, ચોક્કસ લક્ષ્યાંકો સાથે અને વિસ્તારવાર આયોજનથી કરવામાં આવે તો જ સ્થિતિમાં સુધારો શક્ય છે. અન્યથા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ નાગરિકોને રાહત મળે તેવું પ્રતીત થઈ રહ્યું નથી.