Charchapatra

મહાકુંભ પર્વ: માનો તો મૈં ગંગા ‘મા ‘હું , ના માનો તો બહેતા પાની

મહાકુંભ પર્વ ની સમાપ્તિ ને ગણતરી નાં દિવસો બાકી છે ત્યારે ૧૪૪ વર્ષે આવેલા આ મહાપર્વમાં પ્રયાગરાજની પાવન ભૂમિમાં દેશના ખૂણે ખૂણેથી યાત્રીઓ ( પુણ્ય કમાઇ લેવાની ઉતાવળમાં  )ભીડનો ભાગ અને ભોગ બન્યાં છે.ભીડ અને નાસભાગમાં વ્યક્તિઓ કચડાઈ જવી કોઈ નવી વાત નથી.જયાં જુઓ ત્યાં ભીડ.ભીડ અને ટોળું કોઈના નિયંત્રણમાં નથી હોતું.અમર્યાદિત ભીડનો કોઈ ઈલાજ નથી. 54 કરોડ લોકો  જ્યારે સંગમમાં ડૂબકી મારી ચૂક્યાં છે, ત્યારે  કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહી રહ્યું છે કે, પ્રયાગરાજમાં ગંગા યમુનાનું પાણી પીવાલાયક નથી કે સ્નાનને લાયક  પણ નથી. પ્રયાગરાજ નગર નિગમ અને ઉત્તર પ્રદેશ જલ નિગમનો  દાવો છે કે ગંગાનાં પાણીને ટેકનોલોજીની મદદથી સતત નિર્મળ અને સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે.સાચા તીર્થની પરિભાષા ગણેશ અને કાર્તિકેયની જુદી હતી. તો વળી ‘ હજનું પુણ્ય ‘ વાર્તામાં દમાસ્કસના અલી હુસેન મોચીની પુણ્યની પરિભાષા તો એથીય જુદી. બગદાદનાં શેખ અબ્દુલ્લા નામની વ્યક્તિને હજ કરવા જવું હોય છે પરંતુ પૈસાને અભાવે તે જઇ હજનું પુણ્ય મેળવી શકતાં નથી.

જ્યારે તેમને ખબર પડે છે કે આ વખતે હજનું પુણ્ય દમાસ્કસના અલી હુસેન મોચીને મળ્યું કે જે વ્યક્તિ હજ કરવા ગઈ જ નહોતી. શેખ અબ્દુલ્લા વિચારે છે કે હજ  કરવા ગયા‌ વગર હજનું પુણ્ય કેવી રીતે મળે?  અલી હુસેન મોચીએ  આખી જિંદગી પોતે હજ કરવા જવા માટે ભેગા કરેલા રૂપિયા પડોશીના રોકકળ કરતાં બાળકોને ભોજનની વ્યવસ્થા કરવા માટે આપી દીધા હતા. ખુદાને ખુદાઈ પ્યારી છે.આમ તેમની હજ મંજૂર થઇ. ઘરસે મસ્જિદ બહુત દૂર હે ચલો યું કર લે ,કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે!
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

‘‘ફાસ્ટ  ટ્રેનોને ઉત્રાણ સ્ટેશને સ્ટોપ આપો’’
રેલવે વ્યવહાર સતત વિકાસ પામી સુવિધાજનક બની રહ્યો છે. એ ખૂબ સારી બાબત છે. હાલ સુરત રેલવે સ્ટેશનનાં અમુક પ્લેટફોર્મને રિનોવેશનના કારણે બંધ કરવામાં આવતાં ઘણી બધી ફાસ્ટ ટ્રેન પકડવા માટે ઉધના સ્ટેશને જવું પડે છે. જે મુસાફરો માટે અગવડભર્યું છે. ઉધના સ્ટેશને ટ્રાફિકની સમસ્યાને કારણે પ્લેટફોર્મ સુધી પહોંચ્યા પહેલાં જ ટ્રેનનો સમય થઈ જતાં ઘણાં મુસાફરોનો ટ્રેનનો સમય સચવાતો નથી.

ઉધનાની જગ્યાએ અમુક ફાસ્ટ ટ્રેનને ઉત્રાણ સ્ટેશને સ્ટોપ આપવામાં આવે તો આ સમસ્યા થોડે ઘણે અંશે નિવારી શકાય એમ છે. ઉત્રાણ સ્ટેશનને પણ ઘણું બધું ડેવલોપ કરીને નવું બનાવી દેવામાં આવ્યું છે. તેથી ઉત્રાણ નજીકનાં મુસાફરો અને બીજાં કેટલાંય મુસાફરો જે ડેઈલી રેલવેનો ઉપયોગ કરે તેમના માટે ઉધના કરતાં ઉત્રાણનો વિકલ્પ સરળ રહે છે. ટ્રાફિક સમસ્યા અને સમયના બચાવ સાથે ટ્રેન સમયસર પકડી શકાય છે. તેથી જ્યાં સુધી સુરત સ્ટેશનના બધા પ્લેટફોર્મ ચાલુ ન થાય ત્યાં સુધી ફાસ્ટ ટ્રેનોના સ્ટોપ આપવા ઉત્રાણનો વિકલ્પ પસંદ કરાય તો ઘણી બધી અગવડ નિવારી શકાય એમ છે.
અમરોલી          – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top