Editorial

મસ્ક અને આઇઝેકમેનના પત્તા કપાયા: ટ્રમ્પને વાસ્તવિકતા સમજાઇ ગઇ?

વિશ્વના ટોચના અબજપતિ અને  ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્ક જ્યારે જાન્યુઆરીમાં રચાયેલ અમેરિકાની નવી ટ્રમ્પ સરકારમાં જોડાયા અને તેમને માટે એક એવો હોદ્દો ઉભો કરાયો જે અમેરિકાની અગાઉની કોઇ સરકારમાં ન હતો. સરકારી કાર્યક્ષમતા વિભાગ નામનો આ વિભાગ ખાસ તો વધારે પડતા સરકારી કર્મચારીઓના કથિત ભરાવાને ઓછો કરવા માટે હતો અને તેનો હવાલો મસ્ક જેવા હડહડતા મૂડીવાદીને અપાયો તેનાથી ઘણાના ભવાં તે સમયે જ તંગ થઇ ગયા હતા. મસ્કે આવતાની સાથે નિષ્ઠુર રીતે સરકારી કર્મચારીઓની છટણીઓ કરવા માંડી તેથી ટ્રમ્પ સરકારની છાપ શરૂઆતમાં જ લોકોમાં બગડવા માંડી.

જો કે ટ્રમ્પ સાથે પણ તેમને કંઇક સંઘર્ષ બાદમાં સર્જાવા માંડ્યો એવા એંધાણ મળી રહ્યા હતા અને છેવટે મસ્ક સરકારમાંથી છૂટા થઇ ગયા. તેઓ પોતાના લક્ષ્યોમાં બહુ ઓછા સફળ રહ્યા છે.  ફેડરલ સરકારી કર્મચારીઓની સંખ્યાને ઘટાડવા અને નોકરશાહીનું ફેરગઠન કરવાના પ્રયાસોનું નેતૃત્વ કર્યા પછી, એલોન મસ્ક યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર તરીકેની  તેમની સરકારી ભૂમિકા છોડી ગયા છે. બુધવારે સાંજે જાહેર કરાયેલ તેમની વિદાય, એક તોફાની પ્રકરણનો અંત દર્શાવે છે જેમાં હજારો છટણીઓ, સરકારી એજન્સીઓનું વિસર્જન અને મુકદ્દમાનો સમાવેશ થાય છે. ઘણી ઉઠાપટક  કરી હોવા છતાં, આ અબજોપતિ ઉદ્યોગસાહસિક વોશિંગ્ટનના અજાણ્યા માહોલમાં સંઘર્ષ અનુભવી રહ્યા હતા, અને તેઓ તેમની અપેક્ષા કરતાં ઘણું ઓછું કરી શક્યા.

ઇલોન મસ્કની ભૂમિકા ટ્રમ્પ સરકારમાં માત્ર ચાર મહિના જેટલી રહી. કેટલીકવાર તેઓ ટ્રમ્પના વહીવટના અન્ય ટોચના સભ્યો સાથે સંઘર્ષમાં પણ ઉતર્યા, જેઓ આ નવાગંતુકના તેમના વિભાગોને ફરીથી આકાર આપવાના પ્રયાસોથી નારાજ હતા. જો કે ટ્રમ્પ  માટે કામ કરતી મસ્કની ભૂમિકા હંમેશા હંગામી રહેવાની હતી, અને તેમણે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તેઓ તેમનું ધ્યાન તેમના વ્યવસાયો ચલાવવા તરફ પાછું ફેરવશે, જેમ કે  ઇલેક્ટ્રિક ઓટોમેકર ટેસ્લા અને રોકેટ કંપની સ્પેસએક્સ.

પરંતુ વહીવટી અધિકારીઓ ઘણીવાર અસ્પષ્ટ રહેતા હતા કે મસ્ક ક્યારે DOGE તરીકે ઓળખાતા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ  એફિશિયન્સીના નેતૃત્વ હેઠળના તેમના પદ પરથી પાછા હટશે, અને તેમણે તેમની સોશિયલ મીડિયા વેબસાઇટ X પર અચાનક એક પોસ્ટ કરીને જાહેર કર્યું કે તેઓ વિદાય લઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં તેમનો વિદાય સમારંભ પણ યોજાઇ ગયો. ધાર્યા કરતા ઘણા વહેલા તેઓ છૂટા થઇ ગયા. મસ્કની કાર્યપધ્ધતિએ તેમને અને સાથે જ પ્રમુખ ટ્રમ્પને પણ થોડા જ સમયમાં સામાન્ય લોકોમાં ઘણા અળખામણા બનાવી દીધા હતા.

અમેરિકામાં અને વિદેશોમાં પણ મસ્ક સામે વિરોધ પ્રદર્શનો થયા. મસ્કની ટેસ્લા કારનું વેચાણ પણ યુરોપમાં ઘણુ ઘટી ગયું. મસ્કની વિદાય ઉપરાંત બીજી પણ એક નોંધપાત્ર ઘટના બની છે. બીજા એક અબજપતિ અને મસ્કના ખાસ સાથીદાર જેરેડ આઇઝેકમેનને પ્રમુખ ટ્રમ્પ અમેરિકી અવકાશ સંસ્થા નાસાના વડા બનાવવાના હતા પણ તેમણે તેમનું નોમિનેશન પાછુ ખેંચી લીધું છે. લાગે છે કે ટ્રમ્પને સમજાઇ ગયું છે કે આવા હડહડતા મૂડીવાદીઓને મહત્વના સ્થાનો સોંપવાથી સામાન્ય પ્રજામાં અળખામણા બની જવાશે.

Most Popular

To Top