મોડી રાત સુધી ધમધમતી દુકાનોને લીધે સ્થાનિક રહીશોમાં આક્રોશ
લાખોના હપ્તાના કારણે સમગ્ર પ્રકરણ ઉપર ઠંડુ પાણી ઢોળાઈ ગયું
વડોદરાના મરી માતાના સમગ્ર રેસીડેન્સિયલ વિસ્તારમાં મોબાઇલની દુકાનોને કારણે કોમર્શિયલ બજાર બની જતા સ્થાનિક રહીશોને અનહદ પરેશાની ભોગવવી પડે છે. ગત રાત્રે મોડી રાત સુધી ધમધમતા મોબાઈલ બજારના દુકાનદારોને સ્થાનિક રહીશોએ બંધ કરવાનું જણાવતા હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પોલીસ મથક સુધી દોડવું પડ્યું હતું.
ખંડેરાવ માર્કેટ નજીક મોડી રાત સુધી મોબાઈલ બજાર ધમધમે છે એક તરફ શાકમાર્કેટ અને બીજી તરફ મોબાઇલના બજારના કારણે 24 કલાક ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાય છે. જેના પરિણામે સ્થાનિક રહીશોને પારાવાર હાલાકી અને પરેશાની ભોગવવી પડે છે. ગત મોડી રાત્રે વધુ એકવાર સાથે દુકાનદારોએ ઘર્ષણ કર્યું હતું બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ગલીઓમાં થતા શોર બકોર અને અવાજથી વાંચનમાં પરેશાની થવાથી સ્થાનિક રહીશો દુકાનદારોને 10 થી 10:30 વાગ્યાની આસપાસ બજાર બંધ કરવા આજીજી કરતા હતા. તદ્દન નજીવી બાબતે એક થઈ ગયેલા દુકાનદારોએ સ્થાનિક રહીશો સાથે ઊંચે અવાજે દાદાગીરી કરતા જ મામલો ગરમાયો હતો. ગણતરીની પળોમા બંને તરફ બે જૂથ પડી ગયા હતા. કોઈપણ પ્રકારે મોડી રાત સુધી મોબાઇલની દુકાનો ચાલુ રાખવા દુકાનદારોએ સ્થાનિક રહીશોને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. છાશવારે બનતા બનાવના પરિણામે ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ નાછૂટકે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. પીસીઆર આવતા જ લોક ટોળાએ પોલીસને રજૂઆત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બનાવના પગલે મામલો વધુ ઞરમાતા મહિલાઓ સહિતના ટોળા પોલીસ મથકે ધસી ગયા હતા. જ્યાં બંને જૂથો વચ્ચે પણ શાબ્દિક ટપા ટપી થઈ હતી યેનકેન પ્રકારે પોલીસે બંને જૂથના અગ્રણીઓને આખરે એકાદ કલાક શાંતિપૂર્વક સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. બોર્ડના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતા વાલીઓએ પોલીસ સમક્ષ એવી માંગ કરી હતી કે કાયમ માટે દુકાનદારો 10:00 વાગ્યે દુકાન બંધ કરૅ. મોડી રાજ સુધી ધમધમતા મોબાઈલ બજારના કારણે સ્થાનિકોને વાહનનોના પાર્કિંગ થી લઈને તમામ સમસ્યાઓની પરેશાની ભોગવવી પડે છે. જો ટૂંક સમયમાં કાનૂની રાહે યોગ્ય પગલાં નહીં લેવાય તો દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
પોલીસને મોટી રકમના હપ્તા મળે છે
Box: મોબાઈલ બજાર મોડી રાત સુધી ચાલુ રહે તે માટે મોટી રકમના હપ્તા પોલીસ અને રાજકારણીઓ સુધી પહોંચતા હોવાનો આક્રોશ સ્થાનિક રહીશે વ્યક્ત કર્યો હતો. નામ ન આપવાની શરતે રોષ ઠાલવતા રહીશે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત દુકાનદારો સાથે ઘર્ષણ થઈ ચૂક્યા છે. ભ્રષ્ટ અને લાંચિયા પાલિકા તંત્ર ખુદ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે રસ્તા રેશાની નિશાનીઓ કરીને ગયા છે. છતાં આજ સુધીમાં હપ્તાના કારણે કોઈપણ પ્રકારના પગલા લેવાયા જ નથી. માત્ર નોટિસો આપીને કામગીરી કરી હોવાના બણઞા ફુકતા તંત્ર બે ચાર દિવસ દોડાદોડી બતાવે છે. અને પછી સમગ્ર બનાવ બાબતે ઢાક-પીછોડો કરી નાખે છે તેના પગલે આ સમસ્યા દિનબદીન વકરી રહી છે..
