Vadodara

મરીમાતાના ખાંચામાં ગેરકાયદે બાંધકામો કોની મહેરબાનીથી ચાલુ થયા?

રસ્તામાં આવતી દુકાનો તો તોડાતી નથી બીજી બાજુ રેસીડેન્સીયલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામોનો રાફડો ફાટ્યો
મોબાઈલ અને તેની એસેસરીઝનું મુખ્ય બજાર મનાતા મરીમાતાના ખાંચામાં સેકડો બાંધકામો ગેરકાયદેસર છે. તેના પગલાં તો લેવાતા નથી તો બીજી બાજુ કોમર્શિયલ બાંધકામો ચાલુ થઈ ગયા છે.


થોડા માસ પૂર્વે મરી માતાના ખાંચામાં વ્યાપક હોબાળો મચી ગયો હતો. મોડી રાત સુધી મોબાઈલની દુકાનો ખુલ્લી રહેતી હોવાથી આડેધડ થતા પાર્કિંગના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો વચ્ચે વ્યાપક ઘર્ષણના બનાવ બન્યા હતા. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે સ્થાનિક પોલીસને મામલો થાળે પાડવા દોડધામ મચાવવી પડી હતી. બંને પક્ષ તરફથી માગણીઓ ઉગ્ર બનતા સ્થાનિક નગરસેવકોને પણ દોડી આવવું પડ્યું હતું. જે બાબતની રજૂઆત પાલિકા તંત્રને પણ કરાતા એક્શનમાં આવેલા અધિકારીઓએ રસ્તામાં ગેરકાયદેસર થયેલા બાંધકામોમાં પીળા પટ્ટા મારીને દબાણ પુરવાના હુકમ પણ કર્યા હતા. તે બાબતે રોડ ઉપર દબાણ કરનાર દુકાનદારોને નોટિસો પણ ફટકારી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે થોડા દિવસ પછી આખો મામલો કઈ રીતે અને કોના ઇશારે શાંત પડી ગયો. તે તો ઠીક છે પરંતુ આટલા લાંબા અરસા બાદ પણ પાલિકા તંત્રે એક પણ દબાણમાં તોડફોડ કરી નથી.

જેથી હવે કેટલાક માથા ભારે સ્થાનિક રહીશો ગેલમાં આવી ગયા છે. કેટલીક મિલકતો રેસીડેન્સીયલ હોવા છતાં તેમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરીને લાખો કરોડોનું કૌભાંડ આચરવાનો સીલસીલો યથાવત રહ્યો છે. આવું જ એક બાંધકામ મધ્યવર્તી સ્કૂલની બિલકુલ પાછળ પુર જોશમાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ખાડા ખોદી ને પ્લીન્થના બહાર કોલમ પણ ઊભા કરી દીધા છે. સ્થાનિક માથાભારે ઈસમોના ઇશારે આવી કામગીરી રાજકીય અગ્રણીઓના છત્રછાયાના કારણે ચાલતી હોવાનું સ્થાનિક રહીશો બંધ બારણે જણાવે છે. તેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જ્યારે આવા બાંધકામો અધૂરા હોય ત્યારે રાજકીય ઈશારે હોબાળા અને શોર બકોર મચાવડાવીને બિલ્ડરોને તોડફોડની ધમકી અપાય છે અને ત્યારબાદ પાછલા બારણેથી બધું સમું સુતરૂ પાર પણ રાજકીય ઈશારે જ થાય છે. આવા ગોરખ ધંધાથી શહેરમાં વિકાસ ખરેખર કોરો થાય છે તે તો સત્તાધારી પક્ષ અને શાસકો જ જાણે.
વન વે કરવા અરજીઓ પણ આપી દીધી છે : જાગૃતિ કાકા

મરી માતાના રહીશોની તકલીફો મારી જાણમાં જ છે. સ્થાનિક પ્રજાની પરેશાનીના કારણે હું બહુ જ એગ્રીસિવ છું તેવું વોર્ડ નંબર 13 ના દબંગ મનાતા કોર્પોરેટર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણ અંગે પાલિકાના ટીડીઓને પણ જાણ કરી છે પરંતુ તહેવારોના અને વિશ્વામિત્રીના પ્રકરણના કારણે થોડીક કામગીરી વિલંબમાં પડી છે પીડીઓને હમણાં જ પૂછી લઉં છું કે આગળની કાર્યવાહી ક્યારથી ચાલુ થશે. બાકી બંને 110 ટકા થશે જે અંગે મેં પોલીસને લેખિતમાં તમામ જાણકારી આપી છે આમાં વેપારીઓનો પણ પૂરો વાંક છે અઠવાડિયામાં એક દિવસ દુકાનો બંધ કેમ ના રહે? ગુમાસ્તાધારા ના નિયમ મુજબ એક દિવસ રજા પાળે તો સ્થાનિક રહીશોને સર સામાન હેર ફેર કરવો હોય તેમાં સગવડ રહે. ખાતામાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો બાબતે પણ ટૂંક સમયમાં કાયદાકીય પગલા લેવાશે તેવી ખાતરી આપી હતી.

મરી માતામાં થયેલા ઘર્ષણ બાદ કોઈ અધિકારી જોવા સુદ્ધા ગયો નથી: બાળુ સુર્વે.
આક્રોશ વ્યક્ત કરતા નગરસેવક બાળુ સુર્વેએ એમ પણ જણાવ્યું હતું કે સ્થાનિક ઘર્ષણ થયા બાદ જે હોબાળો મૂક્યો હતો. તેને અંકુશમાં લેવાનું દેખાડો કરવા દબાણ અધિકારીઓએ પીળા પટ્ટા અને નોટીસ ફટકારીને ગયા બાદ આજ સુધીમાં જોવા પણ ફરક્યા નથી. તદ્દન સાંકડા મરી માતાના ખાંચામાં જ્યારે કોઈ મોટી હોનારત સર્જાશે. ત્યારે ફાયર બિગેડ અને એમ્બ્યુલન્સ કઈ રીતે જઈ શકશે અને કદાચ નિર્દોષો ને જીવ ખોવાયા બાદ તંત્ર કડક કાયદાકીય પગલા ભરવા દોડધામ મચાવશે.અમે ખુદ અમારા સગા સંબંધીઓના ઘરે જઈ શકતા નથી કારણકે ખાંચામાં વાહન પાર્કિંગની સગવડ નથી અને બહાર મૂકો તો ટ્રાફિક વાળા વાહન ઉઠાવી જાય આવી બધી સેકડો સમસ્યાઓ બાબતે મેં પાલિકાની સભામાં પણ અનેક વખત રજૂઆતો કરી છે છતાં સત્તારી શો કોઈ જ પગલા લેતા નથી

Most Popular

To Top