Vadodara

મનીષા ચોકડી પર ટ્રાફિકમાં ઉભેલી કારની નીચે ભૂવો પડ્યો

વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો, ભૂવા નગરીનું નામ ચરિતાર્થ થયું



સંસ્કારીનગરી વડોદરા હવે ખાડાનગરી બાદ ભૂવાનગરી બની હોય તેમ અવારનવાર જુદા-જુદા વિસ્તારોમાં ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, તેવામાં આજે મનીષા ચોકડી નજીક મનીષા સોસાયટીના ગેટ પાસે ટ્રાફિકમાં ઊભા રહેલા એક કાર ચાલકના કારના ટાયર નીચેથી અચાનક જમીન સરકી ગઈ હતી.
વડોદરામાં ચોમાસાની રુતુમાં રોડ-રસ્તા પર પડતા ભૂવાઓએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોમાસાની શરૂઆત પહેલાથી શરૂ થયેલો સિલસિલો આજદિન સુધી ચાલું છે. સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે શહેરના મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાના રસ્તે મોટો ભૂવો પડ્યો છે. વાહનોથી સતત ધમધમતા વાસણા રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. હાલ વરસાદ નથી છતાં ભૂવો પડવાનો સિલસિલો જારી જ છે.
કોર્પોરેશનની ભ્રષ્ટાચાર ભરેલી કામગીરીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધી વડોદરા શહેરમાં અનેક મોટામોટા ભૂવા પડ્યા છે અને આ કારણથી જ ઘણા અકસ્માતો પણ થયા છે. તમને જણાવી દઈએ કે 3 દિવસ પહેલા જ શહેરમાં વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા નજીક વધુ એક ભુવા પડ્યો હતો. ચોમાસાની સિઝન દરમિયાન ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવાની અને ભૂવાઓ પડવાની અનેક ફરિયાદો કોર્પોરેશનમાં કરવામાં આવી છે તેમ છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.
મનીષા સોસાયટીના ગેટ પાસે પડેલા હાલ ભૂવાની આસપાસ બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું છે. હવે આ ભૂવો કેટલા સમયમાં રીપેર થાય છે, તે જોવું રહ્યું.

કામ થતી વખતે ધ્યાન નહિ આપનાર કોર્પોરેટર સંગીતા ચોકસી નું ભૂવો પડ્યા પછી ડહાપણ

આખા શહેરની જે દુર્દશા થઈ છે, તેમાં સૌથી મોટી જવાબદારી સ્થાનિક કોર્પોરેટરની બને છે. રોડના કામ થતાં હોય ત્યારે કોઈ કોર્પોરેટર ધ્યાન આપતા નથી અથવા કોન્ટ્રાકટર સાથે ભાગ બટાઈ હોય છે. આવું જ કઈક મનીષા ચોકડી પર થયું. ભૂવો પડ્યા પછી સ્થાનિક નગર સેવિકા સંગીતા ચોકસી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એવો બોદો બચાવ કર્યો હતો કે રોડ નીચેથી ગટર પસાર થતી હોવાથી ભૂવો પડ્યો હોય શકે

Most Popular

To Top