National

મનભેદ અને મતભેદ વચ્ચેનો ભેદ

કોઇની સાથે ભલે ગમે એટલા મતભેદ હોય, પણ મનભેદ ન હોવો જોઇએ. આ સુવિચાર આપણને સાંભળવા મળે છે. મતભેદના પ્રકોપના કારણે કોઇની સાથેનો સંબંધ તૂટી જવાની હદે પહોંચી જાય છે. મતભેદ આપણા મનમાંથી જ ઉત્પન્ન થાય છે. તો શું મતભેદને એક રોગ કહી શકાય? હા, જરૂર કહી શકાય. કારણ કે મતભેદ થયા પછી એ વકરે નહિ એ માટે દરકાર ન રાખવામાં આવે તો મનભેદ થવાની પૂરી શકયતા છે. એટલે કે મતભેદ થયા પછી આ રોગ એટલી ઝડપથી વકરે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં મતભેદ થયા પછી મનભેદ થયા વગર રહેતો નથી. આ સંસારમાં કોઇ એવી જગ્યા નથી કે જયાં માણસને મતભેદના ભોગ ન બનવું પડે.

ઘર, પાર્કિંગ, ઓફીસ, પેટ્રોલ પંપ, દવાખાના, રસ્તા, બગીચા, જ્ઞાતિમંડળો, ઘરમાં, સમાજમાં વગેરે બધી જ જગ્યાઓ પર માત્ર મતભેદનો શિકાર થઇ શકે છે. માણસ પોતાના જન્મધામથી માંડીને પોતાના અંતિમ ધામ સુધીની કોઇ પણ જગ્યાએ મતભેદનો શિકાર થઇ શકે છે. મતભેદ થવાનાં કારણો  અનેક હોઇ શકે છે. એ કારણો આગળ પાછળનો સંબંધ ધરાવતાં પણ હોઇ શકે. મતભેદ થવાથી મનભેદ થવાની સંભાવના રહે છે અને આ કારણોસર સંબંધ પણ બગડે છે. નાની મોટી બાબતોમાં મતભેદ થાય ત્યારે માણસે શાંતિથી તેનો ઉકેલ લાવવો જોઇએ.

વધુ ચાલતો મતભેદ એ આગળ જતાં મનભેદને જ જન્મ આપે છે. જેનાથી બચવું જોઇએ નહી તો લાગણીની ઊણપ આવી જશે. હું સાચો કે તું સાચો એ સાબિત કરવામાં એક બીજા સાથે મનમોટાવ કરવો એના કરતાં એ પરિસ્થિતિને છોડી દેવી એ શ્રેષ્ઠ ઉપાય છે. આપણા સંબંધો મજબૂત બનાવી રાખવા માટે મનભેદ ઉત્પન્ન ન થાય એની ખાસ કાળજી રાખવી. કોઇની સાથે મતભેદ ન થાય એવી પ્રભુપ્રાર્થના. મતભેદ જ ન થાય તો મનભેદ થવાની કોઇ સંભાવના નથી.
અમરોલી – પટેલ આરતી જે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top