વડોદરા, તા. 13
કોર્પોરેશનની દબાણ શાખાએ મંગળવારે તાંદલજા વિસ્તારમાં પાકા અને ભુતડીઝાપા વિસ્તારમાં હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશનની દબાણ શાખાએ તાંદલજા વિસ્તારમાં મનીષા ચાર રસ્તાથી કિસ્મત ચોકડી તરફ જવાના માર્ગે આવેલ ઝકરિયા અમીના પાર્કના એપ્રોચ રોડ પર રસ્તો બંધ કરવાના ઇરાદે ઉભી કરેલ કમ્પાઉન્ડ વોલ સહિતના બાંધકામો સામે કાર્યવાહી કરી હતી. અહીં રસ્તો બંધ કરી દેવાના આશયથી ઊભું કરવામાં આવેલ પાકું ચણતર દૂર કરવા તંત્રને મળેલી ફરિયાદના આધારે દબાણ શાખાની ટીમે જગ્યા ખુલ્લી કરતા કમ્પાઉન્ડ વોલ સહિતના બાંધકામો તોડી પાડ્યા હતા. તો ટીમે ભૂતડીઝાંપાથી ફતેપુરા હંગામી દબાણો પૈકીના શેડ દૂર કર્યા હતા. દબાણ શાખાની કાર્યવાહીના પગલે અહીં ઉભો થયેલો ટ્રાફિકનો પ્રશ્ન નજીવો હલ થયો હતો. પાલિકાની દબાણ શાખા દ્વારા સોમવારે સાંજના સમયે શહેરની મધ્યમાં આવેલા ગાંધીનગર ગૃહથી લહેરીપુરા થઈ માંડવી સુધીના હંગામી દબાણો દૂર કરાયા હતા. સુરસાગર તળાવના કિનારેથી પણ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરના મધ્ય ભાગમાં કેટલીક જગ્યાએ બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મંગળ બજાર ખાતે કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારની આજુબાજુ થઈ કુલ ચાર ટ્રક ભરી લારી, ગલ્લા, પથારાનો સામાન કબજે લઈ સેન્ટ્રલ સ્ટોરમાં જમા લેવામાં આવ્યો હતો.
મનપા દ્વારા તાંદલજા અને ભુતડીઝાંપા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા
By
Posted on