દર્દીઓને સારવાર માટેના સાધન અમુક વેપારી પાસેથી ખરીદવા જણાવ્યું હોવાનો વિડિયો થયો વાયરલ
રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણના મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર છતાં દર્દીઓ ને સારવારના સાધનો બહાર નિયત વેપારી પાસે મોકલવામાં આવે છે?
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં હાલમાં આ હોસ્પિટલમાં કેટલાક તબીબો દ્વારા નિયત કરેલા વેપારીને ત્યાંથી દર્દીને સારવાર માટેના સાધનો લેવા જણાવાયું હોવાનું તથા તે નાણાં લેવાનો વિડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.
શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસ.એસ.જી.હોસ્પિટલ આવેલી છે જ્યાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ગુજરાતમાંથી તથા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ દરરોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. અહીં ઓપરેશન સહિતના તમામ પ્રકારના નિદાન માટે સાધનો દવાઓ તથા સારવાર કેટલાક કેસોને બાદ કરતાં નિ:શુલ્ક કરવામાં આવે છે. આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે વધુ એક વિડિયો હાલમાં સોશિયલ મિડિયા પર વાયરલ થયેલો સામે આવ્યો છે જેમાં દર્દીને સારવાર માટે બહારથી સાધન ખરીદવા તબીબ દ્વારા નિયત વેપારીને ત્યાંથી મંગાવવામાં આવ્યું હતું અને તે બિલની ચૂકવણી દર્દીના સગા રોકડથી ચૂકવણી કરવાનો વિડિયો વાયરલ થયો છે જે અંગે ફરી એકવાર આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. જેમાં તબીબ દ્વારા નિયત વેપારીને ત્યાંથી સારવાર માટે ના સાધન ચાર સેટ જેમાં એકની કિંમત રૂ. છ હજાર લેખે રૂ. ચોવીસ હજાર તથા પાંચ ટકા ટેક્ષ સાથે નુ બીલ જોવા મળી રહ્યું છે તથા રોકડથી ચૂકવણી થતાં વિડિયો જોઈ તબીબ ત્યાંથી બચીને છટકી રહ્યાનો વિડિયો વાયરલ થયો છે. આ સમગ્ર મામલે જ્યારે એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન અયૈરને પૂછતાં તેમણે તબીબનો આ મામલે જાણે ઢાંકપીછોડો કરતાં હોય તેમ ઉલટાનું મિડિયાને જ કહ્યુ હતુ કે, આવી કોઈ વાત આપના માધ્યમથી આવે કે પછી કોઇ દર્દી આવી ફરિયાદ કરશે તો જરૂર આ મામલે એક્શન લેવામાં આવશે. પરંતુ આ વાયરલ વિડીયો સંદર્ભે શું પગલાં લેવાશે કે તપાસ કરાશે તે અંગે એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો.
મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં અમુક કેસ સિવાય નિશુલ્ક સારવાર અપાય છે
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ના મેડિકલ વિંગ હેઠળ આવતી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં મોટા ભાગે સારવાર ફ્રી આપવામાં આવે છે. કેટલાક કેસોને બાદ કરતાં તથા એવા કેસોમાં પણ સિનિયર સિટિઝન્સ, અનુસૂચિત જાતિ તથા અનુ.જનજાતિ, એઇડ્સ કે એચ આઇ વીના દર્દીઓ, પીએમજેવાય હેઠળના કાર્ડધારકો, ફૌજી તથા રિટાયર્ડ ફૌજી ની તમામ સારવાર નિશુલ્ક કરવામાં આવે છે સીટી સ્કેન, કેન્સર જેવા દર્દીઓ માટે પણ સરકારે સુવિધા ઉપલબ્ધ કરાવી છે તથા પિડિયાટ્રિક સારવાર માટે પણ કેટલાક સાધનો માટે એમ ઓ યુ કરવામાં આવ્યા છે. પરંતુ જો કોઈ તબીબ કોઇ દર્દીને ફલાણા ચોક્કસ વેપારી પાસેથી સાધનો કે દવા મંગાવે કે ખરીદે તો તેઓ મને જાણ કરે તેમાં જરૂર પગલાં લઇશુ.
-ડો.રંજન ઐયર-સુપ્રિટેન્ડન્ટ, એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા