કાલોલ મામલતદારે ૭ ડમ્પર ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી
કાલોલ:
કાલોલ તાલુકાના મધવાસ વિસ્તારમાં ગેરકાયદે રીતે સાદી માટીનું વહન થતું હોવાની બાતમીના આધારે કાલોલના સર્કલ મામલતદાર એમ. યુ . પરમાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મધવાસ પાસેથી રોયલ્ટી પાસ અને GPS લોકેશન વગર માટી વહન કરતા કુલ ૭ ડમ્પરો (૧ માટી ભરેલું અને ૬ ખાલી) રોકી મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.
ચકાસણી દરમિયાન ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી પાસની માંગણી કરવામાં આવતા તેઓ સ્થળ પર માન્ય પાસ રજૂ કરી શક્યા ન હતા. બાદમાં કેટલાક ડમ્પર માલિકોએ રોયલ્ટી પાસ રજૂ કર્યો હતો, પરંતુ તે પાસ ક્ષતિગ્રસ્ત તથા જૂનો હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ તમામ ડમ્પર ચાલકો પાસે GPS લોકેશનની વિગતો માંગવામાં આવી હતી, પરંતુ કોઈ પણ ચાલક GPS લોકેશન રજૂ કરી શક્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં એક જ રોયલ્ટી પાસ પર વારંવાર સાદી માટીના ફેરા મારવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ડમ્પર ચાલકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મધવાસ ખાતેથી માટી ભરીને મસવાડ GIDC ખાતે નાખવામાં આવતી હતી.
આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી માટે મામલતદાર દ્વારા ખાણ-ખનીજ વિભાગને માહિતી પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા ડમ્પરના માલિકોના નામ નીચે મુજબ છે—
તેજાભાઈ વણઝારા (જૂનો પાસ રજૂ કર્યો)
જગદીશભાઈ વણઝારા (જૂનો પાસ રજૂ કર્યો)
ભગવાનભાઈ વણઝારા
રણછોડભાઈ વણઝારા
ભારતભાઈ જાદવ
હરિભાઈ ભરવાડ
ગોવિંદભાઈ વણઝારા
ગેરકાયદે ખનન અને માટી વહન સામે તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.