જાહેર માર્ગ પર મારામારીથી ફફડાટ, વાહનચાલકોમાં ભયનો માહોલ
મહિલા સહિત 8 શખ્સો સામે કાલોલ પોલીસે ગુનો દાખલ કર્યો
કાલોલ: કાલોલ તાલુકાના મધવાસ ગામે ધોળા દિવસે જાહેર માર્ગ પર હથિયારો સાથે ધીંગાણું કરતા શખ્સો સામે કાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મધવાસ ત્રણ રસ્તા જેવા ધમધમતા વિસ્તારમાં લાકડીઓ સાથે સામસામે બાખડતા તત્વોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ મધવાસ ત્રણ રસ્તા નજીક કેટલાક શખ્સો હાથમાં લીલી સોટીઓ (લાકડીઓ) જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા હતા. ત્યારબાદ તેઓ જાહેર માર્ગ પર જ એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પર થોડા સમય માટે અવરોધ સર્જાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.
જાહેરમાં શસ્ત્ર પ્રદર્શન અને મારામારીના બનાવને પગલે કાલોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા બદલ પોલીસે મહિલા સહિત કુલ 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ દ્વારા નોંધાયેલા આરોપીઓમાં સતીશ દિનેશભાઈ સિકલીગર, અનિલભાઈ મહિપતભાઈ સિકલીગર, જીગરભાઈ રાજેશભાઈ સિકલીગર, કલ્પેશકુમાર દિલીપભાઈ સિકલીગર, મુકેશકુમાર પ્રવીણભાઈ સિકલીગર, ઈશ્વરભાઈ મયજીભાઈ સિકલીગર, ગૌતમભાઈ ઉર્ફે ગલો રામસિંહ રાઠોડ અને ઇલાબેન કિરણભાઈ સિકલીગરનો સમાવેશ થાય છે.
કાલોલ પોલીસે જાહેર માર્ગ પર અંધાધૂંધી ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા