Vadodara

મકરપુરા એસટી ડેપો પાછળના દબાણો પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર, હંગામી દબાણો દૂર કરાયા

વડોદરા શહેરમાં નવા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના કાર્યભાર સંભાળતાની સાથે જ દબાણો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી તેજ બનતી જોવા મળી રહી છે. આજે મકરપુરા એસટી ડેપો પાછળ આવેલા હંગામી દબાણો ઉપર પાલિકાની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો. પાલિકા દ્વારા લોખંડની કેબીનો, શેડ, લારી-ગલ્લાઓ વગેરે હટાવવામાં આવ્યા હતા, આ દબાણો ટ્રાફિકમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા. આ દબાણો નજીકની સોસાયટીઓમાં રહેનાર લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા હતા. દબાણ શાખાની ટીમે JCB ની મદદથી દબાણો દૂર કર્યા હતા અને ટ્રાફિક માટે રોડ ખૂલી પાડ્યો હતો. સુસેન સર્કલથી લઈને નોવીનો કંપની સુધીના વિસ્તારને દબાણમુક્ત કરવાનું અભિયાન પણ હાથ ધરાયું હતું. કાર્યવાહી દરમિયાન દબાણ કરનારા કેટલાક લોકો પાલિકાના કર્મચારીઓને વિનંતીઓ કરતા જોવા મળ્યા હતા, પરંતુ અગાઉ પણ તેમને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ સંદર્ભે પાલિકા તરફથી કડક વલણ દાખવવામાં આવ્યું હતું અને દબાણ દૂર કરવાની કામગીરી સુપેરે અંજામ આપી હતી. વડોદરા મહાનગરપાલિકા તરફથી આવનારા દિવસોમાં પણ આવા દબાણો સામે કાર્યવાહી કરાશે તેમ સંકેત આપવામાં આવ્યો છે, જેથી શહેરની વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહાર વધુ સગવડભર્યો બની શકે.

Most Popular

To Top