Vadodara

મકરપુરાની વોલ્ટેમ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી

ફાયર બ્રિગેડ ના જવાનોએ પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુ મેળવ્યો

બાજુમાંજ રેસિડેન્શિયલ ઝોન હોવાથી સ્થાનિકોમાં રોષ અને ગભરાટ

વડોદરા: વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી વોલ્ટેમ કંપનીના સ્ક્રેપ વિભાગમાં બુધવાર-ગુરૂવારની મધરાત્રે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મધરાતે લગભગ ત્રણ વાગ્યાના અરસામાં લાગી આવેલી આ આગે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ દોડીને પહોંચી હતી.

માહિતી મુજબ, લગભગ પાંચ કલાકના સતત ઓપરેશન બાદ ફાયર વિભાગની ત્રણ અલગ-અલગ ટીમોએ આગને કાબુમાં કરી હતી. આગનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ સ્ક્રેપના ગોડાઉનમાં ભારે માત્રામાં દહનશીલ સામગ્રી સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

ઘટના સ્થળે નજીકમાં જ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ આવેલું હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રાત્રીના સમયે અચાનક ધુમાડો અને આગના ભડકા આભમાં ઉઠતા રહેવાસીઓ ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. સ્થાનિકોમાં આ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી રેસિડેન્શિયલ ઝોનની નજીક હાથ ધરવામાં આવતી હોવાના મુદ્દે તીવ્ર નારાજગી જોવા મળી હતી. ઘટનાને પગલે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો તેમજ ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા જવાબદાર તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગણી કરવામાં આવી હતી.

સ્થાનિક નાગરિકોએ સ્પષ્ટ કહ્યું છે કે રેસિડેન્શિયલ વિસ્તારની બાજુમાં આવેલી આવી કંપનીઓ સુરક્ષા દૃષ્ટિએ મોટો ખતરો સાબિત થઈ શકે છે, તેથી સંબંધિત વિભાગોએ કડક પગલાં લેવાની ફરજ છે. ઘટના બાદ મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તાર ફરી એકવાર સુરક્ષા કામગીરી અંગેના પ્રશ્નચિહ્નો ઊભા કરે છે.

Most Popular

To Top