Vadodara

મકરપુરાના અમૃત નગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં રોષ

વડોદરા: વડોદરા શહેરના ઇલેશન વોર્ડ નંબર 17, મકરપુરા રોડ પર આવેલા અમૃત નગર વિસ્તારમાં સ્થાનિકો લાંબા સમયથી ગટર લાઈન, સારા રોડ અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સ્થાનિકો દ્વારા નિયમિત ટેક્ષ ભરવામાં આવે છે . છતાં પણ પાલિકા તરફથી યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમસ્યાને લઈને અનેક વખત ભાજપના સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનો કેટલાક લોકોએ આક્ષેપ કરી સ્થાનિકોએ વોર્ડ 17 કોંગ્રેસ પ્રમુખ પાર્થ પટેલનો સંપર્ક કર્યો. પાર્થ પટેલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને જાણ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી, સ્થાનિકોની સમસ્યાઓનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક ઉકેલની માંગણી સાથે પાલિકા અધિકારીઓને તાકીદ કરી હતી. સાંજે પાલિકા દ્વારા રસ્તાના ખાડાઓમાં છારુ નાખી કામ શરૂ કરાયું, જેના કારણે સ્થાનિકોમાં રાહત જોવા મળી હતી.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે અમૃત નગર જેવા વિસ્તારોમાં ટેક્ષ ભરવા છતાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ માટે અવારનવાર રજૂઆત કરવી પડે છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો હવે વિરોધના સ્વર ઉંચા કરી રહ્યા છે.

અમને ગટર, સફાઈ અને રસ્તા જેવી બેઝિક સુવિધાઓ મળતી નથી


સ્થાનિક મહિલા રેખાબેન પરીખે જણાવ્યું હતું કે
“અમે વર્ષોથી નિયમિત ટેક્ષ ભરીએ છીએ છતાં અમને ગટર, સફાઈ અને રસ્તા જેવી બેઝિક સુવિધાઓ નથી. બાળકોને સ્કૂલ જવામાં પણ મુશ્કેલી પડે છે. હવે અમને આશા છે કે જવાબદાર તંત્ર અમારી સમસ્યાઓ સાંભળશે.”


વરસાદ પડે ત્યારે રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને ગંદકી ફેલાઈ જાય છે

સ્થાનિક પુરુષ કનુભાઈ સોલંકી જણાવ્યું હતું:
“અમે અનેકવાર રજૂઆત કરી, પણ કોઈ પગલાં લેવાતા નથી. વરસાદ પડે ત્યારે રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને ગંદકી ફેલાઈ જાય છે. હવે તો કોંગ્રેસના આગેવાનો આવ્યા પછી અમને આશા છે કે અમારું દુઃખ દૂર થશે.”

કકોંગ્રેસ ખોટા આક્ષેપો લગાવી રહી છે કારણ કે વોર્ડમાં ખરેખર કોઈ ખામી મળી નથી...

વોર્ડ નં 17ના કોર્પોરેટર અને પાલિકાના દંડક શૈલેષ પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વોર્ડમાં કોઈ ખાડા કે અસુવિધા જોવા મળતી નથી. કોંગ્રેસ પ્રમુખના ઘર પાસેના થોડા ખરબચડા ટુકડાને લઈને કોંગ્રેસે ખોટા આક્ષેપો કર્યા છે. પાટીલએ કહ્યું કે વોર્ડમાં ગાર્ડન, લાઈટો અને બાકી પ્રાથમિક સુવિધાઓમાં ઘણો વિકાસ થયો છે, પણ કોંગ્રેસે આખો વોર્ડ ફરીને જોવા જવું જોઈએ હતું. તેઓએ આરોપ મૂક્યો કે કોંગ્રેસ ખોટી વાતો અને આક્ષેપો લગાવી રહી છે કારણ કે વોર્ડમાં ખરેખર કોઈ ખામી મળી નથી.


વોર્ડ નં. 17 માં કોંગ્રેસ ફરી નથી, માત્ર પોતાના કાર્યકરોને ઊભા કરી ટોળું ભેગું કર્યું છે

માજી મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડે જણાવ્યું કે વિકાસના કામોમાં ભાજપના કાઉન્સિલરોની ભૂમિકા સ્પષ્ટ છે. કોંગ્રેસ ખોટો જસ લેવા અને પ્રજાને મૂર્ખ બનાવવા પ્રયાસ કરે છે. વોર્ડ નં 17 માં જ્યાં રોડ ખરબચડો હતો ત્યાં છારુ નાખવાનું અમે જ કહ્યું હતું. અને એ કામગીરી માટે પણ અમે અધિકારીઓને કહ્યું હતું . કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે.

Most Popular

To Top