દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કથિત કૌભાંડે રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ કૌભાંડનો મામલો નવો વળાંક લઈ રહ્યો છે, જેમાં રાજ્યના મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ભાણપુર ગામે મનરેગા યોજના હેઠળ 33 લાખ રૂપિયાના કૌભાંડની ફરિયાદ નોંધાવી છે, જેમાં બળવંત ખાબડની માલિકીની રાજ ટ્રેડર્સ એજન્સી પર ગેરરીતિના ગંભીર આરોપો લાગ્યા છે. આ પહેલા કિરણ ખાબડની પણ અન્ય એક ગુનામાં ધરપકડ કરાઈ હતી.
દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમા વધુ એક નવી ફરિયાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બી ડિવીઝન પોલીસ મથકે નોધાવવામા આવી છે, જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે 33 લાખ રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. આ ફરિયાદમાં રાજ ટ્રેડર્સ નામની એજન્સી, જે બળવંત ખાબડ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યુ છે, તેની સામે આરોપો લગાવવામાં આવ્યા છે. આ કૌભાંડ ધાનપુર તાલુકાના ભાણપુર ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ સાથે સંબંધિત છે. આરોપ છે કે રાજ ટ્રેડર્સ એજન્સી દ્વારા ખોટા દસ્તાવેજો અને બનાવટી કામોના રેકોર્ડના આધારે 33 લાખ રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી. આ કેસ દાહોદ જિલ્લામાં ચાલી રહેલા વિશાળ મનરેગા કૌભાંડનો એક ભાગ છે, જેમાં અગાઉ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં 71 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડમાં બનાવટી બિલો, ખોટા કામોની મંજૂરી, અને ગેરકાયદેસર નાણાંની ઉચાપતનો સમાવેશ થાય છે. આ નવી ફરિયાદમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે, બળવંત ખાબડને આ કૌભાંડ સાથે સંબંધિત અગાઉના કેસમાં બે દિવસ પહેલા જ જામીન મળ્યા હતા, પરંતુ ભાણપુર ગામના 33 લાખના કૌભાંડની નવી ફરિયાદને પગલે તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે.
કૌભાંડની તપાસમાં પોલીસે 35 એજન્સીઓને ટાર્ગેટ કરી
આ ઉપરાંત, ધાનપુર અને દેવગઢ બારીયા વિસ્તારોમાં 71 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર બતાવીને મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડની તપાસમાં પોલીસે 35 એજન્સીઓને ટાર્ગેટ કરી છે, જેમાં રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી પર પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે, અને લોકો આ મામલે કડક કાર્યવાહીની માગણી કરી રહ્યા છે.
અગાઉના એક કેસમાં બન્નેને જામીન મળ્યા હતા
આ કેસમાં બળવંત ખાબડ અને તેમના ભાઈ કિરણ ખાબડ અગાઉના એક કેસમાં સંડોવાયેલા હતા, જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જોકે, નવી ફરિયાદ નોંધાયા બાદ બળવંત ખાબડ ફરી પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે કિરણ ખાબડની લવારીયા ગામના કેસમાં બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ફરી ધરપકડ થતાં રાજકીય વાતાવરણમાં ગરમા ગરમી લાવી દીધી છે.
ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી છે
આ મામલે મંત્રી બચુ ખાબડ સરકારી કાર્યક્રમોમાંથી ગેરહાજર રહ્યા છે, જેના કારણે અનેક અટકળો શરૂ થઈ છે. ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી છે, અને આ મામલો હવે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં ચાલી રહેલી તપાસમાં વધુ ખુલાસાઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કૌભાંડને લઈને ભારે આક્રોશ
સ્થાનિક નાગરિકોમાં આ કૌભાંડને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે બનાવવામાં આવેલી મનરેગા યોજનાનો દુરુપયોગ થતો હોવાની વાતથી લોકોમાં નારાજગી વધી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચાઓ ગરમ છે, અને લોકો તપાસ એજન્સીઓ પાસેથી નિષ્પક્ષ અને ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.
કૌભાંડની તપાસમાં વધુ નામો સામે આવે તેવી શક્યતા
આ કૌભાંડની તપાસમાં વધુ નામો સામે આવવાની શક્યતા છે, અને આ મામલો રાજ્યની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી શકે છે. સૌની નજર હવે પોલીસ તપાસના આગળના પગલાં અને તેના પરિણામો પર ટકેલી છે.
કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ !
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત ગેરરીતિઓનો મામલાનો પર્દાફાશ 2025ની શરૂઆતમાં થયો, જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે, મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ દેવગઢ બારીયા તાલુકામાં 28 એજન્સીઓના પ્રોપ્રાઇટરોની ઓળખ કરવાની કામગીરી શરૂ થઈ, અને મનરેગા શાખાના ચાર કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી દીધો હતો, કારણ કે, આ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત અને કિરણ ખાબડની સંડોવણી હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.
બળવંત અને કિરણ ખાબડ
મંત્રી પુત્રોની ધરપકડ અને જામીન
આ કૌભાંડની તપાસ દરમિયાન દાહોદ પોલીસે 17 મે, 2025ના રોજ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી હતી. બે દિવસ બાદ, 19 મે, 2025ના રોજ વડોદરા-કાલોલ હાઇવે પરથી કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને પુત્રો પર આરોપ હતો કે, તેઓએ ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજનાના કામોનું નેટવર્ક સંભાળ્યું હતું અને બનાવટી કામો દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી.
લવારીયા ગામમાં મનરેગા હેઠળ કામો ન થયા હોવા છતાં રૂપિયા ઉપડી ગયાનો આરોપ
28 મે, 2025ના રોજ દાહોદની નામદાર કોર્ટે બળવંત અને કિરણ ખાબડની જામીન અરજીઓ માન્ય રાખી હતી. જોકે, દાહોદ પોલીસે આ જામીનના નિર્ણયને પડકારવા માટે ઉચ્ચ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી હતી અને એક દિવસનો સ્ટે મેળવ્યો હતો. જોકે, કોર્ટે પોલીસની અરજીને ફગાવી દીધી હતી અને બન્નેના જામીન યથાવત રાખ્યા હતા. આ દરમિયાન, 29 મે, 2025ના રોજ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ નવી ફરિયાદ નોધાવી હતી. જેમાં ધાનપુર તાલુકાના લવારીયા ગામમાં મનરેગા હેઠળ કામો ન થયા હોવા છતાં રૂપિયા ઉપડી ગયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે ગતરોજ બળવંત ખાબડ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાતા તેની પણ ફરી ધરપકડ કરવામાં આવી છે.
નવી ફરિયાદ અને પુનઃ કિરણ ખાબડની ધરપકડ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના નિયામક દ્વારા કિરણ વિરૂદ્ધ નોંધાવવામાં આવેલી નવી ફરિયાદમાં જણાવાયું છે કે, ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજના હેઠળ નોંધાયેલા કામો ખરેખર થયા ન હતા, અને આમ છતાં મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી. આ ફરિયાદ નોંધાતાની સાથે જ દાહોદ એલસીબી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી અને કિરણ ખાબડને જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ સબજેલ ખાતેથી અટકાયતમાં લઈ લીધા હતા. જે બાદ કિરણ ખાબડની ધરપકડ કરાઈ હતી.
કૌભાંડે દાહોદની સાથે સમગ્ર ગુજરાતમાં હલચલ મચાવી
આ કૌભાંડે દાહોદ જિલ્લાની સાથે સમગ્ર ગુજરાતમાં હલચલ મચાવી છે. વિપક્ષે આ મામલે સરકારની નીતિઓ અને વહીવટી નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે સ્થાનિક રાજકારણમાં પણ મંત્રી બચુ ખાબડની સ્થિતિ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
પોલીસે કેસમાં કોઈપણને બક્ષવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો
દાહોદ પોલીસે આ કેસમાં કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ કેસના તપાસ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક દાહોદ જગદીશ ભંડારી નેતૃત્વમાં ચાલી રહેલી તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે, અને આ કૌભાંડની તપાસના પરિણામો ગુજરાતના રાજકારણ પર દૂરગામી અસરો કરી શકે છે.
દાહોદનું મનરેગા કૌભાંડ પ્રકરણ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં એક મોટા કૌભાંડ તરીકે ઉભરી રહ્યું છે. મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી અને નવી ફરિયાદ બાદ કિરણ ખાબડની પુનઃ ધરપકડે આ મામલે નવો વળાંક આવ્યો છે. દાહોદ પોલીસની આક્રમક કાર્યવાહી અને સરકારની ગંભીરતા આ કૌભાંડના તમામ પાસાઓને ઉજાગર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થાય તેવી સંભાવના છે, જે રાજકીય અને વહીવટી સ્તરે મોટા ફેરફારો લાવી શકે છે.