સાવલી:;સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસીમાં આવેલી એવી સ્ટીલ કંપનીમાં મેન્ટેનન્સનું કામ કરતી વેળાએ અચાનક બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના બની હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા એક ઈસમનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, મંજુસર જીઆઇડીસીમાં આવેલી એવી સ્ટીલ કંપનીના ફોર્જિંગ વિભાગમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાજા સિંહ ચતુરસિંહ ખંગાર (હાલ રહે: હેવી સ્ટીલ કંપની, મંજુસર જીઆઇડીસી; મૂળ વતન: ગૌશાલા ગામ, થાણા ભરતજી, ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ) કામ કરી રહ્યા હતા. અચાનક થયેલા બ્લાસ્ટમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવના પગલે મૃતકની પત્ની સુનિતાદેવી રાજા સિંહ ખંગાર (રહે: આશિષ-02 સોસાયટી, પોર ગામ, તા. જી. વડોદરા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે મંજુસર પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને લઈ ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
રિપોર્ટર: વિમલ પટેલ