વેપારીઓનો ગંભીર આક્ષેપ: “અમને ડ્રેનેજની સુવિધા જોઈએ છે, અધિકારીઓને કોન્ટ્રાક્ટરનું ગજું ભરવામાં રસ છે.”



વડોદરા શહેરનું હાર્ટ ગણાતા અને મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા મંગળ બજારમાં હાલમાં પાલિકા દ્વારા નવા પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ કામગીરીને લઈને સ્થાનિક વેપારીઓ અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જરૂરિયાત ન હોવા છતાં જૂના બ્લોક કાઢીને નવા બ્લોક નાખી પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
અહેવાલ મુજબ, મંગળ બજારમાં હાલમાં 80 mm ના મજબૂત અને સારી હાલતમાં રહેલા પેવર બ્લોક છે. સામાજિક કાર્યકર તેમજ વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, સારી સ્થિતિમાં રહેલા આ બ્લોકને તોડીને તેના સ્થાને હલકી ગુણવત્તાના એટલે કે 60 mm ના બ્લોક નાખવામાં આવી રહ્યા છે. આ કામગીરી અંદાજે 1 કરોડ 59 લાખના ખર્ચે ‘અગ્રવાલ કન્સ્ટ્રક્શન’ ને સોંપવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટને લઈને રોડ વિભાગના વિભાગીય વડા ધાર્મિક દવે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સ્થાનિકો અને કાર્યકરોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ બિનજરૂરી ખર્ચો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક વેપારીઓએ તો ત્યાં સુધી ચીમકી આપી છે કે જો આ અણઘડ નીતિ બંધ નહીં થાય તો તેઓ અધિકારીનું મોં કાળું કરતા પણ અચકાશે નહીં.
વેપારીઓ ની સ્પષ્ટ માંગ છે કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર આ મામલે દરમિયાનગીરી કરે અને ભ્રષ્ટાચારની તપાસ કરાવે. મંગળ બજારમાં પહેલા ડ્રેનેજ લાઈનનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને ત્યારબાદ જ રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.
:- ધંધા પર માઠી અસર પડી રહી છે…
હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી હોવાથી મંગળ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. આ સમયે જ રસ્તા ખોદીને બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓના ધંધા પર માઠી અસર પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે જો ડ્રેનેજનું કામ કર્યા વગર બ્લોક નાખવામાં આવશે, તો ફરી ચોમાસામાં લાઈનો નાખવા માટે આ નવા બ્લોક તોડવા પડશે, જે સીધેસીધો ભ્રષ્ટાચાર અને જનતાના પૈસાનો ધુમાડો છે.(વેપારી દિપકભાઈ માછી)
મોટી અને મૂળભૂત સમસ્યા ડ્રેનેજની…
મંગળ બજારના સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારની સૌથી મોટી અને મૂળભૂત સમસ્યા ડ્રેનેજની છે. દર ચોમાસામાં અહીં ગોઠણસમા પાણી ભરાય છે અને ગટરના પાણી ઉભરાઈને દુકાનોમાં ઘૂસી જાય છે. વેપારીઓની માંગ કે પહેલા ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા ડ્રેનેજની સમસ્યાને બાજુ પર મૂકીને કરોડોના ખર્ચે પેવર બ્લોક નાખવાનું કામ હાથ ધરાયું છે.
(સ્થાનિક દુકાનદાર)