ફાયરબ્રિગેડ અને જીઈબીની ટીમે પરિસ્થિતિ સંભાળી આગ પર કાબુ મેળવ્યો :
કોઈ જાનહાનિ નહિ,મોટી માત્રામાં નુકસાનની ભીતિ સેવાઈ




( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરા શહેરના ફતેપુરા મંગલેશ્વર ઝાંપા નજીક આવેલી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાત્કાલિક બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ અને જીઇબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિક દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક સંવાદ કોટર્સમાં રહેતા અનિલ રમણભાઈ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ઝાંપા નજીક અને કુંભારવાડા પોલીસ સ્ટેશનથી સામાન્ય અંતરે 20 વર્ષ ઉપરાંતથી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. વિસ્તારમાં રહેતા એક યુવકે વહેલી સવારે આશરે ચારથી સાડા ચાર વાગ્યાના અરસામાં તેમને ટેલીફોનિક માહિતી આપી હતી કે, તેમની દુકાનમાં આગ લાગી છે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ પહેલા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનના માલિક અનિલભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ આ દુકાનમાં બે વખત તાળા તૂટેલા છે. ચોરી થઈ છે. આ આગ લાગી નથી લગાડવામાં આવી છે. અમને અહીંથી હટાવવાની વાત છે. મારા પ્રોવિઝન સ્ટોરમાં ગોળીઓ બિસ્કીટો સહિતનો સામાન તેમજ કોર્પોરેશનમાં સફાઈ કામદારો જે ઝાડુનો ઉપયોગ કરે છે, તેનો પણ મોટી માત્રામાં જથ્થો મૂકી રાખેલો હતો. તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આશરે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે. મહત્વની બાબત છે કે, દુકાન માલિકે આ આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. ત્યારે, સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.