Comments

લોકો ધારે તો શું કરી શકે એનું જ્વલંત ઉદાહરણ

કેરળના પલક્કડ જિલ્લાના ચિત્તૂર-થાથમંગલમ નામના નગરના લોકોએ રાજ્ય સરકારના ‘ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, 2031’ નામના વિકાસના આયોજનનો વિરોધ કર્યો, પણ એટલેથી અટકવાને બદલે તેમણે પોતે, પોતાના નગરની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને ‘ચિત્તૂર-થાથમંગલમ માસ્ટર પ્લાન 2042’ તૈયાર કર્યો. નગર આયોજનના બે નિષ્ણાતો જયરાજ સુંદરેશન અને માલિની કૃષ્ણકુટ્ટીની ‘માસ્ટર પ્લાન એક્સપર્ટ કમિટી’ (એમ.પી.ઈ.સી.) બનાવવામાં આવી અને સૌએ મળીને નગરની વિવિધ વિશેષતાઓને લક્ષમાં રાખીને વૈકલ્પિક આયોજન ઊભું કર્યું. ગયા સપ્તાહે તેની મુખ્ય વિગતો જાણ્યા પછી આ આયોજનનાં વિવિધ પાસાં કેવાં રહ્યાં એ જાણવું જરૂરી બની રહે છે.

માલિની કૃષ્ણકુટ્ટીના જણાવ્યા અનુસાર ભારતમાં વિશાળ સંખ્યામાં લોકો અનૌપચારિક આવાસમાં વસે છે અને તેમની આજીવિકાના સ્રોત પણ અનૌપચારિક હોય છે. જે સામુહિક સ્થાનો અને નૈસર્ગિક સ્રોત પર તેઓ અવલંબિત છે તેને મોટે ભાગે ‘બિનઆયોજિત’ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. મિલકતના હકને પ્રાથમિકતા આપતા આયોજનના આધુનિક અભિગમને બદલે આપણે જળજમીનને સહિયારી મિલકત તરીકે જોવાનો અભિગમ અપનાવવાની જરૂર છે.

 આ અભિગમને કેન્‍દ્રસ્થાને રાખીને કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં સ્વયંસેવકો અને સ્થાનિકોનાં સૂચનો તેમજ વાંધાવિરોધ મંગાવવામાં આવ્યા. તેની પર વિચારવિમર્શ કરાયો. મ્યુનિસિપાલિટી પાસે આ માટેનાં નાણાંની જોગવાઈ અપૂરતી હોવાથી ‘એમ.પી.સી.’ના સભ્યોએ અવેતન કામ કર્યું. વિવિધ કૌશલ્યમાં નિષ્ણાત સ્થાનિકો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ એ જ રીતે સંકળાયા. ક્ષેત્રીય કાર્ય માટે જે બે જુનિયર પ્લાનરો સંકળાયા તેમની મર્યાદિત નાણાંકીય જોગવાઈ ‘ધ કેરલ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન’દ્વારા કરવામાં આવી. આસપાસની યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ‘જી.આઈ.એસ. (જિયોગ્રાફિક ઈન્‍ફર્મેશન સિસ્ટમ) મેપિંગ, ભૂપૃષ્ઠના મોડેલિંગ તેમજ સ્થળચકાસણી જેવાં કામોમાં સંકળાયા. રાજકીય કર્મશીલો, ઉદ્યોગ સાહસિકો તેમજ બૌદ્ધિકોએ અમલદારશાહી સાથે સુમેળ સાધ્યો અને નાણાંકીય વ્યવસ્થા સંભાળી, તો સ્થાનિક રહીશોએ મિલનનાં આયોજન કરીને આ ચળવળ માટે જનાધાર ઊભો કર્યો.

 ત્રણ તબક્કે આ આયોજનપ્રક્રિયાએ આકાર લીધો. પહેલા તબક્કામાં રાજ્ય સરકારનો ‘ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, 2031’લોકોને સમજાવવામાં આવ્યો, જેમાં નગરના કુલ 29 વોર્ડને નવ સમૂહમાં વિભાજીત કરવામાં આવ્યા. મલયાલમ ભાષામાં જ બધી ચર્ચા થતી, જેથી સૌ કોઈ તેને સરળતાથી સમજી શકે. બીજા તબક્કામાં સ્થાનિકોની જરૂરિયાત, તેમની આકાંક્ષાઓ અને નિસ્બત સાથે સંકળાયેલી વિવિધ બાબતો પર એકદમ મુદ્દાસર, શ્રેણીબદ્ધ સમૂહચર્ચાનો દૌર ચાલ્યો. બાર શાળાઓના પચાસ બાળકોને નગરની ભાવિ જરૂરિયાત શી છે એ વર્ણવવાથી તેનો આરંભ થયો, જેમાં આગળ જતાં સાડા પાંચસો સહભાગીઓને સાંકળતી વીસેક સમૂહચર્ચાઓ થઈ. આ ચર્ચામાં શિક્ષણ, રોજગાર, જાહેર સ્વચ્છતા, પર્યાવરણ, સામાજિક સમાનતા, જ્ઞાતિગત સમીકરણો વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા.

સ્થાનિક ટીમોએ જમીનના ઉપયોગને વિગતવાર અંકિત કર્યો અને તેનું મલયાલ ભાષામાં જ દસ્તાવેજીકરણ કર્યું. એ પછી આયોજિત કરાયેલી ત્રણ દિવસીય કાર્યશાળા ‘માસ્ટર પ્લાન શિલ્પશાલા’માં આયોજન સમિતિએ આયોજન તેમજ વિવિધ ક્ષેત્રના પંદર નિષ્ણાતોને દેશભરમાંથી આમંત્ર્યા અને 186 સ્થાનિકો સાથે તેમને જોડ્યા. આમ, સમગ્ર આયોજન એકદમ વાસ્તવિક બની રહે એ ધ્યાન રાખવામાં આવ્યું. આ કાર્યશાળામાંથી જે વિચારો જન્મ્યા તેના આધારે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ‘માસ્ટર પ્લાન, 2042’નો પાયો તૈયાર થયો. એક જ ઉદાહરણ જોઈએ. આ નગરમાં ચાલવું અને સાયકલ મુખ્ય બાબતો છે, પણ સરકારી આયોજનમાં તેને બદલે પહોળા રસ્તા હતા. ગામલોકોએ પોતાના આયોજનમાં ચાલવા માટેની ફૂટપાથ તેમજ સાયકલ ટ્રેકની જોગવાઈ કરી. પૂરનિયંત્રણ માટે પણ નદીનાળાં તેમજ અન્ય જળસ્રોતોને જોડવામાં આવ્યાં. આવું જ વૃક્ષાચ્છાદન માટે.

ત્રીજા તબક્કામાં આખરે જુલાઈ, 2024માં રાજ્ય સરકારના પ્લાનને સ્થાને લોકો દ્વારા તૈયાર કરાયેલો પ્લાન ચીફ ટાઉન પ્લાનરના કાર્યાલય દ્વારા સરકારને જમા કરાવવામાં આવ્યો. મ્યુનિસિપાલિટીએ આ પ્લાનને મલયાલમમાં સમજાવતી ચાલીસ પાનાંની પુસ્તિકાનું ઘેરઘેર વિતરણ કર્યું. વિચારવિમર્શ માટેના સાઠ દિવસના સમયગાળા પછી વિશેષ સમિતિએ પોતાનો આખરી અહેવાલ સરકારમાં આપ્યો છે અને હવે આ પ્લાનને અધિકૃત સરકારી મંજૂરી મળે તેની પ્રતીક્ષા છે. કેરળના આ નગરે ખરેખર તો એક નવી કેડી કંડારી છે. પોતાના સમુદાયના હિત માટે સૌ સંપીને કામ કરે તો કેવું ઊત્તમ પરિણામ મળી શકે એનું આ જીવંત ઉદાહરણ છે. હિમાંશુ નિતનવરે દ્વારા ‘ડાઉન ટુ અર્થ’પોર્ટલ માટે આલેખાયેલો આ અહેવાલ ખરા અર્થમાં એક પ્રેરક ગાથા કહી શકાય એમ છે. 

 આયોજનની પુસ્તકિયા વ્યાખ્યા અને વાસ્તવિક આયોજન વચ્ચેનો ભેદ કેટલો મોટો હોય છે, એ પણ આમાં ઊજાગર થાય છે. વર્તમાન સમયમાં પાકા રોડ અને આડેધડ બંધાઈ રહેલા પુલોને વિકાસ તરીકે ઓળખાવાય છે અને તેનાથી થતા વિશાળ આર્થિક લાભ ગણાવવામાં આવે છે. ઘણાખરા કિસ્સામાં તો કેવળ તેની પાછળ ફાળવવામાં આવેલી તોતિંગ રકમ જ પૂરતી થઈ પડે છે. લોકોની વાસ્તવિક જરૂરિયાત શી છે એ ભ્રામક રાજકીય પ્રચારના મારામાં કોરાણે મૂકાઈ જાય છે. વિકાસ એ જરૂરિયાતનો નહીં, પણ રાજકીય મુદ્દો બની ગયો છે. આવા માહોલમાં કેરળનું આ નગર એક નવી જ દિશા ચીંધે છે અને તે એ પણ દર્શાવે છે કે, આપણા ભલા માટે આપણાથી વિશેષ કોઈ વિચારી ન શકે. આ સમગ્ર પ્રકલ્પમાં સ્થાનિક રાજકારણ નડ્યું હશે કે કેમ, એ ખબર નથી, પણ મૂળ વાત એ છે કે સૌએ ભેગા મળીને પરિણામલક્ષી કામ કર્યું. હવે આગામી એક બે દાયકામાં એ દિશામાં કામ થશે એટલે તેનાં સુપરિણામ પણ જોવા મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top