વડોદરા પાલિકા-દબાણ શાખાની ટીમ સવારથી એક્શનમાં

વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણો અંગે કોઈ ચોક્કસ નીતિ જાહેર થતી નથી. ગેરકાયદે દબાણો દૂર થયાની ગણતરીની મિનિટોમાં જ ટીમ જતાંની સાથે જ ફરીવાર એજ સ્થાને દબાણો જેમના તેમ થઈ જાય છે. ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે મંગળવારે સવારથી જ મંગળ બજારના દબાણ ઉપર સપાટો બોલાવ્યો છે.
અને સાથે સાથે શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિત સાયકલ બજારમાંથી દબાણ દૂર કરવા ટીમ પહોંચી હતી.

શહેરમાં માથાના દુખાવાનું કારણ બનેલા મંગળ બજારના દબાણો સહિત ચાર દરવાજા વિસ્તારને સાયકલ બજારના દબાણોથી લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આજે દબાણ શાખાની ટીમે આ વિસ્તારના દબાણોનો સફાયો કરીને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. જોકે આ દબાણો મુક્ત રસ્તા કેટલો સમય રહેશે તો દબાણ કરનારાઓ જ કહી શકે. પાલિકાની દબાણ શાખાએ આજે સ્થાનિક પોલીસ બંદોબસ્તના સહારે મંગળ બજાર, લહેરીપુરા, ચાર દરવાજા વિસ્તાર અને સાયકલ બજાર, દૂધવાળા મહોલ્લાના દબાણો દૂર કરીને લારી ગલ્લા પથારાવાળાને હટાવીને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા.

પાલિકાની ટીમ આજે બપોરના સમયે ઉકત બંને સ્થળે પહોંચતા મુખ્ય માર્ગ પર અડીંગો જમાવીને, ટ્રાફિકને નડતરરુપ કરનારાઓમાં ભાગ દોડ મચી ગઇ હતી. જે દબાણ શાખાની ટીમે અહિંથી એક ટ્રક ભરી હંગામી સામાન જેમ કે લારી,ગલ્લા, પથારા વિગેરે જપ્ત કર્યા હતા અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
