****
₹ 68 કરોડના ખર્ચે મજૂર થયેલું કામ હજી ચાલુ છે તે વચ્ચે નવું ₹ 44 કરોડના કામનું ટેન્ડર!
****
બોડેલી સિંચાઈ કચેરી પર રાજ્યના સિંચાઈ વિભાગના ચાર ચાર હાથ!!
****
સુખી સિંચાઇ યોજનાની મુખ્ય તેમજ શાખા નહેરો તથા તેના પર આવતા ક્રોસ સ્ટ્રકચરોના નવીનીકરણ માટે કુલ 225 કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામો કરવાના છે. જે માટે સૌથી પહેલા ₹ 68 કરોડ રૂપિયા ના 18% એબોવ ટેન્ડર ભરનાર શિવાલય કન્સ્ટ્રકશનના બીડને મંજૂર કરી કોન્ટ્રાક્ટર એજન્સી ફિક્સ કરવામાં આવી હતી. જે કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય નહેરના ટેઇલ પાસેથી કામની શરૂઆત પણ કરવામાં આવી છે. હવે આજ યોજના હેઠળ ખોડસલ અને છાણ તલાવડી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના અનુક્રમે 15.15 કીમી તથા 12.5 કીમી નહેરના કામો હાથ ધરવા ₹ 44 કરોડનું એસ્ટીમેટ સાથેનું ટેન્ડર બહાર પડાયું છે.જેમાં કુલ 8 ઓનલાઇન બીડ ભરાયા છે.જે હજી ખોલાયા નથી.જોકે તે પહેલાં જ સિંચાઈ અધિકારીઓ દ્વારા 4 એજન્સીઓને જ એપ્રુવ કરાઈ છે.જેમના જ ભાવની ચકાસણી થવાની છે.એનો મતલબ કે, બીજી ચાર એજન્સીઓના ટેન્ડર ખુલે તે પહેલાં જ રિજેક્ટ કરી દેવાઇ છે.એટલે રિજેક્ટ થયેલ એજન્સીઓના ભાવ વધુ હશે તો પણ તેને ધ્યાને લેવાના નથી.
બોડેલી સિંચાઈ યોજના વિભાગ નંબર 2 ની કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા ₹ 225 કરોડ રૂપિયાના ખર્ચે બનતી નહેરોના કામોનું નિરીક્ષણ, પરીક્ષણ તેમજ મોનિટરિંગ કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ખર્ચ કરીને થતા સરકારી કામોમાં સિંચાઈ યોજના વિભાગ નંબર 2 ની કચેરીના ફાળે આ કામો આવ્યા છે. બોડેલીની આ સિંચાઈ કચેરીમાં થતા કામોની ગુણવત્તા સામે વારંવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ચેક ડેમ કૌભાંડમાં એન્ટી કરપ્શન બ્યુરો કચેરીના અધિકારીઓ દ્વારા દરોડા પણ પડેલા છે. કેટલાય અધિકારીઓ જેલવાસ ભોગવી આવેલા છે. સરદાર સહભાગી સિંચાઈ યોજના હેઠળ થયેલા કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. આ જ કચેરીમાં ડુપ્લીકેટ સિંચાઈ કચેરીના તાર પણ જોડાયેલા મળી આવ્યા હતા. આજ કચેરીના તત્કાલીન કાર્યપાલક ઇજનેર એ. ડી. રાઠોડ ડુપ્લીકેટ સિંચાઈ કચેરીની છોટાઉદેપુર ખાતે પ્રાયોજના વહીવટદાર દ્વારા કરાયેલી ફરિયાદ સંદર્ભે હજી પણ પોલીસ ચોપડે ભાગેડુ છે.જેની તપાસ માટે છોટાઉદેપુર પોલીસે બોડેલીની અસલી સિંચાઈ કચેરીએ વારંવાર તપાસ પણ હાથ ધરી છે. અસલી સિંચાઈ કચેરીએથી છોટાઉદેપુર પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ પુરાવા તરીકે મેળવ્યા છે.
આ વચ્ચે બોડેલીની સિંચાઈ કચેરીમાં કરોડો રૂપિયાના નવા કામો આવતા રાજ્યની સિંચાઈ કચેરીના હવે બોડેલી સિંચાઈ કચેરી પર ચાર ચાર હાથ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
સુખી સિંચાઈ યોજના એ મૂળભૂત નર્મદા યોજનાની એક આનુશાંગિક યોજના છે. જ્યારે ત્યારે નર્મદા યોજનાનું પરિરૂપ તૈયાર થયું ત્યારે સ્થાનિક નાની સિંચાઈ માટેની ચાર યોજનાઓ કરજણ જળાશય યોજના, લાલપુર ડેમ યોજના સુખી સિંચાઈ યોજના અને હેરણ સિંચાઇ યોજના અમલમાં મુકવાની હતી. લાલપુર ડેમ યોજના અભરાઇએ ચઢી હતી.બીજી 3 અસ્તિત્વમાં આવી હતી.1984 માં સુખી સિંચાઈ યોજના વર્લ્ડ બેંકની લોનથી નવી અસ્તિત્વમાં આવી હતી ત્યારથી આ સિંચાઈ યોજનાની કેનાલોનું કોઈપણ મેન્ટેનન્સ કે નવીનીકરણ થયું ન હતું. અચાનક જ આ યોજના માટે 225 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા હતા. જે પૈકી રૂપિયા ₹ 68 કરોડના ખર્ચે બહાર પડે ટેન્ડર થી કામ હાલ ચાલુ છે. જ્યારે અન્ય 44 કરોડનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેના ચાર બીડ મંજુર કરેલ હોય તેમાંથી એક કોન્ટ્રાક્ટરને ઇજારો આપવામાં આવશે તેમ જાણવા મળે છે. સિંચાઈ વિભાગ કચેરી બોડેલીના પેટા વિભાગ 12 તેમજ 48 માં આ કામો થવાના છે.
શિવાલય કન્સ્ટ્રકશનને ₹68 કરોડનું કામ કેવી રીતે મળ્યું?
****
₹44 કરોડના ડિસ્ટ્રીબ્યુટરીના કામોના ટેન્ડર મંજૂર કરવામાં મેચ ફિક્સિંગ તો નથી થતું ને?
સિંચાઈ યોજના વિભાગ નંબર 2 દ્વારા કરવામાં આવતા નહેર નવીનીકરણના કામ માટે સૌથી પહેલું મુખ્ય નહેર માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રણ ટેન્ડર એપ્રુવ કરાયા હતા. આશ્ચર્યજનક રીતે ત્રણેય ટેન્ડર વચ્ચે માત્ર એક એક ટકાનો જ તફાવત હતો. જેમનું ટેન્ડર લાગ્યું છે તે શિવાલય કન્સ્ટ્રક્શનનું 18% એબોવ ટેન્ડર હતું તે સિવાય બીજા બે બિડ હતા. જેઓએ 19 અને 20 ટકા એબોવ ટેન્ડર ભર્યા હતા. આ ટેન્ડર પ્રક્રિયા આજથી ત્રણ મહિના પહેલા થઈ ગઈ હતી. ઇજારો પણ તે વખતે જ આપી દેવાયો. અત્યારે શિવાલય કન્સ્ટ્રક્શનના કામો પણ પ્રગતિમાં છે. જે રીતે શિવાલય કન્સ્ટ્રક્શન એજન્સી કરતા તેમના પ્રતિસ્પર્ધી કોન્ટ્રાક્ટરથી માત્ર એક એક ટકો જ તફાવત ધરાવતા હતા. તે જોતા સૌ કોઈ શંકા કુશંકા કરી રહ્યા છે.કોઈ ચોક્કસ એજન્સીને કોન્ટ્રાક્ટ ખટાવવા માટે નવા ₹ 44 કરોડના ખર્ચે બહાર પડેલ ટેન્ડરમાં મેચ ફિક્સિંગ તો નથી થઈ રહીને? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ભ્રષ્ટાચારથી ખદબદતી બોડેલી સિંચાઈ યોજના વિભાગ નં.2ની કચેરીમાં અનેક કૌભાંડની તપાસ વચ્ચે કરોડોના નવા કામો આવ્યા!
By
Posted on