આણંદ : આંકલાવ પોલીસે ભેંટાસી ગામના માંડવાપુરાના ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરીમાં કેમિકલ સહિતનો જથ્થો મળી આવતાં મામલો ગંભીર બન્યો હતો. સ્થળ પરથી પકડાયેલા શખસની પુછપરછ કરતાં તે રીઢો બુટલેગર હોવાનું અને રાજસ્થાનના શખસ સાથે મળીને આ કાળો કારોબાર શરૂ કર્યો હોવાની કબુલાત કરી હતી. આ અંગે પોલીસે તેની ધરપકડ કરી રૂ.2.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આંકલાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણા તથા સર્વેલન્સની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભેટાસી બાભાગમાં રહેતો સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલ માળી ભેટાસી વાંટા સીમ માંડવાપુરા તરફ જવાના રોડ પર કેનાલ પર આવેલા ખેતરના બોરકુવાની ઓરડીમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરે છે, આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી રવિવારની મોડી રાત્રે દરોડ પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પર જ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સાથે સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલ માળી મળી આવતાં તુરંત તેની અટક કરી હતી.
પ્રાથમિક પુછપરછમાં જ તેણે ડુપ્લીકેટ દારૂ બનાવતો હોવાનું કબુલાત કરી લીધી હતી. પોલીસે ઓરડીમાં તપાસ કરતાં દારૂ બનાવવામાં વપરાતું કેમિકલ, ડુપ્લીકેટ દારૂ, ખાલી કેરબા, પીપ, વિદેશી દારૂની ખાલી બોટલ, ઢાંકણા, શીલ પેક કરવાનું મશીન, આલ્કોહોલ માપવાનું થર્મોમીટર, રોકડ, મોબાઇલ સહિત કુલ રૂ.2,59,576નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સુરેશની પુછપરછ કરતાં તેણે આ બધો સામાન અમૃતલાલ હેમચંદ જૈન (રહે.ડુંગરપુર, રાજસ્થાન)એ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ દારૂ બનાવવાની ફેક્ટરી અમૃતલાલના ઇશારે જ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે આંકલાવ પોલીસે સુરેશ અને અમૃતલાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદના લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ દ્વારા દારૂબંધી સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કોને કેટલો માલ વેચ્યો ? તે રિમાન્ડ દરમિયાન ખુલશે
આંકલાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણાએ જણાવ્યું હતું કે, સુરેશની પુછપરછ ચાલી રહી છે. હાલ તેઓ એક મહિનાથી ફેક્ટરી ચલાવતા હોવાની કબુલાત કરી છે. તે અગાઉ દેશી દારૂ ગાળવાનો ધંધો કરતો હતો. બાદમાં વિદેશી દારૂનો ધંધો પણ કરતો હતો. દેશી – વિદેશી દારૂના અનેક ગુનામાં તે પકડાયેલો છે. જોકે, ભેટાસીમાં તેઓએ કેટલો દારૂ બનાવ્યો ? અને ક્યાં ક્યાં વેચ્યો ? તે બાબત રિમાન્ડ દરમિયાન ખુલશે.
પ્રવાહીને નશાકારક બનાવવા સ્પીરીટનો ઉપયોગ કરાતો હતો
આંકલાવ પોલીસની પ્રાથમિક તપાસમાં સુરેશ અને તેનો મિત્ર અમૃતલાલ ભેગા મળી વિદેશી દારૂ બનાવતાં હતાં. તેઓ પ્રવાહીને નશાકારક બનાવવા તેમાં કેમિકલ વાપરતાં હતાં. જેમાં સ્પીરીટ, એથેનક્સનો ઉપયોગ કરતો હતો. તેઓ દારૂ તૈયાર થયાં બાદ થર્મોમીટરથી તેનું આલ્કોહોલ માપતાં હતાં.