Vadodara

ભૂતડી ઝાંપામાં સાંજના સમયે જીવાતોના ઝુંડ વિસ્તારમાં ફરી વળે છે; જમવા,પીવાના પાણીમાં પણ જીવાતો પડે છે

ભૂતડીઝાપાના સરકારી અનાજના ગોડાઉનમાં સ્થાનિક રહીશોનો હલ્લાબોલ




શહેરના ભૂતડીઝાપા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ઊડતી અને ઝીણી જીવાત તથા મરી ગયેલા ઉંદરોના કારણે ગોડાઉન પાછળ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકો આજે ગોડાઉન ખાતે જઇને હલ્લાબોલ કર્યો હતો. રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે એવા પણ આક્ષેપો કર્યો હતા .

મળેલી માહિતી પ્રમાણે હુજરાત ટેકરા ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં ઘઉં, ચોખા, સહિત વિવિધ અનાજ સહિતનો જથ્થો રાખવામાં આવે છે. અને આ ગોડાઉન ઉપરથી શહેર જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સપ્લાય કરવામાં આવે છે. જે દુકાનો દ્વારા ગરીબ લોકોને અનાજ આપવામાં આવતું હોય છે. સરકારી ગોડાઉનમાં યોગ્ય અને સમયસર સફાઈ અને દવાઓનો છંટકાવ કરવામાં આવતો ન હોવાથી ગોડાઉનની પાછળ આવેલા હુજરાત ટેકરા, લીમડા ફળિયા, દાદી અમ્મા દરગાહ, ડામડૂબ વિસ્તાર, કોયલી ફળિયા, બાવચાવાડ, ચૌહાણ સોસાયટી સહિતના વિસ્તારોમાંના લોકોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવવાના કારણે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. છેલ્લા ત્રણેક માસથી સાંજના સમયે જીવાતો વિસ્તારમાં ઝુંડમા આવતી હોવાથી રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, સાંજના સમયે જીવાતોના ઝુંડ વિસ્તારમાં ફરી વળે છે. જમવા બેસીએ ત્યારે જમવાની થાળીમાં પડે છે. પીવાના પાણી ભરેલા વાસણમાં જીવાતો પડે છે. કાનમાં ઘૂસી જાય છે. નાના બાળકો માટે મુશ્કેલી રૂપ બનતા હોય છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી. ન છૂટકે આજે વિસ્તારના રહીશો એકઠા થઈને ગોડાઉન ખાતે હલ્લાબોલ કરવાની ફરજ પડી હતી. તે બાદ તંત્ર દ્વારા દવાઓનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મહિલાઓએ જણાવ્યું કે, ગોડાઉન રહે એનો અમને વાંધો નથી. પરંતુ ગોડાઉનમાં સમયસર સફાઈ અને દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે આ પ્રશ્ન હલ કરવાની બદલે સત્તાવાળાઓએ જીવાતથી પરેશાન થતા હોય અને દુર્ગંધ આવતી હોય તો અહીંયાથી મકાનો ખાલી કરીને જતા રહો. તેવી સલાહો આપવામાં આવી રહી છે. ત્યારે અમો તંત્રને એવું કહીએ છે કે, અમો તો વર્ષોથી અહીંયા રહીએ છીએ. અહીંયાથી ગોડાઉન દૂર કરી દો એટલે તમારો પણ પ્રશ્ન હલ થઈ જાય અને અમારો પણ પ્રશ્ન હલ થઈ જાય. જીવાતોથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, આ સરકારી ગોડાઉન વર્ષોથી બનેલા છે. મોટાભાગના ગોડાઉનમાં એકઝોસ્ટ ફેન ન હોવાના કારણે હવા ઉજાસ ગોડાઉનમાં રહેતી નથી. જેના કારણે અનાજ બગાડવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top