ગોધરા: લુણાવાડા રોડ ઉપર ખાનગી કંપની દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન પીવાના પાણી ની લાઈન તૂટતાં આ વિસ્તારના રહીશોને પીવાનું પાણી મળતુ બંધ થયુ હતુ. પાલિકા દ્વારા ખાનગી કંપનીનુ જે.સી.બી.મશીન જપ્ત કરીને જરૂરી કાર્યવાહી હાથધરી છે
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા કેબલની કામગીરી દરમિયાન પીવાના પાણી ની પાઈપલાઈન તૂટી હતી. અને હજારો લીટર પીવાના પાણી નો બગાડ થવા સાથે પાણીથી એક તરફ નો માર્ગ ભરાઈ જતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.
આ બાબતની જાણ નગરપાલિકાને થતાં નગર પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નગરપાલિકા દ્વારા જે જે.સી.બી. મશીન થી ખોદકામ કરવામાં આવી રહયુ તે જે.સી.બી.મશીન ને પાલિકા કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
નગરપાલિકા દ્વારા આ વિસ્તાર ના રહીશોને પીવાનું પાણી મળી શકે તે માટે તૂટેલી પાઇપ લાઇન નું સમારકામ શરૂ કરેલ હતું. પીવાના પાણી ની લાઈન ના સમારકામ માટે ગોધરા – લુણાવાડા રોડ એક તરફ નો બંધ કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં ચેતવણી આપીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.