કરજણ અને ગ્રામ્ય એલસીબી પોલીસનું સંયુક્ત ઓપરેશન, કરજણ કોર્ટમાં મુદતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સાંસરોદ ગામે ચોરી કર્યાની કબૂલાત
પ્રતિનિધિ વડોદરા તા.23
વડોદરા શહેર જિલ્લાના બંધ મકાનોને ટાર્ગેટ કર્યા બાદ તિજોરીમાંથી સોના ચાંદીના અને રોકડ રકમ સહિત લાખોની માલમતાની ચોરી કરનાર રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચ અને કરજણ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ભીમપુરા કેનાલ પાસેથી ઝડપી પાડ્યો હતો. રીઢો આરોપી પકડતા જિલ્લામાં થયેલી 6 ઘરફોડના ભેદ ઉકેલાયા છે.
કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં તાજેતરમાં બંધ મકાનનમાંથી 8.40 લાખની માલ મતાની ચોરી થઇ હતી. જેની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ઉપરાંત જિલ્લામાં અન્ય પણ ચોરીની બનાવો બનેલા હોય તસ્કરોને ઝડપી પાડવા માટે જિલ્લા એલસીબી તથા કરજણ પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવીને સંયુક્ત રીતે ચોરની શોધખોળ કરી રહી હતી. ત્યારે અગાઉ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા રીઢા આરોપી નિહાલ ઉર્ફે નેહલ રાજેન્દ્ર બારોટ (રહે. તાંદલજા વડોદરા )ની શંકાસ્પદ તરીકે તેની ગુનાઇત માહિતી કઢાવતા કરજણ, વડોદરા તાલુકા, ગોરવા, જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પકડાયો હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે આ રીઢા આરોપીની તપાસ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે નિહાલ ઉર્ફે નેહલ બારોટ તાલુકા પોલીસના હદ વિસ્તારમાં આવતા ભીમપુરા કેનાલ તરફ ફરી રહ્યો છે. જેથી એલસીબી અને કરજણ પોલીસની ટીમે ત્યાં પહોંચી રિઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. તેના સ્કુટરની ડિકીમાં તપાસ કરતા રોકડા રૂ.1.85 લાખ, મોબાઇલ સ્કુટર મળી રૂ. 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતા કરજણ કોર્ટમાં મુદત પૂર્ણ થયા બાદ સાંસરોદ ગામે બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
