Vadodara

ભારે દબાણ વચ્ચે BLOની તબિયત લથડી: પાદરામાં ફરજ દરમિયાન શિક્ષક ઢળી પડ્યા, સારવાર હેઠળ

વડોદરા જિલ્લાના પાદરાની ઘટના: મતદાર યાદી સુધારણાની કામગીરીના અતિશય બોજ અને દબાણનો ગંભીર આક્ષેપ

વડોદરા : રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન (BLO) પરના અસહ્ય દબાણના કારણે તેમની તબિયત બગડવાના બનાવો સતત વધી રહ્યા છે, જે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આવી જ એક વધુ ચિંતાજનક ઘટના વડોદરા જિલ્લાના પાદરામાં સામે આવી છે, જ્યાં ભોજ પી. આર. પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા ઝુલ્ફીકાર પઠાણ ફરજ પર હતા ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સહકર્મીઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અનુસાર, ઝુલ્ફીકાર પઠાણ છેલ્લા 10 દિવસથી મતદાર યાદી સુધારણાની કામગીરીમાં સતત કાર્યરત હતા. દિવસ-રાત ચાલતી કામગીરી, દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ, ઘર-ઘર તપાસ અને ત્યારબાદ સિસ્ટમમાં એન્ટ્રી કરવાના વધતા બોજાના કારણે તેમની હાલત કફોડી બની હતી. કામના અતિશય દબાણ હેઠળ તેઓ ઘણીવાર એક ટાઈમ જમવાનું પણ ચૂકી જતા હોવાનું તેમના સહકર્મીઓએ જણાવ્યું હતું.
આ સતત કામ અને દબાણને કારણે ઝુલ્ફીકાર પઠાણે અચાનક છાતીમાં દુખાવો અને ભારે બેચેની અનુભવવાનું શરૂ કર્યું અને સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા.
શિક્ષક ઝુલ્ફીકાર પઠાણ ઢળી પડતાં જ હાજર રહેલા સહકર્મીઓએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા બોલાવી હતી. તેમને સૌપ્રથમ વડુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. જોકે, તેમની તબિયતની ગંભીરતા જોતાં તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ ડોક્ટરોની સઘન દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
​આ ઘટનાને પગલે સહકર્મીઓએ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એક સહકર્મીએ આક્ષેપ કર્યો કે, કામના ભારે દબાણ હેઠળ હોવા છતાં, જ્યારે મદદ માટે કલેકટરથી લઈને અન્ય ઉચ્ચ અધિકારીઓ સુધી ફોન કરવામાં આવ્યો, ત્યારે કોઈપણ અધિકારીઓએ ફોન સ્વીકાર્યો નહોતો. એટલું જ નહીં, ઘટનાની જાણ કરવા છતાં તંત્ર તરફથી કોઈ તાત્કાલિક મદદ ન મળ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે.
રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન BLOની તબિયત લથડવાના બનાવો સતત સામે આવતા હોવાથી આ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ પરના અતિશય કામના બોજ અને માનસિક દબાણ અંગે ફરી વખત ચર્ચા જાગી છે.
​શિક્ષકો તથા બીએલઓ સંકળાયેલા મંડળોએ તંત્રને સ્પષ્ટ માંગણી કરી છે કે, આ કામગીરીની કાર્યપદ્ધતિમાં તાત્કાલિક સુધારો લાવવામાં આવે, કર્મચારીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવામાં આવે અને BLOની કામગીરીનું યોગ્ય આયોજન કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગંભીર બનાવો ન બને.

Most Popular

To Top