Vadodara

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચની 80% ટિકિટોનું વેચાણ ઓફલાઈન કરો

ટિકિટ વિતરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે NSUIની કલેક્ટરને રજૂઆત

સત્વરે યોગ્ય નિરાકરણ લાવવામાં નહિ આવેતો ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી તા.11 જાન્યુઆરીના રોજ કોટંબી ખાતે રમાનાર એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટોના વિતરણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના વડોદરા શહેર પ્રમુખ અમર વાઘેલા અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં કાર્યકરો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના કાર્યકરોએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી. આગેવાનોએ જણાવ્યું કે આવનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને લઈને શહેરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ બીસીએ દ્વારા ટિકિટોનું વિતરણ વ્યવસ્થિત રીતે ન થતા વિદ્યાર્થીઓમાં અને સામાન્ય જનતામાં નારાજગી જોવા મળી રહી છે.

પ્રમુખ અમર વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે, સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને ટિકિટો સરળતાથી મળી રહી નથી, જ્યારે બીજી તરફ બ્લેકમાં ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે. બીસીએ દ્વારા ટિકિટ વિતરણમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે ક્રિકેટ રસિકોને ઉંચા ભાવે ટિકિટ ખરીદવાની ફરજ પડી રહી છે. ત્યારે, માંગણી કરવામાં આવી હતી કે, ઘર આંગણે રમાનાર આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટો સ્થાનિક નાગરિકોને મળી રહે એ હેતુ થી 80% ટિકિટોનું વેચાણ ઑફલાઇન કોટંબી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે. જેના કારણે NSUIના કાર્યકરોએ કલેક્ટરને આવેદન આપીને તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવા અને ટિકિટ વિતરણની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પગલાં ભરવાની માંગ કરી હતી. તેઓએ ચેતવણી આપી હતી કે જો આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સમગ્ર વિરોધને પગલે બીસીએના ટિકિટ વિતરણ અને મેનેજમેન્ટ પર સવાલો ઊભા થયા છે અને હવે આ મામલો વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે.

Most Popular

To Top