Charchapatra

ભારતમાં લોકશાહી કે ઠોકશાહી?

થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્રી શ્રી ભરતભાઇ પંડ્યાનું ચર્ચાપત્ર વાંચ્યું, જેમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીની જાહેરસભામાં વિરોધ દર્શાવવા માટે માત્ર કાળી ઝંડી ફટકાવનારની સામે પોલીસે પાસાની કાર્યવાહી કરી. ભાજપ શાસનમાં સત્તાનો આ ધરાર દુરુપયોગ છે. લોકશાહી દેશોમાં વિરોધ પ્રદર્શનો તો થવાનાં જ અને વિરોધ પ્રદર્શનો તો લોકશાહનો મુલાધાર છે. શાસક પક્ષની ચૂંટણી સભામાં કાળી ઝંડી ફરકાવવી એ કોઇ ખતરનાક ગુનો નથી. એ શખ્સ સામે પાસા લગાડી જેલભેગો કરી શકાય. પાસાનો ગુનો નામચીન બુટલેગરો હુલ્લડોમાં ભાગ લેનારાઓ લોકોને ધમકી આપનારાઓ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારાઓ સામે જ વાપરી શકાય અને આવો ગુનો ઉપરોક્ત કાળી ઝંડી દેખાડનારને કર્યો જ નથી. આનાથી ભયંકર ગુના કરનારા સેંકડો લોકો સત્તાધારી પક્ષમાં મોજૂદ છે. પોલીસ એ લોકો સામે કેમ પગલાં નથી ભરતી? આજ સત્તાધારી ભાજપ સરકારે મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140 નિર્દોષ વ્યક્તિઓના માલિકોની હજી સુધી ધરપકડ કેમ નથી કરી કેમ કે એ લોકો શાસકો સાથે સંબંધો ધરાવે છે. અહીં તો મોદીના શાસનમાં ચિભડાના ચોરને શુળીએ ચડાવવાનો ધંધો થઇ રહ્યો છે અને રાજકીય વિરોધ દુનિયામાં કયાં નથી થતો. હાલમાં ચીન જેવા સામ્યવાદી દેશ માટે પ્રજા જીનપિંગ સામે વિરોધ પ્રદર્શનો કરી રહી છે. વળી ઇરાન જેવા મુસ્લિમ દેશોમાંયે મહિલાઓ શાસકોની જોરતલબી સામે રસ્તાઓ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શનો કરી રહી છે. ભારત તો લોકશાહી દેશ છે. ત્યાં શાસકોના ઇશારે આવી ઠોકશાહી ચાલી શકે નહીં. પ્રજા જાગૃત રહે એ જરૂરી છે. વર્તમાન શાસકો લોકશાહીનો ધરાર ઉલાળિયો કરી રહ્યાં છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પૈસાનું મૂલ્ય કેમ અમૂલ્ય છે
જ્યોતિષની દૃષ્ટિએ નિહાળીએ, તો ‘‘પૈસો અને ‘‘પ્રેમ’’ ની રાશિ એક અને જુઓ તો ખરાં, મનુષ્યજીવનમાં બંનેની ઉપયોગિતા વિશેષ અને અનિવાર્ય છતાં મનુષ્યે પૈસો કમાવો પડે છે ને પ્રેમ પામવો પડે છે. મનુષ્ય પૈસા મહેનતથી કમાય છે. જ્યારે પ્રેમ પામવો હોય તો પ્રેમ જ આપવો પડે છે. પૈસા થકી મનુષ્ય ઘણું બધું ખરીદી શકે છે. જ્યારે પ્રેમ કંઈથી પણ ખરીદી શકાતો નથી તે નરદમ સત્ય છે અને પ્રેમ જો કોઈને ખરીદવાનો અનુભવ હોય તો તે અન્ય કશું પણ હોઈ શકે, પણ તે પ્રેમ તો ન જ હોઈ શકે. પૈસો માનવીનાં ગજવાં કે તિજોરીની અમાનત છે જ્યારે પ્રેમ હૃદયની ભીતરથી વહેતું અમૃત છે. આથી પૈસા વિના ક્યારેક નભી જાય પણ પ્રેમ વિના તો કોઈનું પણ જીવન નભી શકે જ નહીં. પૈસો જીવનની જરૂરિયાત છે, જ્યારે પ્રેમ આવશ્યકતા છે. માણસની પૈસા પાછળની આંધળી દોટ પણ છેવટે તો ભીતરી હૃદયનો સાચુકલો પ્રેમ પામવાની તડપ જ હોય છે. આમ મનુષ્ય જીવનમાં પૈસાનું મૂલ્ય ખરું, પણ પ્રેમ તો મનુષ્ય અને મનુષ્યતા માટે અમૂલ્ય જ બની રહે છે.
નવસારી           – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top