ગયા અઠવાડિયે બહાર પડેલ વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટમાં ભારત વિશેે માત્ર એક વાક્યમાં જે કહેવાયું છે એ બોલકું છે. રિપોર્ટ કહે છે: India stands out as a poor and very unequal country, with an affluent elite. બહુ સૂચક વાક્ય છે. વિશ્વ અસમાનતા અહેવાલ મુજબ ભારત એક ગરીબ દેશ તો છે જ, પણ ઉપરથી દેશમાં અતિશય અસમાનતા છે અને એટલું ઓછું હોય એમ સમૃદ્ધ ભદ્રવર્ગ છે. અહેવાલમાં આવું કે આ પ્રકારનું નિરીક્ષણ શ્રીમંત દેશો વિશેે કરવામાં આવ્યું નથી, ચીન જેવા પોતાની શરતે અને પોતાના હિતમાં દાદાગીરી કરીને લાભ ઝૂંટવી જનારા દેશ માટે કરવામાં આવ્યું નથી; આવું નિરીક્ષણ ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ વિશેે કરવામાં આવ્યું છે. નિરીક્ષણ લગભગ એક સરખું છે, વાક્યપ્રયોગ અલગ અલગ છે. ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા.
આ ત્રણેય દેશો આર્થિક વિશ્વના રંગમંચ ઉપર વીંગમાં છે. આ ત્રણેય એટલા મહત્ત્વના વિકાસશીલ દેશો છે કે તેણે મંચ પર આવીને વીંગમાં જગ્યા તો મેળવી લીધી છે, પણ હજુ રંગમંચ પર આવવાનું બાકી છે. આ ત્રણેય દેશો નવા રચાયેલા બ્રિક્સ નામના બ્લોકના સભ્ય છે. બ્રિક્સમાં આ ત્રણ દેશો ઉપરાંત ચીન અને રશિયાનો પણ સમાવેશ થાય છે. આ પાંચ દેશો વિશ્વની 43% વસ્તી ધરાવે છે, વિશ્વના GDP માં 23% હિસ્સો ધરાવે છે, વિશ્વની ભૂમિમાં 30 % અને વિશ્વ વ્યાપારમાં 18 % હિસ્સો ધરાવે છે. આમ આ પાંચ દેશો કામના છે, તેની ઉપેક્ષા થઈ શકે એમ નથી, પરંતુ ઉક્ત નિરીક્ષણ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા માટે કરવામાં આવ્યું છે અને એમાં પણ ભારત માટે અસંદિગ્ધપણે સોંસરવું છે.
શા માટે? પણ એ પહેલાં અહેવાલમાં ભારતની ગરીબી અને અસમાનતા વિશેે શું કહેવાયું છે એ જોઈ લઈએ. અહેવાલ મુજબ ભારતની કુલ વસ્તીના માત્ર 1% લોકો 2021ની સાલમાં ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં 22% હિસ્સો ધરાવે છે. આવકનો પાંચમો ભાગ સોમાંથી ખાલી એક જણનો. એ પછીના 10% શ્રીમંત લોકો કુલ રાષ્ટ્રીય આવકમાં 57% હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ થયો કે જો સો જણનો પરિવાર હોય તો 11 જણ કુલ રાષ્ટ્રીય આવકમાંથી 79 રૂપિયા લઈ જાય છે. સોમાંથી પચાસ જણે માત્ર 13 રૂપિયામાં ગુજરાન ચલાવવાનું. રાષ્ટ્રીય આવકમાં અસમાનતાનું પ્રમાણ એક રૂપિયા સામે બાવીસ રૂપિયાનું છે. એટલે કે 1% અતિ-શ્રીમંતના ખિસ્સામાં બાવીસ રૂપિયા જાય છે અને 50% ગરીબને માત્ર એક રૂપિયો મળે છે.
સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં માથાદીઠ આવકમાં અસમાનતાનું પ્રમાણ અનુક્રમે 63 અને 29નું છે. અમેરિકામાં આનું પ્રમાણ એક સામે 17નું છે. અહેવાલમાં ચોંકાવનારી વિગત સંપત્તિ (વેલ્થ) વિશેની છે. ભારતમાં સરેરાશ પરિવારદીઠ સંપત્તિ 9,83,010 રૂપિયા છે. આમાંથી મધ્યમ વર્ગની પરિવારદીઠ સંપત્તિ માત્ર 7,23,939 રૂપિયા છે. 10% શ્રીમંત લોકો પરિવારદીઠ સંપત્તિ 63,54,070 રૂપિયાની ધરાવે છે અને 1% અતિ-શ્રીમંત વર્ગ પરિવારદીઠ 3,24,49,360૩ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ કુલ રાષ્ટ્રીય સંપત્તિની પરિવારદીઠ રાષ્ટ્રીય વહેંચણીની સરેરાશ છે. 50% ગરીબો પાસે કાંઈ જ નથી અને વિશ્વ અસમાનતા અહેવાલ મુજબ સંપત્તિની દૃષ્ટિએ ભારતમાં મધ્યમવર્ગ લગભગ નિર્ધન છે. ફરી એક વાર વાંચો: ભારતમાં મધ્યમવર્ગ સંપત્તિની દૃષ્ટિએ લગભગ નિર્ધન છે. આ શબ્દો મારા નથી, અહેવાલમાં આ જ વાક્યપ્રયોગ છે.
હવે શા માટેની વાત. શા માટે આવકની બાબતે દેશના 50% ગરીબો સાવ કંગાળ છે? શા માટે સંપત્તિની દૃષ્ટિએ મધ્યમવર્ગ નિર્ધન છે? એ કદાચ ગરીબની તુલનામાં ઓછા સંઘર્ષે પેટ ભરતો હશે પણ સંપત્તિ એકઠી નથી કરી શકતો. શા માટે દેશમાં આટલી બધી અસમાનતા છે? શા માટે અસમાનતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે? શા માટે દરેક પ્રશ્ને બોલકો મધ્યમવર્ગ સંપત્તિની દૃષ્ટિએ ક્રમશ: નિર્ધન થઈ રહ્યો હોવા છતાં એ બાબતે ચૂપ છે? શા માટે વિશ્વ અસમાનતા અહેવાલમાં આંખે વળગે એમ કહ્યું છે કે ગરીબી અને અતિશય અસમાનતા ધરાવતા દેશમાં ઓછું હતું તે ઉપરથી સમૃદ્ધ ભદ્રવર્ગ છે? આના દ્વારા અહેવાલ તૈયાર કરનારાઓ શું કહેવા માગે છે? અહેવાલ તૈયાર કરનારાઓ થોમસ પીકેટી જેવા વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ છે.
ગરીબ તો આપણે હતા જ. સંસ્થાનવાદી શોષણના પરિણામે કારમી ગરીબી આપણને આઝાદી ટાણે વારસામાં મળી હતી. એનાથી ભાગી શકાય એમ નહોતું, પણ જો સંકલ્પ બળવાન હોય તો તેને દૂર કરી શકાય એમ હતી. આવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. આઝાદી પછીના પહેલા ત્રણ-સાડા ત્રણ દાયકા દરમિયાન રાષ્ટ્રીય ચર્ચાનો વિષય ગરીબી-નિર્મૂલનનો જ હતો. આપણે આવા અને બીજા તેવા એવી હલકી ચર્ચાની બીમારી આજના યુગની છે. એ સમયે કેટલાક લોકો ગરીબી-નિર્મૂલન અને આર્થિક સમાનતા માટેના ઈલાજરૂપે કહેતા હતા કે સરકારે અર્થતંત્રનો કબજો લેવો જોઈએ.
કેટલાક લોકો કહેતા હતા કે સરકારે અર્થતંત્ર હાથમાં ન લેવું જોઈએ, પરંતુ જરૂરી નિયંત્રણ લાદવા જોઈએ. કેટલાક લોકો કહેતા હતાં કે સરકાર અને ખાનગી ઉદ્યોગગૃહો વચ્ચે સમુચ્ચય ભાગીદારી બનવી જોઈએ. કેટલાક લોકો કહેતા હતા કે સરકારે ઓછામાં ઓછા, માત્ર જરૂરી હોય એટલા જ અંકુશો લાદવા જોઈએ અને ખાનગી મૂડી અને ખાનગી સાહસિકોને પ્રોત્સાહન આપવું જોઈએ. કેટલાક લોકો કહેતા હતા કે સરકારનો શૂન્ય હસ્તક્ષેપ હોવો જોઈએ. સરકાર ક્યારેય સંપત્તિનું સર્જન ન કરી શકે. રહી વાત વહેંચણીની તો એ તો આપોઆપ થતી રહેશે. પૈસો પાણી જેવો પ્રવાહી હોય છે અને તેમાં પાળ બાંધી શકાતી નથી.
દાયકાઓ સુધી ચર્ચાનો વિષય હિંદુ-મુસલમાન નહોતો; પણ ગરીબી-નિર્મૂલન, આર્થિક-સામાજિક સમાનતા અને તેમાં સરકારની ભૂમિકાનો હતો. તો પછી આજ જેવી સ્થિતિ પેદા કેમ થઈ જેમાં આવો ચોંકાવનારો અને નોંધ લેવી પડે એવો અહેવાલ પ્રકાશિત થાય અને દેશનાં અખબારો માટે પહેલાં પાનાંનો અને TV ચેનલો ઉપર પ્રાઈમ-ટાઈમમાં ચર્ચાનો વિષય ન બને? જે લોકો હિંદુ-મુસલમાનના નામે થનગને છે એ લોકો સંપત્તિની દૃષ્ટિએ લગભગ નિર્ધન અવસ્થામાં છે એવું કહેવામાં આવ્યું હોવા છતાં પોતાનાં ભવિષ્ય વિશેે ઉદાસીન છે. શા માટે?
આનો ઉત્તર ભારતની બાબતે અહેવાલમાં આપવામાં આવ્યો છે. ગરીબી અને અસમાનતાનું સંકટ હજુ ઓછું હતું એમ ભારતમાં સમૃદ્ધ ભદ્ર વર્ગ અસ્તિત્વ ધરાવે છે. આ વર્ગ પ્રચંડ માત્રામાં આર્થિક તાકાત તો ઠીક, પણ બીજાં દરેક પ્રકારનાં ઐશ્વર્ય ધરાવે છે. આર્થિક તાકાત દ્વારા તેઓ શાસકોને પોતાના કબજામાં રાખે છે અને વિવિધ ઐશ્વર્યો દ્વારા તેઓ બોલકા મધ્યમ વર્ગને કબજામાં રાખે છે. આપણે મહાન, આપણો દેશ મહાન, આપણો વારસો મહાન, આપણો ઈતિહાસ મહાન, આપણા ઈતિહાસ-પુરુષ મહાન અને બીજા હલકાનો નશો પ્રજાનો લૂંટ તરફ નજર ન જાય એ માટેનો છે. આમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ અગ્રક્રમે છે; કારણ કે આ ત્રણ દેશો પાસે વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ છે, વિશાલ વસ્તી હોવાને કારણે બહોળી સંખ્યામાં ઉપભોક્તા છે, માર્કેટ છે, પ્રચુર માત્રામાં ભ્રષ્ટાચાર છે.
એટલે ગમે તેને ખરીદી શકાય છે, ન્યાયવ્યવસ્થા અને કાયદાનું રાજ લકવાગ્રસ્ત છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર શ્રીમંત વિકસિત દેશો જેવું નથી તો પણ ઠીકઠીક પ્રમાણમાં છે માટે આ દેશ કામના છે. વિકસિત દેશો આ ત્રણ દેશોને વીંગમાં ઊભા રાખે છે, પણ રંગમંચ પર પ્રવેશ નથી આપતા. તેને સતત કહેવામાં આવે છે કે એક દિવસ આ મંચ તમારો થવાનો છે, પણ એ દિવસ ક્યારેય આવતો જ નથી. શા માટે? કારણ કે અંદરથી ફોલી ખાનારાઓએ રાજ્ય ઉપર કબજો જમાવ્યો છે રાજ્યની મદદ સાથે પ્રજાને નશામાં રાખવામાં આવે છે. આખરે સત્તાધીશો પણ તેને જ પૈસે ખુરશી સુધી પહોંચે છે અને એમાં ટકી શકે છે. જ્યાં સુધી આ સ્થિતિ બદલાશે નહીં ત્યાં સુધી ભારત વીંગમાં જ ઊભું રહેવાનું છે. અર્થશાસ્ત્રીઓ કહેશે કે ઓછામાં પૂરું સમૃદ્ધ ભદ્રવર્ગ ભારતને હનુમાન કૂદકો મારતા રોકે છે.