Comments

ભારતના ઉદ્યોગપતિઓ અબજો રૂપિયાનું દેવું કરીને પોતાનો ધંધો વિકસાવે છે

ભારતના ક્યા ઉદ્યોગપતિની સંપત્તિમાં કેટલો વધારો થયો? તેની યાદી ફોર્બ્સ મેગેઝિન દ્વારા નિયમિત બહાર પાડવામાં આવતી હોય છે, પણ ક્યા ઉદ્યોગપતિ દ્વારા બેન્કો અને પબ્લિક પાસેથી કેટલી લોન લેવામાં આવી છે? તેના આંકડા ભાગ્યે જ બહાર પાડવામાં આવતા હોય છે. તાજેતરમાં બિઝનેસ સ્ટાન્ડર્ડ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલા હેવાલમાં દેવું કરીને જલસા કરતાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓની પોલ ખોલી કાઢવામાં આવી છે. આ હેવાલ મુજબ ભારતના કોઈ ઉદ્યોગ સમૂહ પર સૌથી વધુ દેવું હોય તો તે મુકેશ અંબાણીનું રિલાયન્સ જૂથ છે. તેના માથે કુલ ૨.૮૨ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. બીજા નંબરે ગૌતમ અદાણીની કંપનીઓ આવે છે, જેના માથે કુલ ૨.૨ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. અદાણી જૂથની કંપનીઓનાં દેવામાં એક જ વર્ષમાં ૪૭ ટકાનો વધારો થયો છે. ૨૦૨૧ ના માર્ચમાં તેનું દેવું ૧.૫૭ લાખ કરોડ રૂપિયા હતું, જે ૨૦૨૨ ના માર્ચમાં વધીને ૨.૨ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ કારણે અદાણી જૂથનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો (દેવું અને શેરોની કિંમત વચ્ચેનો ગુણોત્તર) ૨.૦૨ ટકાથી વધીને ૨.૩૬ ટકા પર પહોંચી ગયો છે.

ભારતના ટોચના ઉદ્યોગપતિઓની વાત કરીએ ત્યારે આપણા દિમાગમાં સૌથી પહેલાં ટાટા, બિરલા, રિલાયન્સ અને અદાણી જૂથનાં નામો આવે છે. આ ચારેય જૂથો દેવું કરીને જલસા કરવામાં માને છે. ટાટા જૂથે ૨૦૨૧ ના માર્ચમાં કુલ ૨.૦૪ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી, તેમ તેના આંકડાઓ કહે છે. ટાટા જૂથના ૨૦૨૨ ના આંકડાઓ મળતા નથી. આદિત્ય બિરલા જૂથની કંપનીઓ દ્વારા કુલ ૧.૪૩ લાખ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. બિરલા જૂથના માથે એક વર્ષ પહેલાં ૧.૪૯ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, જેમાં તેણે ૬,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે. બિરલા જૂથનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો ૦.૯૯ છે. મતલબ બિરલા જૂથનું દેવું તેના શેરોની કિંમતના ૯૯ ટકા જેટલું છે. તેની સામે ગૌતમ અદાણી જૂથનું દેવું તેના શેરોની કિંમતના ૨૩૬ ટકા જેટલું છે.

ગૌતમ અદાણી ભારતના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી કરતાં પણ આગળ નીકળી ગયા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૧૦૪.૭ અબજ ડોલરની છે. તેની સામે ગૌતમ અદાણીની સંપત્તિ ૧૨૩.૭ અબજ ડોલરની છે. સંપત્તિની બાબતમાં ગૌતમ અદાણી દુનિયાના ચોથા નંબરના શ્રીમંત છે. તેઓ વોરેન બફેટ કરતાં પણ આગળ નીકળી ગયા છે. જો કે આ સંપત્તિ તેમની કંપનીઓના શેરોના બજારભાવને આધારે ગણવામાં આવી છે. શેરોની કિંમતમાં વધઘટ થાય છે, તેમ તેમની સંપત્તિમાં પણ વધઘટ થાય છે. અનિલ અંબાણીની ગણતરી એક સમયે દેશના ટોચના ધનિકોમાં થતી હતી. તેમની કંપનીઓ ફડચામાં ગઇ તે સાથે તેઓ ગરીબ બની ગયા હતા. આજે અનિલ અંબાણી જૂથની કંપનીઓના માથે આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. જો ગૌતમ અદાણીની કંપનીઓના ભાવો ગગડી જાય તો તેમના માથે પણ આફત આવી શકે છે.

મધ્યમ વર્ગના માનવીઓ આખી જિંદગી મહેનત કરીને જે બચત કરે છે, તેને બેન્કમાં મૂકીને તેના વ્યાજની કમાણી પર પોતાની નિવૃત્ત જિંદગી પસાર કરતા હોય છે. બેન્કો દ્વારા આ અબજો રૂપિયા ઉદ્યોગપતિઓને લોનના રૂપમાં આપવામાં આવતા હોય છે. ઉદ્યોગપતિઓ દ્વારા તેની સામે સિક્યોરિટીના રૂપમાં તેમની મિલકતો અને શેરો ગિરવે મૂકવામાં આવતા હોય છે. જ્યારે કંપની બેન્કની લોન ચૂકવવાનો ઇનકાર કરી દે ત્યારે બેન્કો દ્વારા તેની મિલકતોની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં જેટલા રૂપિયાની લોન આપવામાં આવી હોય તેના દસ ટકા રકમ પણ મળતી નથી. બેન્કો દ્વારા બાકીની રકમ માંડી વાળવામાં આવે છે, જેને કારણે તેમના નફામાં ગાબડાં પડી જાય છે. નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા તેનાં આઠ વર્ષમાં ભારતની જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા કુલ ૧૦.૮૩ લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી હતી. આટલી રકમની માંડવાળ કર્યા પછી પણ ભારતની બેન્કોની ૮.૩૫ લાખ કરોડ રૂપિયાની લોન બેડ લોન તરીકે બોલે છે.

ભારતમાં ભાજપની સરકાર આવી તે પછી બેન્કોનો ચોપડો ચોખ્ખો કરવા ઉદ્યોગપતિઓની ખોટી થઈ ગયેલી લોન માફ કરવાનો સિલસિલો ચાલુ કરવામાં આવ્યો હતો. ૨૦૧૪-૧૫ માં કુલ ૬૦,૧૯૦ કરોડ રૂપિયાની લોનો માફ કરવામાં આવી હતી. ૨૦૧૫-૧૬ માં ૭૨,૫૦૧ કરોડ રૂપિયાની અને ૨૦૧૬-૧૭ માં ૧.૦૮ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી. ૨૦૧૭-૧૮ માં ૧.૬૩ લાખ કરોડ, ૨૦૧૮-૧૯ માં ૨.૩૭ લાખ કરોડ, ૨૦૧૯-૨૦ માં ૨.૩૮ લાખ કરોડ અને ૨૦૨૦-૨૧ માં ૧.૮૫ લાખ કરોડ રૂપિયાની લોનો માફ કરવામાં આવી હતી.

ઇ.સ.૧૯૬૯ માં તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે તેમનો ઇરાદો ગરીબોને બેન્કિંગ સેક્ટરનો લાભ મળે તેવો હતો. હકીકતમાં દેશના અબજોપતિ ઉદ્યોગપતિઓએ બેન્કોને લૂંટીને બાદશાહી જીવન જીવવામાં તેનો ઉપયોગ કર્યો છે. આ અબજોપતિઓ સામે આકરાં પગલાં લેતાં બેન્કના મેનેજરો અચકાય છે, કારણ કે દેશના રાજકીય પક્ષો અને તેના નેતાઓ આ ચોરોના દાન ઉપર જ નભે છે. આ કારણે ૧૦.૮૩ લાખ રૂપિયાનું નુકસાન છેવટે તો ભારતના કરદાતાઓએ જ ભોગવવું પડશે. ભારતની લોકશાહીની આ જ વાસ્તવિકતા છે. વધારામાં જે ૮.૩૫ લાખ કરોડ રૂપિયાની બેડ લોન બોલે છે, તેને પણ વહેલી કે મોડી માંડી જ વાળવામાં આવશે. તે નુકસાન પણ ભારતના કરદાતાઓનું જ હશે ને?

ભારતના ઉદ્યોગપતિઓ બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને કેવી લૂંટ ચલાવે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યુબી ગ્રુપના માલિક વિજય માલ્યા છે. વિજય માલ્યાએ પ્રમોટ કરેલી કિંગફીશર એરલાઇન્સે દેશની ૧૭ જાહેર ક્ષેત્રની બેન્કો પાસેથી જે લોન લીધી હતી તે પૈકી ૭,૦૦૦ કરોડ રૂપિયા પાછા વાળવાના બાકી છે. કિંગફીશર એરલાઇન્સની લોન ખોટી થઇ ગઇ છે તેનો ખ્યાલ ઇ.સ.૨૦૧૨ માં જ આવી ગયો હતો; તો પણ બેન્કો આ રકમ વસૂલ કરી શકી નથી. થોડા સમય પહેલાં રિઝર્વ બેન્ક દ્વારા વિજય માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા હતા, જેનો અર્થ એવો થાય છે કે તેઓ બેન્કની લોન ચૂકવવા સક્ષમ છે, પણ ચૂકવવા માગતા નથી. કાયદા પ્રમાણે બેન્કો વિલફુલ ડિફોલ્ટરની તમામ સંપત્તિ જપ્ત કરીને પણ પોતાની લોન વસૂલ કરી શકે છે, પણ કરતી નથી. વિજય માલ્યા કરતાં મોટા ડિફોલ્ટરો તો ભારતમાં વસવાટ કરી રહ્યા છે.

ભારતના મધ્યમ વર્ગ દ્વારા પોતાની મહેનતની કમાણીના આશરે ૧૭૫ લાખ કરોડ રૂપિયા બેન્કોમાં ડિપોઝીટ તરીકે મૂકવામાં આવ્યા છે. બેન્કો દ્વારા તેના ૯૫ ટકા રૂપિયા ઉદ્યોગપતિઓને લોનના રૂપમાં આપી દેવામાં આવ્યા છે. ઉદ્યોગપતિઓ બેન્કોના રૂપિયાને જોરે વેપાર કરે છે અને અબજો રૂપિયાની કમાણી પણ કરે છે. જો તેમને નફો થાય તો તેમની સંપત્તિ વધે છે, પણ જો ખોટ જાય તો લોકોના રૂપિયા ડૂબી જાય છે. ભારતની બેન્કો દ્વારા જે ૧૭૫ લાખ કરોડ રૂપિયા લોનના રૂપમાં આપવામાં આવ્યા છે, તેમાંના ઓછામાં ઓછા ૧૦ ટકા રૂપિયા તો ડૂબી ગયા છે. જો લોકો પોતાના ૧૭૫ લાખ રૂપિયા બેન્કોમાં લેવા જાય તો તે મળે તેમ નથી. બેન્કો પ્રજાના વિશ્વાસ પર જ ચાલે છે. જે દિવસે પ્રજાનો વિશ્વાસ ઊઠી જશે તે દિવસે બેન્કોને દેવાળું જાહેર કરવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top