ખેતરની વાડ પાસે મળેલો આશરે 5 વર્ષનો દીપડો – મોતનું કારણ અકબંધ, ફોરેસ્ટ વિભાગે પોસમોર્ટમ હાથ ધર્યું
સાવલી: સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા પરથમપુરા ગામની સીમમાં ખેતરની વાડ પાસે એક દીપડો મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ભાદરવા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડો ફરતો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક દીપડાના મૃતદેહની મળેલી ઘટના પરથી લોકોમાં કુતૂહલ અને ભય બંને સર્જાયા છે.

દીપડો મૃત હાલતમાં પડેલો નજરે પડતા જ પરથમપુરા ગામના સરપંચ દ્વારા તાત્કાલિક સાવલી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ સાવલી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃત હાલતમાં મળેલો દીપડો અંદાજિત પાંચ વર્ષનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દીપડાના મોતને લઈને વિસ્તારમાં ભારે તર્કવિતર્ક શરૂ થયા છે. હાલ દીપડાના મોતનું ચોક્કસ કારણ અકબંધ છે.

ફોરેસ્ટ વિભાગે દીપડાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોસમોર્ટમ રિપોર્ટ બાદ જ દીપડાના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે સમગ્ર ભાદરવા પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને લોકોમાં વન્યજીવોની સુરક્ષા તેમજ માનવ-વન્યજીવ સંઘર્ષ અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટર: વિમલ પટેલ