- સાંસદ રંજનબહેન ભટ્ટ સામે સીધા આક્ષેપ, શહેરનો નહિ પોતાનો વિકાસ કર્યો
- શહેરના વિકાસ માટે આવતા નાણાંથી વિદેશમાં મોલ બનાવાયો હોવાના પ્રહાર
ભાજપાએ વડોદરા બેઠક ઉપરથી વર્તમાન સંસદ રંજનબહેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ આપતા પૂર્વ મેયર અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબહેન પંડ્યાએ તીખા તેવર બતાવ્યા હતા. પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ નારાજગી બતાવ્યા બાદ તેઓને પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા બાદ તેઓએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને સાંસદ રંજનબહેન ભટ્ટ ઉપર વરસી પડ્યા હતા. તેઓએ સાંસદ સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કર્યા હતા અને તેઓએ શહેરનો નહિ પરંતુ પોતાનો વિકાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ વિકાસના નાણાંથી વિદેશમાં મોલ બનાવાયો હોવાના આક્ષેપ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી માટે ભાજપાએ બીજી યાદી જાહેર કરી હતી જેમાં વડોદરા બેઠક ઉપરથી વર્તમાન સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કર્યા હતા. તેઓના નામની જાહેરાત બાદ અનેકના મોં પડી ગયા હતા પરંતુ કોઈ ખુલીને બહાર આવ્યું ન હતું તેવામાં ગુરુવારે સાંજે વડોદરાના પૂર્વ મેયર અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબહેન પંડ્યા જ્વાળામુખી બનીને સામે આવ્યા હતા. તેઓએ સમગ્ર દિવસ દરમિયાન ભાજપાના ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કાર્ય બાદ પાર્ટીએ તેઓને તમામ હોદ્દા અને સામાન્ય સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે તેઓએ સાંસદ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કાર્ય હતા. ડો. જ્યોતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે 10 વર્ષથી તેઓ સંસદ તરીકે છે પરંતુ આ 10 વર્ષમાં તેઓએ શહેરનો નહિ માત્ર પોતાનો વિકાસ કર્યો છે. અને તેની નોંધ વડોદરાવાસીઓની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ લીધી હતી. વડોદરા શહેરના વિકાસ માટે આવતા નાણાં એ શહેરના વિકાસમાં નથી વપરાતા પરંતુ બીજે .ક્યાંક જતા રહે છે. અને તેથી શહેરનો વિકાસ રૂંધાયો છે. તેઓએ ઉમેર્યું હતું કે પાર્ટી માટે 30 વર્ષ આપ્યા છે અને લોહી પરસેવો એક કર્યો છે. મારા બાળકો નાના હતા તેઓને મૂકીને દૂર દૂર સુધી પાર્ટીના પ્રચાર માટે ગયા છે. ત્યારે પાર્ટીને શું આ એક જ ઉમેદવાર સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. મને ભાજપા ઉપર ભરોસો છે. નરેન્દ્ર મોદીની વિકાસગાથા ઉપર ભરોસો છે પરંતુ સાંસદ રંજનબહેન ભટ્ટ એ શહેરના વિકાસને નેવે મૂકી રહ્યા છે. અને તેથી મારો વિરોધ છે. શહેરના વિકાસ માટે જે કરવું પડે તે કરી રહ્યા છે.
તેઓએ ઉમેર્યું હતું કે રંજનબેનને ભાજપે ટીકીટ આપી છે. મહિલા તરીકે તેઓ 10 વર્ષથી તેઓ કાર્યરત છે. તેમનું સન્માન છે. ગઇ કાલે સાંજે પણ મેં તેમને આદર આપ્યો છે. આખી રાત અને અત્યાર સુધી મારો મ્હાયલો, મારૂ જમીર મને કહે છે કે, મારી વાત મોદીજી અને પ્રદેશ અધ્યક્ષ સુધી વાત ન પહોંચતી હોય. તો આમેય પાર્ટીના અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુખી છે. ત્યારે મારે પોતાને મારૂ જમીર કહે છે કે મારે વડોદરાવાસીઓ જે કહે તે કરવું જોઇએ.તેઓએ ઉમેર્યું કે, છેલ્લા ઘણા સમયથી વિકાસ માટે જે મૂડી જોઇએ તે ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે. હું તે બાબતે દુખી છું. હું એમ કહું છું કે, જ્યાં જ્યાં પણ જે જે લોકોએ જે કર્યું છે, તે તમે શોધી કાઢો. હું વિચારધારાની દ્રષ્ટિએ ભાજપને વરેલી કાર્યકર્તા છું. મને કોઇના તરફે નારાજગી નથી. ફરી એક વખત કહું મોદી સાહેબ મારા આદર્શ છે.જણાવે છે કે, પરંતુ આ બેનને ત્રીજી ટર્મમાં ટીકીટ આપવામાં એવી તો કઇ અનિવાર્યતા છે, એવું તો તમને વડોદરા પાસે શું જોઇએ છે કે તમે આને આ જ ઝંખો છે. વ્યક્તિ તરીકે હું કોઇની વિરૂદ્ધ નથી. મારે પુછવું છે કે, ત્રણ ત્રણ ટર્મ સુધી આપણે સ્ત્રી હઠને માની લેવી પડે. હું પણ સ્ત્રી છું. મેં 28 – 30 વર્ષ સુધી ભાજપનું નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કર્યું છે. મારા મેયર તરીકેના કાર્યકાળમાં કરપ્શન ન કરવું જોઇએ તેવી માન્યતા લઇને નિકળી અને તેને વળગી રહી.આજે વડોદરાને તમે બધા ઝંખો છો તે આગ મારામાં પણ છે. હું લાયક છું. મારી પબ્લીક લાઇફ 30 વર્ષથી સક્રિય છે. મેયર સહિત વિવિધ જગ્યાઓ પર કામ કર્યું છે. હું દરરોજ શીખું છું. મારે નિષ્ઠાથી કામ કરતી પાર્ટીના લોકોને આવી રીતે જબરદસ્તી ન થાય, તેમના માથે લાવીને ન મુકી દેવાય તે માટે મારે વિસલબ્લોઅર બનવું છે. મને ખબર છે કે આ એક રાજકીય સુસ્યાઇડ છે. અત્યારે ભાજપનો તપતો સુરજ છે. સામે લોકો લડવાની ના પાડે ત્યારે હું છોડી રહી છું. હજુ સુધી હું સામે કોઈ પાર્ટીમાંથી કે અપક્ષ ચૂંટણી લડીશ કે કેમ તે નહિ કહી શકું પરંતુ મારી ઉમેદવાર સામે સ્પષ્ટ નારાજગી છે.
કોણ છે ડો. જ્યોતિ પંડ્યા ?
ડો. જ્યોતિબહેન પંડ્યા વડોદરાના પૂર્વ મેયર રહી ચુક્યા છે. ઉપરાંત તેઓ મહિલામોર્ચાનાં પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ હાલમાં મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અને ભાજપાના મધ્ય ઝોનના પ્રવક્તા તરીકે પણ સેવા આપી રહ્યા હતા. તેઓ પાંચ વાગે પત્રકાર પરિષદ યોજી આક્ષેપબાજી કરવાના હતા તે પૂર્વે જ 4.30 કલાકે તેઓને તમામ હોદ્દાઓ અને સામાન્ય સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
અમે સમજાવવાના પ્રયાસ કર્યો પણ તેઓ ન માન્યા
શીર્ષ નેતૃત્વએ જે નિર્ણય લીધો છે તે તમામ કાર્યકરોને શિરોમાન્ય હોવો જોઈએ. વડોદરા એ સૌથી સેફ સીટ માનવામાં આવે છે જેથી તમામને તેના ઉપરથી લડવાની ઈચ્છા હોય. આ વખતે 19 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ પસંદગી એકની થઇ છે. ત્યારે ડો. જ્યોતિબહેન પંડ્યાની રજૂઆત અમને મળી હતી તેઓને સમજાવવાના પ્રયાસો કરાયા હતા પરંતુ તેઓ ન માન્યા. કોઈના ઉપર પણ આક્ષેપ કરવા એ સહેલા છે. તેઓએ સાંસદ ઉપર આક્ષેપ કર્યા છે તો તેઓ પાસે પુરાવા હશે. અને વિકાસ અંગેની ટકોર મુખ્યમંત્રીએ પણ કરી છે અમે એના ઉપર ધ્યાન રાખી રહ્યા છે. – ડો. વિજય શાહ, પ્રમુખ, શહેર ભાજપા