- સતત ત્રીજી વખત ચૂંટણી જંગમાં ઝંપલાવશે
- ગત ટર્મમાં 5,89,000 થી વધુ મતોથી જીત મેળવી હતી
લોકસભાની ચૂંટણી માટે ભાજપાએ બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની સાત બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં વડોદરામાંથી પુનઃ એક વાર રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. રંજનબહેન ભટ્ટ સતત ત્રીજી વખત ચૂંટણી જંગ ઝમ્પલાવી ગત ટર્મ કરતા પણ વધુ લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી થોડા જ દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારે ભાજપા દ્વારા બુધવારે સાંજે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં દેશના કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં વડોદરા બેઠક ઉપરથી રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પસંદ કર્યા બાદ પેટા ચૂંટણીમાં રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી. અને ત્યાર બાદ 2019 માં પણ તેઓને રિપીટ કરાતા તેઓ 5,89,000 થી વધુ મતોથી વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતે પુનઃ એક વખત પક્ષે તેઓને ટિકિટ આપતા શુભેચ્છકો તેઓના નિવાસસ્થાને શુભકામનાઓ પાઠવવા પહોંચી ગયા હતા. અને તેઓનું મોં મીઠું કરાવ્યું હતું. સાંસદ રંજનબહેન ભટ્ટના નિવાસસ્થાને આગેવાનોનો જમાવડો જોવા મળ્યો હતો.
એરપોર્ટ અને હાઈવેના અધૂરા કામોને પ્રાથમિકતા
રંજબહેન ભટ્ટે જણાવ્યું હતું કે પક્ષે મારા ઉપર વિશ્વાસ મુક્યો છે તે બાદલ પક્ષનો આભાર. વડોદરામાં હાલ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે પરંતુ હજુ ફલાઇટ શરુ નથી થઇ આ ઉપરાંત નેશનલ હાઇવે ઉપર સાંકળા નાળા પહોળા કરવા ઉપરાંત છાની અંડર પાસનું કામ અધૂરું છે જેને જીત્યા બાદ પ્રાથમિકતા આપી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરાવીશ. અને ત્યાર બાદ શહેરના વિકાસના કામો ઉપર પણ પ્રાથમિકતા રહેશે.