Vadodara

ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી

વડોદરાના રસ્તાઓ બિસમાર, નાગરિકો હેરાન—અને ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં રચ્યા પચ્યા
અમી રાવતનો મેયરને કડક પત્ર—“ખાતમુહૂર્તના બહાને કામો અટકાવવાનું બંધ કરો, નહીં તો નાગરિકો સાથે મળીને અમે જાતે ખાતમુહૂર્ત કરી દેશું.”

વડોદરા: વડોદરા શહેરના 32 રસ્તાના કામો માટે વર્કઓર્ડર 10 મહિના પહેલા જારી થયા છતાં, આજે સુધી એક પણ કામનું ખાતમુહૂર્ત થયુ નથી. શહેરની તોડફોડ જેવી હાલત વચ્ચે, નાગરિકો રોજ બિસમાર રસ્તાઓ અને ડ્રેનેજની સમસ્યાઓમાં પીસાઈ રહ્યા છે—પરંતુ સત્તાધારી ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમો, ડાયરા, ગરબા અને એકતાયાત્રાના નાચગાનમાં મસ્ત છે, એવો કોંગ્રેસ નેતા અમી રાવતે મેયરને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસ નેતા અમી રાવતે મેયર પિંકીબેન સોનીને કડક શબ્દોમાં લખ્યું છે કે “પ્રજાના કામોના ઉદઘાટન માટે ભાજપના નેતાઓ પાસે ટાઇમ જ નથી! શહેરની હાલત બગડે તે અંગે કોઈને કાળજું નથી.”રાવતે આરોપ મૂક્યો છે કે ખાતમુહૂર્તમાં ઇરાદાપૂર્વકના વિલંબ પાછળ ભ્રષ્ટાચારની સંભાવના છે. તેમણે ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો કે “શું કામો મોડા કરીને ઇજારદારોને ભાવ વધારો અપાવવાનો ધંધો ચાલી રહ્યો છે? શું ખાતમુહૂર્તનુંબહાનું બનાવી ભ્રષ્ટાચારને રસ્તો ખોલવામાં આવી રહ્યો છે?”

રાવતનો આરોપ છે કે—પહેલા એપ્રુવલ લો,પછી વર્કઓર્ડર આપો
અને પછી 2–3 મહિના ખાતમુહર્ત અટકાવી દો.બીએથી કામ મોડું થાય, ભાવવધારો મળે અને ઇજારદારોને ફાયદો મળે—આ “સુવ્યવસ્થિત સિસ્ટમ” વડોદરામાં ચાલે છે.
આ વચ્ચે, નાગરિકો માટે પરિસ્થિતિ અસહ્ય બની છે. શહેરના રસ્તાઓ વરસાદ અને ડ્રેનેજના કામોથી બગડી ગયા છે, પણ સરકાર “આંખ મીંચીને” બેઠી છે.

અમી રાવતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, “જો તાત્કાલિક ખાતમુહર્ત કરીને કામો શરૂ નહીં કરો, તો નાગરિકો સાથે મળીને અમે પોતે ખાતમુહૂર્ત કરી દેશું. પ્રજાને વધુ હેરાન કરશો નહીં.”

Most Popular

To Top