ભરૂચ: ભરૂચના કતોપર દરવાજા પાસે એક દુકાન પાસે હોર્ન વગાડવા બાબતે ત્રણ ઈસમોએ એક યુવાનને ઢોર માર માર્યો હતો. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ભરૂચની જુમ્મા મસ્જિદ પાસે હાજીપીર કિરમાની પાસે રહેતો મહંમદ અનસ અબ્દુલ રકીબ શેખ પોતાની બાઈક લઇ વસંત મિલના ઢાળ પાસે તેના પિતાને લેવા ગયો હતો. એ વેળા કતોપર દરવાજા પાસે સોડાની દુકાન નજીક કોઠી રોડ તરફથી બાઈક પર ટ્રિપલ સીટ આવતા સની ચાલુ ગાડી ઉપર ફોન પર વાત કરતો હતો, જેનું માર્ગ ઉપર ધ્યાન નહીં હોવાથી અનસ શેખે હોર્ન વગાડતાં શનિ અને તેના મિત્રો અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો ઉચ્ચારી ઢોરમાર માર્યો હતો. તેમજ મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. સમગ્ર ઘટના અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજની વચ્ચે બે બાઇક અથડાતાં 5 પટકાયા, એક યુવકનું મોત
અંકલેશ્વર, ભરૂચ: દિવાળી પર્વે બપોરના સમયે 2 મોટરસાઇકલ ચાલકો પૂરઝડપે ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગોલ્ડન બ્રિજની વચ્ચે બંને મોટરસાઇકલ સામસામે અથડાતાં 5 લોકો રોડ ઉપર પટકાયા હતા, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે 4 લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નવજીવન સ્કૂલ નજીક રહેતા મહેન્દ્ર વસાવા અને વિશાલ વસાવા અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર તરફથી પૂરઝડપે મોટરસાઇકલ પર 3 સવારીમાં સવાર મુગેશ પટેલ, વિશાલ વસાવા અને અક્ષિત વસાવાની મોટરસાઇકલ સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાતાં બંને મોટરસાઇલના ચાલકો અને સવારો ગોલ્ડન બ્રિજમાં રોડ ઉપર પટકાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા 24 વર્ષીય અક્ષિત વસાવાનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર વિનાનો થયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં સમાન અંતરે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવતાં નર્મદા મૈયા બ્રિજ વાહનોથી ધમધમતો થતા જ ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર વિનાનો થયો છે. જેના કારણે કેટલાય ટુ વ્હીલર વાહનચાલકો પોતાનું વાહન ગોલ્ડન બ્રિજમાંથી પૂરપાટ ઝડપે હંકારીને પસાર થતા હોય છે. જેના પગલે અકસ્માતોની ઘટના થઈ રહી છે. ત્યારે નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત હોય તો ગોલ્ડન બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.