Columns

ભરત દવેની વિરલ અધ્યયન દૃષ્ટિના પરિણામરૂપ
‘બૃહદ નાટ્‌યકોશ : ભારતીય રંગભૂમિ’

1960 પછીના ત્રણ દાયકામાં ભારતના વિવિધ રાજયોમાં યા ભાષામાં એવા કેટલાક નાટકો થયા જે ‘રાષ્ટ્રીય ભંગભૂમિ’ના નાટકોની ઓળખ પામ્યા. આ નાટકોના કથાવસ્તુ એવા હતા, જે રાષ્ટ્રના બધા પ્રદેશ, ભાષા સાથે સંદર્ભ ધરાવતા હોય. એ નાટકો ‘મહાભારત’ આધારિત યા ઇતિહાસ યા સાહિત્ય સમાજના સર્વસ્પર્શી ચરિત્રો આધારિત હોય. આ નાટકો એ રીતે પણ રાષ્ટ્રીય યા ભારતીય બન્યાં હતા કે તેની ભજવણીની શૈલીમાં જે તે ભારતીય પ્રદેશ રાજયના લોક નાટ્‌યના તત્વો ભળેલા હતા. આ આપણી ભારતીયપણાની શોધ હતી અને તે કારણે શંભુ મિત્ર, હબીબ તનવીર, ઇબ્રાહીમ અલ્કાઝી, B.V. કારંભ, જબ્બાર પટેલ, વિજયા મહેતા, સત્યદવે દુબે વગેરેએ ભજવેલા નાટકો રાષ્ટ્રવ્યાપી ઓળખ પામ્યાં અને વિદેશમાં પણ ‘ભારતીય નાટક’ તરીકે અનેક ઉત્સવોમાં સ્થાન પામ્યા. આ પ્રકારના નાટક સર્જવા માટે અલબત્ત ભારતીય કથાવસ્તુની અને ભજવણીની ભારતીય પરંપરાઓની શોધ અને અધ્યયન હોવા જોઇએ. આપણે ત્યાં દીના પાઠક – જયશંકર સુંદરીએ ‘મેના ગુર્જરી’ ભજવેલું એ આ દિશા શોધનું જ મનોહારી પરિણામ હતું.

હમણાં ભરત દવેના ઊંડા સુદીર્ઘ અધ્યયન, અભ્યાસના પરિપાકરૂપ ‘બૃહદ નાટ્‌યકોશ : ભારતીય રંગભૂમિ’ના 2 ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટએ પ્રગટ કર્યા છે. આપણા નાટ્‌યલેખકો, દિગ્દર્શકો, અભિનેતાઓ અને રંગભૂમિ જ નહીં, ભારતની વૈવિધ્યશાળી નાટ્‌ય પરંપરામાં રસ ધરાવનારા સહુએ આ ગ્રંથ અનિવાર્યપણે વસાવવા – વાંચવા જેવો છે. ભરત દવે આમ તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રશિક્ષિત અભિનેતા, દિગ્દર્શક, મંચ – સંયોજક હતા પણ તેમના જીવનમાં એવા વર્ષો આવ્યા છે, તેઓ ઘરબહાર બહુ નીકળી ન શકે. તેમણે આ સમયનો ઉપયોગ નાટ્‌ય વિષયક અનેક ગ્રંથોના વિતાવવો પસંદ કર્યો. ગુજરાતના નાટ્‌ય વિષયક સાહિત્યને તેમણે જે આ કારણે સમૃધ્ધિ બક્ષી તે અત્યંત ઉપયોગી અને અવિસ્મરણીય છે.

‘ભારતીય રંગભૂમિ’ના આ 2 ખંડ તો ગુજરાતી નાટ્‌ય વિષયક સાહિત્યમાં કયારેય વિચારાયું નહોતું એવું ઉમેરણ છે. આવા પ્રકારના બૃહદ નાટ્‌યકોશ ત્યારે ય શકય છે, જ્યારે ભારતની સંસ્કૃત, લોક અને આધુનિક નાટ્‌ય પરંપરા અને તેના કાર્યનું અધ્યયન ધરાવતા હોય. ભરત દવે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં હતા એટલે ભારતની અનેક લોક નાટ્‌ય પરંપરાને સમન્વયે રચાયેલા નાટકો જોયેલા. પોતે અમુકના અભિનેતા પણ રહેલા અને અભ્યાસ, અધ્યયન તો તેમની રુચિવૃત્તિના પરિઘમાં જ હતા. અગાઉ કપિલા વાત્સ્યાયને ‘ટ્રેડીશનલ ઇન્ડિયન થિયેટર : મલ્ટીપલ સ્ટ્રીમ્સ’ નામે ગ્રંથ આપ્યો હતો પણ ભરત દવેનો ‘બૃહદ નાટ્‌યકોશ’ તેનાથી અનેક રીતે વિસ્તરેલો છે.

એવું કહી શકાય કે હવે આ ગ્રંથ ભારતની અન્ય ભાષામાં અનુવાદિત થવો જોઇએ. આ ગ્રંથનું મહત્વ એ કારણે પણ છે કે આરંભે નિવેદન, પ્રસ્તાવના, ઉપોદ્‌ઘાત રૂપે જે લખાયું છે તે સ્વતંત્રતા પછીની રંગભૂમિની પ્રવૃત્તિએ જે શોધ આરંભી હતી, તેનો સંદર્ભ રચી આપણી લોકનાટ્‌ય પરંપરાઓનું પ્રસ્તુતિ મૂલ્ય સમજાવે છે. ડો. મહેશ ચંપકલાલ લખે છે કે ‘’ભરત મુનિએ પ્રયોજેલી ‘નાટ્‌ય’ સંજ્ઞા અનેક રીતે વિશિષ્ટ છે. તેમાં કેવળ નાટક નહીં, પરંતુ સંગીત અને નૃત્યનો પણ સમાવેશ થાય છે.’’ એટલું લખ્યા પછી અન્ય વિગતો બાદ લખે છે કે ‘ભરત દવેના 2 દળદાર ગ્રંથોમાં ભારતના પ્રત્યેક પ્રાંતમાં પ્રચલિત, અતિખ્યાત અને અલ્પખ્યાત એવા તમામ પારંપરિક નાટ્‌ય સ્વરૂપોની તલસ્પર્શી અને સચિત્ર ગવેષણા થઇ છે, જે તેની આગવી વિશેષતા છે! તેમાં આખા ગ્રંથની સામગ્રીનું વિગત અને પૃથ્થકરણ સાથે મહત્વ સમજાવ્યું છે.’

ભરત દવેની પ્રસ્તાવના આખા ગ્રંથની સામગ્રીનો ‘ભારતીય રંગભૂમિ’ના સંદર્ભમાં અર્થ સપડાવી આપે છે. તેઓ લખે છે, ‘ભારતીય રંગભૂમિ’ એટલે કોઇ એક પ્રકારની રંગભૂમિ નહીં પણ ભારતના તમામ રાજ્યોમાં પ્રચલિત જુદા જુદા શૈલી – સ્વરૂપની રંગભૂમિનો સમૂહ.’ તેમનું બીજું મહત્વનું નિરીક્ષણ તેની સાથે જ જોડે છે, ‘બ્રિટનના ઇંગ્લિશ થિયેટર, જર્મનીના જર્મન થિયેટર કે ગ્રીસના ગ્રીક થિયેટરની જેમ ઇન્ડિયન થિયેટર એક જાતીય નથી. પશ્ચિમની જેમ ભારતમાં કોઇ એક ભાષાનું નેશનલ થિયેટર નથી.’ તેઓ આધુનિક નાટકો સામે લોકનાટયોનો ય મહિમા સમજાવે છે કે ‘શહેરી નાટકોમાં લોકનાટ્‌યો જેવા ગીતો, નૃત્યો કે પચરંગી વેશભૂષા નથી અથવા ગ્રામપ્રેક્ષકોને લોભાવનારો કલાકસબ નથી. શહેરી નાટકોમાં બોલાતી શિક્ષિતોની ભાષા પણ લોકનાટ્‌યોમાં બોલાતી લોકબોલી કરતા ઘણી જુદી છે.’

પ્રસ્તાવના વાંચતાં થશે કે ભરત દવે ભારતીય રંગભૂમિને તેના વ્યાપક સંદર્ભો સાથે ઓળખાવી શકે છે અને એટલે જ ભારતના રાજય, પ્રદેશની રંગભૂમિ અહીં માત્ર માહિતી બનીને રહી જતી નથી. તેમણે આરંભે ‘ભારતમાં રંગભૂમિનો વિકાસ’ લેખ વડે હજારો વર્ષની પરંપરા અને રાજકીય, સામાજીક સંજોગો બદલાતા એક સમૃધ્ધ પરંપરા કેવી કેવી રીતે લુપ્ત થવા જાય, ત્યારે લોકમન ઝીલી લે તેની વાત કરે છે. તેઓ કહે છે કે ‘ભારતમાં કલાસિકલ થિયેટરની જોડે જોડે જ લોકનાટ્‌ય રંગભૂમિ પણ વિકસી છે. પણ તે પહેલા એક મહત્વનું નિરીક્ષણ નોંધે છે, ‘માલવિકાગ્નિમિત્ર’ અને ‘ઉરુભંગ’ જેવા સંસ્કૃત નાટકો આખાય દેશમાં કેટલાય પ્રસિધ્ધ દિગ્દર્શકોના દિગ્દર્શન હેઠળ ભજવાયાં છે. આ બધી આધુનિક ભજવણીમાં એક કરતા અધિક લોકનાટ્‌ય રંગભૂમિના ઘટકો, શૈલી, સ્વરૂપો, ગીત – સંગીત અને અવનવી તરકીબો ઉપયોગમાં લેવાતા રહ્યાં છે અને આ મુકત, ખુલ્લા દૃષ્ટિકોણ અને માવજતને કારણે જ આમાંના કેટલાય નાટકો રંગમંચના ઇતિહાસમાં સીમાવર્તી છાપ છોડી શકયા છે.’

અહીં એવા ઘણા મુદ્દા સ્મરી શકાય. તેમણે સંસ્કૃત નાટકોનું સમાજ જતા શું થયું તેની વિગતે વાત કરી છે અને એ બધુ કરતી વેળા આપણે ‘પ્રોસેનિયમ થિયેટર’ અપનાવતા જે ગુમાવ્યું તે મુદ્દાની ધાર કાઢે છે. ગ્રંથ 2 ખંડમાં વિભાજીત છે પણ બંને ખંડ અત્યંત સમૃધ્ધ છે. પહેલા ખંડમાં સંસ્કૃત પ્રશિષ્ટ રંગભૂમિને એકથી વધુ રીતે ને સંસ્કૃત નાટકના મહાન લેખકોની કૃતિગત ઓળખ આપવા સાથે જ તેની આધુનિક ભજવણીઓ સુધી વિસ્તરે છે. ત્યાર પછી ભારતના પ્રાદેશિક લોકનાટ્‌યો શું છે તે અત્યંત સઘન રીતે ઓળખાવે છે ને પછી દેશમાં જે જે રાજયોના લોકનાટ્‌ય વધુ સમૃધ્ધ છે, તેનો ક્રમ સ્થાપી બંગાળની લોકનાટ્‌ય રંગભૂમિ, ઓડિશાની રંગભૂમિ, બિહારના લોકનાટ્‌યો, ઉત્તર ભારતીય લોકનાટ્‌યો, ઉત્તરાખંડના લોકનાટ્‌યો, હિમાચલ પ્રદેશની લોક કલાઓ, પંજાબની લોકકલાઓ, હરિયાણાની પારંપરિક રંગભૂમિ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના લોકનાટ્‌યો, રાજસ્થાનના લોકનાટ્‌યો, ગુજરાતના લોકનાટ્‌યો, મહારાષ્ટ્રના લોકનાટ્‌યો અને ગોવા – દીવ – દમણની લોકકલાઓને તેમણે તેની સૂક્ષ્મતા સાથે આલેખી આપી છે.

એ દરેક લોકનાટ્‌ય અને લોકકલાની વિલક્ષણતા ને વિશેષતાઓ સ્પષ્ટ કરવા સાથે ભારતભરના લોકનાટ્‌યમાં જે કેટલીક સમાનતાઓ છે તે પણ નોંધી આપે છે. આમાંના કયા લોકનાટ્‌યો હજુ જીવંત છે અને કયા નિકંદન સુધી પહોંચી ગયા છે તેની પણ વિગત અહીં મળશે. એ લોકનાટ્‌યમાં પ્રયોજાતા સંગીતમાં જે વાદ્ય વૈવિધ્ય છે, મહોરા અને વેશ – રંગનું વૈવિધ્ય છે તે પણ તેઓ નોંધે છે. લોકનાટ્‌યોમાં નૃત્યમાં જે અપાર વૈવિધ્ય છે તે તો તમે રસપૂર્વક આ ગ્રંથમાંથી પસાર થાઓ તો જ સવિસ્મય પામશો. આ ગ્રંથની અન્ય એક વિશેષ બાબત છે કે લોકનાટ્‌ય નૃત્યની છબીઓ કલરફૂલ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ભરત દવેના ગ્રંથની સામગ્રી શું છે? તેનું મહત્વ શું છે તે સમજીને ગ્રંથ સંયોજન કર્યું છે.

સારા કાગળ પર વાંચી શકાય એવા ફોન્ટ ને ફોન્ટ સાઇઝમાં સામગ્રીને મુદ્રિત કરે છે. પહેલા ગ્રંથની પૃષ્ઠ સંખ્યા 304 છે. જો તમે ભારતીય રંગભૂમિને સમજવા માંગતા હો તો આ અધ્યયનપરક ગ્રંથમાંથી પસાર થવું અનિવાર્ય છે. આપણા નાટ્‌યકર્મીઓ પોતે જે પ્રકારના નાટકો કરે છે, તેનું તુલનાત્મક પૃથ્થકરણ પણ જો ધારે તો કરી શકશે ને તેની વિશેષતા – મર્યાદા સ્પષ્ટ થશે. ગુજરાત ‘આગ્રા બજાર’, ‘ચરણદાસ ચોર’, ‘ધાસીરામ કોતવાલ’, ‘તુગલક’, ‘આષાઢ કા એક દિન’, ‘હયવદન’, ‘અંધાયુગ’ પ્રકારના નાટકો સર્જી શકયું નથી. આ નાટકો ભારતભરના પ્રેક્ષકોએ અપનાવેલા ને વિદેશમાં ‘ભારતીય નાટક’ તરીકે પ્રતિષ્ઠા પામેલા. એવા નાટ્‌યકાર્ય કરવા માટે ભરત દવેના આ ગ્રંથના બંને ખંડ મહત્વના છે.
(બીજા ખંડની વાત આવતા રવિવારે)
‘બૃહદ નાટ્‌યકોશ : ભારતીય રંગભૂમિ’, લેખક : ભરત દવે, “ 1500, પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટી પાસે, ઉસ્માનપુરા, અમદાવાદ – 380013.

Most Popular

To Top