આણંદ : આણંદ અને નડિયાદમાં રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 હજાર ઉપરાંત ઉમેદવારો બન્ને જિલ્લામાં નોંધાયાં હતાં. જોકે, આ પરીક્ષા પધ્ધતિ પરથી ઉમેદવારોનો વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ આણંદ જિલ્લામાં 22 હજાર ઉમેદવારમાંથી માત્ર સાડા આઠ હજાર ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. જ્યારે નડિયાદમાં 18 હજાર ઉમેદવારમાંથી માત્ર 7200 જ ઉમેદવાર હાજર રહ્યાં હતાં.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આણંદ શહેર જિલ્લાના 61 કેન્દ્રો પર યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે કલેકટર ડી.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના રાહબરી હેઠળ શહેર જિલ્લામાં અસરકારક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
આણંદ શહેર અને જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 22,290 ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 8509 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે 13,781 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત ખેડા જિલ્લામાં 18,810 ઉમેદવારો નોંધાયાં હતાં. જેમાંથી 7200 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ બન્ને જિલ્લામાં અડધા ઉપરાંત ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં. અલબત્ત, ઉમેદવારો કોઈપણ જાતની ગેરરીતિ વિના અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા સુચારુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
એટલું જ નહિ ઉમેદવારોને હેલ્પ લાઈન દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. હેલ્પ લાઇન ઉપર શનિવારે અને રવિવારે 15 જેટલા કોલ્સ મળ્યા હતાં. આણંદ જિલ્લામાં 61 કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓની મદદ માટે મહીસાગર પોલીસનો સંવેદનશીલ અભિગમ
મહીસાગર જિલ્લામાં 52 પરીક્ષા કેન્દ્રો ઉપર 20,130 ઉમેદવારો માટે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર પોલીસ તંત્ર દ્વારા ખડેપગે રહી અન્ય જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓને પોલીસ સહાયરૂપ બની હતી. પોલીસ દ્વારા સંવેદનશીલ માનવીય અભિગમ અપનાવી જૂનિયર ક્લાર્કના જરૂરિયાતમંદ પરીક્ષાર્થીઓને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં મદદ કરવામાં આવી હતી. તો કેટલાક ઉમેદવારોના આધારકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો રહી ગયા હોય તેવા ઉમેદવારોને પોલીસે સેન્ટર પર જઇ કઢાવી સહાય કરી હતી તથા એક ઉમેદવારનું પાકીટ ખોવાઈ ગયું હતું. તેને પણ પોલીસની મદદ મળી હતી.
પેપર ફુટવા, ડમી ઉમેદવાર સહિતની બાબતોથી હાજરી પર અસર
આણંદ, ખેડા જિલ્લામાં જુનિયર કલાર્કની પરીક્ષામાં અડધા ઉપરાંત પરીક્ષાર્થી ગેરહાજર રહ્યાં હતાં. જોકે, આ ગેરહાજરી પાછળ ભરતી બોર્ડ દ્વારા થતાં વારંવારના છબરડાં કારણભુત હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી પેપર ફુટવાને લઇ આમ પણ ઉમેદવારોમાં નારાજગી હતી. તેમાંય હાલમાં ડમી ઉમેદવારને લઇ પણ વિવાદ ઉભો થયો હતો. આ તમામ બાબતોની અસર હાજરી પર જોવા મળી છે.