આમ તો પાંચ વર્ષની વયે જ બાળકને શાળામાં મૂકવાની હિમાયત છે. પણ હિમાકત કરીને શહેરોમાં વાલીઓ બાળકને બે વર્ષની વય પછી બાલવાડી, આંગણવાડી, પ્લેગ્રુપમાં ધકેલી દેવા તત્પર રહે છે. પૂર્વપ્રાથમિક શાળાઓ ઇચ્છનીય નથી, છતાં ધમધોકાર ચાલે છે, વળી માતૃભાષા, રાષ્ટ્રભાષા, ધાર્મિક શિક્ષણ, અંગ્રેજી એમ અનેક પ્રકારનો ભાર બાળક પર ઝીંકાવા માંડે છે. કશાયે બોજા વગર મુકત રીતે બાળવિકાસ થાય. તે કોરી કલ્પના બની જાય છે. સરકારી શાળાઓમાં ભલે શિક્ષણ મફત મળે પણ ત્યાંની કથળેલી પરિસ્થિતિ સુવિદિત છે. ઉજજવળ ભવિષ્ય માટે બાળકોને અદ્યતન સુવિધાસજજ મોંઘી ખાનગી શાળાઓ આકર્ષે છે, જાહેરખબરોથી જાણે વ્યાવસાયિક માર્કેટીંગનો પ્રચાર થાય છે.
ગરીબ- મધ્યમ વર્ગના માબાપને માથે આર્થિક બોજનો પહાડ તૂટી પડે છે. આજે ગિજુભાઇ બધેકા અને ટાગોર જેવા સાચા માર્ગદર્શકો રહ્યા નથી. બાળમજૂરની જેમ નાના બાળકની પીઠ પર લદાયેલી પુસ્તકોની બેગના વજનથી બાળક બેવડ વળી જાય છે. બાળકમાં શિક્ષણ પ્રત્યે એક પ્રકારની અરુચિ પણ જન્મે છે. કેન્દ્રના શિક્ષણમંત્રાલયે એન.સી.ઇ.આર.ટી.ના વિવિધ સર્વેના આધારે સ્કૂલબેગ પોલિસી-2020’ ઘડી છે, તેમાં સ્કૂલબેગના વજનને શ્રેણી મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. ખરેખર તો અભ્યાસલક્ષી પુસ્તકોને શાળામાં મૂકી શકાય એ માટે લોકરની સુવિધા હોવી જોઇએ.
ભણતરનો માનસિક બોજો શી રીતે ઘટાડવો તેનો સાચો ઉપાય હજી આવ્યો નથી. પાઠયપુસ્તકિય શિક્ષણની યાંત્રિકતામાંથી બહાર નીકળવા માટે ‘ભાર વિનાના ભણતર’નો વિચાર ચાલી રહ્યો છે. જેમાં ‘ભાર’નો અર્થ પુસ્તકોનું સ્થૂળ વજન નહીં પણ ભણતરનો માનસિક બોજ માનવું જ યોગ્ય છે. શિક્ષકોને માથે ગમે તે રીતે અભ્યાસક્રમ પૂરો કરાવવાની ફરજનો બોજ હોય છે. શિક્ષકોને શિક્ષણ સિવાયનાં કામોમાં સરકાર ફરજિયાત પણ જોતરાયેલા રાખે છે તેનાથી શિક્ષણકાર્યને ભારે હાનિ પહોંચે છે. વિદ્યાભ્યાસને અંતે વિદ્યાર્થી આત્મનિર્ભર થવાને બદલે દિશાહીન અને બેરોજગાર બને ત્યારે સામાજિક, કૌટુંબિક જવાબદારીનો વધારાનો ભાર લદાય છે. ભણતર સાથે ગણતરનો અભાવ નડે છે. ભણતર કદી પણ વિદ્યાર્થી માટે, તેના માબપ કે વાલી માટે, સમાજ માટે કે દેશ માટે ભારરૂપ નહીં બને તેની કાળજી લેવાની આવશ્યકતા છે.
સુરત -યૂસુફ એમ. ગુજરાતી