ડભોઇ: ભગવાન પરશુરામજીની જન્મ જયંતી નિમિતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાની અધ્યક્ષતામાં ડભોઇ નગરમાં ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

દર્ભાવતી નગરી એ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે અને સાથે જ એક ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે. સંસ્કૃતિને આગળ વધારતા ડભોઇ નગર માં તહેવારો ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે. આજ રોજ વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજી જન્મોત્સવને લઇને હિન્દૂ નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દર વર્ષની જેમાં આ વર્ષે પણ ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિતે દર્ભાવતી ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ ડભોઇ શહેર તેમજ તાલુકાના હિન્દૂ યુવાનો દ્વારા ડભોઇ શહેર ખાતે “ભવ્ય શોભાયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન પરશુરામજીની શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ આયુષ સોસાયટી નર્મદેશ્વર મહાદેવ મંદિરે થી નીકળી હતી ત્યારે ઠેર ઠેર હિન્દુ યુવાનો તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાન પરશુરામ દાદાને પુષ્પગુચ્છ તેમજ હાર પહેરાવી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા નગરના ટાવર ચોક થઈ લાલ બઝાર,જૈન વાગા થી પસાર થઈ ટાવર ચોક પાસે આવેલ રામજી મંદિરે આરતી કરી પુર્ણાહુતી કરી હતી. આ સાથે જ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકી હુમલા અંગે દર્ભાવતી (ડભોઇ)ના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું કે આતંકવાદીઓનો હુમલો સમસ્ત હિન્દુ સમાજ પર વજ્રઘાત સમાન હુમલો છે. ઘટનાને નિઃશબ્દ વિરોધ દર્શાવવા શોભાયાત્રામાં આવેલ દરેક વ્યક્તિ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ડભોઇ શહેર અને તાલુકાના તમામ હિન્દુઓ અને સનાતન પ્રેમીઓને ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.અને પરશુરામ જયંતિ ની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતા,સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી,પ્રજાપિતા ઇશ્વરીય બ્રહ્મ કુમારી બહેનો, પાલિકા પ્રમુખ, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઇ પ્રમુખ શશીકાંતભાઈ પટેલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો ભગવાન પરશુરામ દાદા ની શોભાયાત્રામાં જોડાયા હતા.