Business

“બ્લોક નહીં, પહેલા ગટર આપો!” – વોર્ડ-10માં 35 વર્ષની પીડાનો રોષ ફાટ્યો, નેતાઓને વિસ્તારમાં ન ઘૂસવા દેવાની ચીમકી

તંત્રનો અજીબ તર્ક: ગટરની ગંદકી વચ્ચે પેવર બ્લોકનો દેખાડો કરવા જતાં પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો સામે જનતાનો જોરદાર વિરોધ

વડોદરા: શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ ઇએસઆઇ હોસ્પિટલની સામેના કંચનલાલના ભઠ્ઠા વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ગંભીર નાગરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં વર્ષો જૂની ગટર અને પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાને બદલે માત્ર દેખાડો કરવામાં રસ દાખવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા 30 થી 35 વર્ષથી ગટર લાઈનની યોગ્ય સુવિધા નથી. ગટરના પાણી અવારનવાર ઉભરાય છે, જેના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. આ ઉપરાંત, પીવાનું પાણી પણ ગંદુ અને ડોહળું આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. રહીશોએ છેલ્લા ચાર મહિનાથી અનેકવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

હાલમાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જોકે, સ્થાનિકોએ આ કામગીરીનો સખત વિરોધ કર્યો છે. રહીશોનું કહેવું છે કે, “અમને પેવર બ્લોકની જરૂર નથી, પહેલા અમારી ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા પૂરી કરો”. સ્થાનિકોને એવો ડર છે કે જો એકવાર બ્લોક નંખાઈ જશે, તો ગટરની નવી લાઈન નાખવાનું કામ ખોરંભે પડી જશે.
વિસ્તારના રહીશોએ કોર્પોરેટર લીલાબેન મકવાણા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે સમસ્યાની રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સંતોષકારક જવાબ મળવાને બદલે કેટલીકવાર ધમકીભર્યા સૂરો સાંભળવા મળે છે. કોંગ્રેસના વોર્ડ નંબર 10 ના પ્રમુખ હાર્દિક કામોદિયાની હાજરીમાં લોકોએ મીડિયા સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ગટર અને પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં નેતાઓને વિસ્તારમાં પ્રવેશવા દેશે નહીં.

Most Popular

To Top