ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં આજે રવિવારે સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં કુતૂહલ સાથે ગભરાટ ફેલાયો હતો. સવારે ૧૦:૩૪ વાગ્યે આવેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૭ નોંધાઈ હતી.જેનું કેન્દ્રબિંદુ ગોધરા શહેરથી આશરે ૧૭ કિલોમીટર ઉત્તર દિશામાં હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આ ઘટના અંગે ગુજરાત મિત્રના પ્રતિનિધિ આશિષ બારીઆએ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના હેલ્પલાઇન નંબર પર ટેલિફોનિક વાતચીત કરીને આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે.
આ આંચકાની સૌથી વધુ અસર ગોધરા તાલુકાના પઢીયાર અને વેલવડ સહિતના ગામોમાં વર્તાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આંચકો અનુભવાતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું હતું કે જાણે કોઈ નજીકના કૂવામાં બૉમ્બ ફોડવામાં આવ્યો હોય. આ અજાણી ધ્રુજારીનો અહેસાસ થતા જ ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જે લોકો તે સમયે જમીન પર બેઠેલા હતા તેમને આ આંચકો સ્પષ્ટપણે અનુભવાયો હતો અને મકાનોના છાપરાના પતરા તેમજ ઘરમાં રહેલા વાસણો પણ હલવા લાગ્યા હતા, જોકે ઊભા રહેલા કે મુસાફરી કરી રહેલા લોકોને આ હિલચાલની કોઈ અસર જણાઈ નહોતી. રાહતની વાત એ છે કે આ ૨.૭ની તીવ્રતાના હળવા આંચકાને કારણે સમગ્ર જિલ્લામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
રિપોર્ટર: આશિષ બારીયા