“બ્રહ્માકુમારીઝ અટલાદરા : જ્યાં સંગીત ભક્તિ બને છે”


બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે આધ્યાત્મિક અને દૈવી ભાવનાથી ભરપૂર ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનનો સંદેશ સૌ સુધી પહોંચે અને દૈવી અનુભવ મળે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં લેસ્ટર (યુકે) થી બિંદુ બહેન મોદી તેમના શિવ સરગમ સંગીત મંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાવનાત્મક અને હૃદયસ્પર્શી ગીતોની પ્રસ્તુતિથી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.

કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ લેસ્ટર સેવા કેન્દ્રના વરિષ્ઠ બી.કે. દાદા બાબુભાઈ અને તેમના પુત્ર ભૂપેન, લેસ્ટર કેન્દ્રની ઇન્ચાર્જ બી.કે. દીપિકા દીદી તથા વડોદરા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અનિલભાઈ બિસેન ઉપસ્થિત રહ્યા હતા.
સેવા કેન્દ્રની સહ-નિર્દેશિકા બી.કે. પૂનમ દીદીએ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું. આશરે 400 થી વધુ શ્રોતાઓની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને મહેમાનોના સન્માન સાથે થઈ.
વડોદરાના જાણીતા ગાયક શ્રી રાઘવ મિસ્ત્રી ખાસ મહેમાન તરીકે જોડાયા અને તેમના મધુર ગાયનથી કાર્યક્રમમાં ઉમદા રંગ ભરી દીધા. સાથે જ બી.કે. સાગર અને બી.કે. કુનિકાએ પણ મનમોહક ગીતોની પ્રસ્તુતિ આપી હતી. બે કલાક ચાલેલા કાર્યક્રમમાં હિન્દી અને ગુજરાતી આધ્યાત્મિક ગીતોના સુરીલા સ્વરોએ સૌને ઝૂમવા પ્રેર્યા હતા.
કાર્યક્રમના અંતે, સેવા કેન્દ્રની ઇન્ચાર્જ બી.કે. ડૉ. અરુણા બહેનએ સૌને સંદેશ આપ્યો “ભગવાન આનંદ અને શાંતિનો મહાસાગર છે. જ્યારે આપણે ગીત કે ધ્યાન દ્વારા આપણું મન તેમની સાથે જોડીએ છીએ, ત્યારે આંતરિક શાંતિ આપોઆપ પ્રસરી જાય છે. પ્રેમ, પવિત્રતા અને આનંદ એ ભગવાનનું સંગીત છે — તેને આપણા જીવનમાં ઉતારીએ તો જીવન પોતે સંગીત બની જાય છે.”